ભાગીરથી જાહ્નવી, એક પ્રેરણાદાયી પાત્ર, ૧૯૧૭-૧૯૯૩
મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. એમના હાથથી કાગળ પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવિયેત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.
એક વર્ષની ઊંમરે એમની માતાનો સ્વર્ગવાસ થયેલો. ચોથી ચોપડી મ્હાણ પુરી કરેલી એવુ એમના કાકીમા કહેતા. પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” જ્યારે સાસરે ગયા તો ત્યાની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.
પાંચ વરસના મનોમંથન અને ભાઈ, નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયુ કે મારુ ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યા. પોતાના સદગુણોને લીધે ઘણા ઉત્તમ લોકોના સંસર્ગમાં આવ્યા. પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યુ. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…” એમના પિતાશ્રીની બીજી અસંમતિઓમાં વધારો થયો, જ્યારે બાએ કહ્યુ કે, “હવે હું ખાદીના કપડા પહેરીશ.”
જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી અને અમારા બાપુજી ગામડે પ્રથમિક શાળામાં શિક્ષક હતા જેમની બદલી ભાવનગર કરાવવાના પ્રયત્નો ચાલુ હતા. બાની માનસિક અને સાંસ્કારિક પ્રગતિની ઝડપ સાથે જીવનસાથી કદમ મીલાવી ન શકતા અમુક અંતરનો અનુભવ અને એકલતાની લાગણી એ કવિ હ્રદયને સતત લાગતી.
પણ જીવનના દરેક માઠાં અનુભવોને, “મારે માટે એ જરૂરી હશે.” સમજીને અંતરગત બનતા રહ્યા.
હંમેશા ગુરૂની શોધમાંવ્યાકુળ હતા. જ્યારે સંત વિમલાતાઈને મળ્યા એ સમયે એમની તપસ્યા પરિપક્વ થયેલી હતી. વિમલાતાઈનુ પ્રવચન સાંભળી, બીજે દિવસે વહેલી સવારે એમના આવાસ પર પંહોચી ગયા. “અત્યારે નહીં મળે.” જવાબ સાંભળી, બીજે દિવસે ફરી ગયા. થવાકાળ હશે કે વિમલાતાઈ બહાર હતા. બાએ સીધા જ એમને ગુરૂ બનાવી દીધા અને પછી અનેક કષ્ઠો વેઠી આબુ જઈને રહ્યા. એમની માનસિક આતુરતા અને કરૂણતા મારી આંખ ભીની કરી દેતી. એમની સમર્પણની સત્યતા જોયા પછી પૂજ્ય વિમલાતાઈએ એમને કવિયેત્રી તરીકે એમના નાના સમુહમાં સ્વીકારેલા.
ગામડાની મા વગર ઉછરેલી છોકરી, જે સુંદર હોવાથી, “ડોળા ફોડામણી” કહેવાતી અને આને વખાણ સમજવા કે નહીં, એ આ છોકરીને ખબર નહોતી પડતી. પોતાના અંતર ઉજાસથી પોતાનુ ભવિષ્ય પોતે ઘડીને, ભણીને નોકરી કરીને એને સંતોષ નહોતો. એમને બીજા ઘણા કર્મો કરી ચેતના જીવંત રાખી જેનો આભાસ હજી વરતાય છે. સ્વજનોનો સાથ હોય કે અસહકાર, મનમાં ઊગે એને પ્રકાશમાં લાવવુ હોય એ વ્યક્તિત્વને ચાહવાવાળા અને વિરોધ કરવાવાળા સમુદાય સાથે સમતોલન કરતા રહેવું પડે. આજે બાને યાદ કરતા કલારસિકોની હાજરી મને એ દિવસોની યાદ આપે છે જ્યારે કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા બહેન બોલવા ઉભા થતા.
સરયૂના પ્રણામ
ભાગીરથી મહેતા- જાહ્નવી, કાવ્ય સંગ્રહઃ અભિલાષા, સંજીવની, ભગાવાન બુધ્ધનું કથાકાવ્ય. “સ્ત્રી સંત રત્નો” જીવન ચરિત્રો.
અનુવાદઃ વિમલાતાઈ ઠકાર લિખિતઃ ‘આત્મદીપ’, ‘સહજ સમાધી ભલી’, હનુમાન પોદાર લિખિતઃ ‘આનંદ લહર’.
“જાહ્નવી સ્મૃતિ” કવિયેત્રી સંમેલન અને કાવ્યલેખનના શીબીર, શિશુવિહાર ભાવનગરમાં ૧૯૯૫થી દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાય છે અને કવ્યસંગ્રહ બહાર પાડવામાં આવે છે.
www.shishuvihar.org phone# 0278-2512850
બુચના ફૂલ
વહેલી પરોઢ, કોઈ જાણિતી મ્હેક,
મારી યાદની પરાગને જગાડતી;
વર્ષોની પાર, ઝૂમી ઓચિંતી આજ,
અહો! માના આંગણની સુવાસથી!
પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડી,
ધોળા રે ફૂલ પીળી ડાંડલી,
આઘા અતિતમાં અવરી એક છોકરી
કે જોઉં મને વેણી પરોવતી!
ઉષાની ઓઢણીની આછેરી હલચલથી,
ફૂલોની થાપ થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી,
ભીંજી પળભરમાં પમરાટથી!
પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી,
મહેકાવે યાદને સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ,
સ્પર્શે સરયૂને કુમાશથી!
————-
Saryu Dilip Parikh
saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com phone# 512-712-5170

A kiss
I came to realize I had gone so very far
I had taken her for granted really many, many times
I understood her devotion, with children of my own
The feelings traveled back and expressed to be known
Wrapping us with vital thread, her affection eternal
Give and take that richer joy, had been offered maternal
” Ma is sick,” Brother was calling, the life rhythm is slowing
My tears started rolling, not aware they were flowing
My heart fluttered and fled, to be near and over there
“Too much trouble, so don’t come.” She was saying that I heard
It was serene, four a.m., I sat holding her feeble hand
” Is this Ila?” She tried to see. ” No, Ba, it has been me.”
Raising hand the weary tips, bringing mine over her lips
She told me all she had to tell with a tender, gentle kiss
She was gone and I did cry, rejoicing deep and precious ties
Full is the ocean of my life; received love drops that never dry
—————
એક ચૂમી
દૂર દેશાવર આવીને ત્યાર પછી જાણી’તી,
સમજી’તી એની ઉદારતા
કેટલીયે વાર નહિ ગણતી વિસાતમાં,
માતાની અણજાણી અસ્મિતા
મારા આ બાળ મને આવ્યા શીખવાડતા,
માની ખાસ આગવી વિશેષતા
પછી ઘણા વર્ષોથી દિલના ઉમળકાથી
અરસપરસ નેહમાં ભીંજાવતા
” માને સુવાણ નથી.” ભાઈ મને બોલાવે,
સમજુ વીરાની અસ્વસ્થતા
અશ્રુની ધાર વહે, નાજુક આ દિલ ઝરે
ટપકે રે મોતી અજાણતા
મારુ મન જાય ઊડી મળવાને આર્ત વળી,
ઉમટેલી હૈયે આતુરતા
” મુશ્કેલી વેઠી ના આવે.” મા એમ કહે
મારા સુખ સુવિધા વિચારતા
વહેલી પરોઢના ઘેરા અંધારામાં
બેઠી કૃશ હાથને પસરાવતા
” કોણ, ઇલા?” ” ના, હું છુ, બા. ”
કંઠે ભરાઇ ગઇ કુમાશતા
હળવેથી હાથ મારો હોંઠે લગાડતી
મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા
આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી
કહી દીધું સર્વ હાથ ચૂમતા
અરવા આ બંધનને અશ્રૂની અંજલી
સ્મરણો અસ્તિત્વને હસાવતા
છલછલ રે છલકે મમ જીવન સરોવર
મા અનેક પ્રેમ બિંદુ રહ્યા સિંચતા
————
અરવા=અંતઃકરણ