Archive for October, 2011

મૂક-બધિર—તીએન

Posted in વાર્તા by saryu on October 15th, 2011

મૂક-બધિર—તીએન

એક ટૂંકી સફર પછી, હું ભારતથી હ્યુસ્ટન, ટેક્સાસમાં, ઘેર પાછી ફરી  હતી. ફોન  પરના  સંદેશાઓમાં,  મિસ. પેનીનો  સંદેશો રસમય લાગ્યો. હું એક પુખ્ત વયના, પરદેશીઓને, અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાયેલી હતી અને મિસ.પેની એના વ્યવસ્થાપક હતા. સંદેશામાં કહ્યું, “સરયૂ, એક મજાની બાળાને મળી શકશો? આશા છે કે એને અંગેજી શીખવવાનો સમય તમે ફાળવી શકો. બાળાનુ નામ છે, તીએન.”

તીએન અને તેના પિતા અમારી ઓફીસમાં મળવા આવ્યા. હસતી મજાની જાપાનની ગુડીયા જેવી તીએનને મળતા મને ખ્યાલ જ ન આવ્યો કે એ બોલતી નહોતી. એના પિતાએ પરિચય આપતા કહ્યું, “તીએન બચપણથી મૂંગી અને બહેરી છે.એને કાનમાં થોડા સમયથી, કોક્લિઅર ઇમ્પ્લાન્ટ, સાંભળી શકે તેવુ સાધન મુકાવ્યુ છે.” આટલા વર્ષોમાં પહેલી વખત કોઈ મૂક-બધિર વ્યક્તિને નજીકથી જાણવાનો પ્રસંગ આવેલો. મને થયું, ‘બસ, સાંભળી શકશે એટલે બોલતા પણ તરત શીખી જશે.’ મારી એ ધારણા સાવ ખોટી પડશે એ કલ્પના નહોતી.

પહેલે દિવસે મેં એને તેના ભવિષ્યના સપનાઓ અને ધ્યેય વિષે થોડું લખી લાવવા કહેલુ. બે પાના ભરીને લખાણ જેમા એનો ઉત્સાહ છલક્તો હતો. એને તો નર્સ કે ડોક્ટર, or graphic designer, આલેખન ચિત્રકાર બનવુ હતુ. ભાષાના વ્યાકરણ પરનુ પ્રભુત્વ નહોતુ પણ પોતાના વિચારો લખીને બરાબર જણાવ્યા હતાં. અમારી વાતચીત કાગળ પેનના માધ્યમથી ચાલુ થઈ. એ થોડા શબ્દો બોલવા પ્રયત્ન કરતી પણ મને ન સમજાતાં લખી બતાવતી હતી. એકાદ વર્ષથી એના માતા-પિતા અને એના કરતાં નાના એક  બહેન અને એક ભાઈ  સાથે મલેશિયાથી અહીં  ટેકસાસ, યુસએમાં    રહેવા આવેલ હતી. એના પિતાના કહેવા પ્રમાણે, હાઈસ્કુલ પુરી કરી પણ અંગ્રેજી બહુ સારૂ ન હોવાથી કોલેજમાં દાખલો મળવાની મુશ્કેલી હતી. મળવાનો સમય પુરો થતાં મને હસીને ભેટી.

તીએનની જરૂરિયાત જોઈ સંસ્થાના વ્યવસ્થાપક પાસે મેં પ્રસ્તાવ મુક્યો કે, “તીએન માટે speech therapist, ભાષા વિશેષજ્ઞ મળી શકે?” વ્યવસ્થાપક ઉત્સાહથી બોલ્યા, “હાં, આપણા સેવા શિક્ષકના સમૂહમાં એક નિવૃત્ત થયેલ ભાષા વિશેષજ્ઞ, મીસ.લીન છે.” અમને થયું કે, વાહ! હવે તો તીએનને અભ્યાસમાં બન્ને રીતે વેગ મળશે!

અઠવાડિઆમાં બે વખત, બે કલાક જેવો સમય અભ્યાસ માટે નક્કી કર્યો. એ મારી પાસે શીખી રહી હતી અને મને પણ ઘણુ નવુ શીખવા મળી રહ્યું હતું. બોલી ન શકાય અને સાંભળી ન શકાય એ વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી હોય એ વિષય પર પહેલા મને ભાગ્યે જ વિચાર આવ્યો હશે. તીએનનો પરિચય વધતાં હું જોઈ શકી કે એને પોતાની ખામીઓનુ બંધન એટલુ નહોતુ જેટલુ અમને પૂર્ણાંગવાળા સમજદાર વડિલોને હતું. એ અનેક વખત અમને આશ્ચર્યમાં મુકી દેતી. ભાષા વિશેષજ્ઞ સાથે ઘણા ક્લાસ કર્યા પણ બોલવામાં ખાસ સફળતા ન મળી

કોલેજમાં દાખલ થતાં પહેલાની પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતાં. પરિણામમાં ગણિતમાં સારા ગુણ આવ્યા પણ ઇંન્ગ્લીશમાં ઓછા હતાં. મ્હાણ community collegeમાં પ્રવેશ મળ્યો. એ તીએન અને એના કુટુંબ માટે સફળતાનુ પહેલું પગથીયું હતું. તીએન અમાપ ઉત્સાહથી મહેનત કરવા લાગી હતી. મને મૂંઝવણ થતી કે એ ક્લાસમાં કેવી રીતે સાંભળશે, સમજશે અને બધા સાથે ભળશે!

અમેરિકામાં બહેરા વિદ્યાર્થી માટે ખાસ સગવડતા કરી આપવાના નિયમ પ્રમાણે, ક્લાસમાં તીએનની બાજુમાં નક્કી કરેલ વ્યક્તિ બેસી કોમ્પ્યુટર પર અધ્યાપકનુ વ્યાખ્યાન ટાઈપ કરે. તીએનને વિષય તૈયાર કરવામાં ખુબ તકલિફ પડતી અને બધા કરતાં પાછળ પડી જતી. હવે ઈંન્ગ્લીશ સાથે સાથે બીજા વિષયો માટે પણ એને મારી મદદની જરૂર પડવા લાગી. હું અમારી સંસ્થામાં અને કોલેજની લાયબ્રેરીમાં પણ ભણાવવા જતી. નવા મિત્રોની પણ મદદ મળતી હતી.
વિસેક વર્ષની કન્યાને બીજા પણ ઘણા સામાજીક અને ધાર્મિક સવાલો ઉઠે.
એક દિવસ તીએન સાથે થયેલી ચર્ચા ખાસ યાદ આવે છે. અમે હેલન કેલર, જે મુંગા, બહેરા અને અંધ હોવા છતાંય જીવનમાં ઘણુ કરી ગયા. તીએનને મે કહ્યું કે, “તેઓ ગ્રેહામ બેલના સમકાલીન હતા.”
એણે નિર્દોષ ભાવથી લખીને પુછ્યું, “તો હેલન કેલર અને મી.બેલે લગ્ન કેમ ન કરી લીધા? એ લોકોના વારસદાર કેટલા બુધ્ધીમાન થાત ને!”  એનુ મગજ ક્યાં કામ કરે છે એ વિચારથી મને હસવું આવી ગયુ.

તીએનના મા મને એક દિવસ કહે, “અમે બૌધ ધર્મ પાળીએ છીએ. તીએન જરા વધારે પડતી ક્રીચ્યન અને ચર્ચ પાછળ ઘેલી થઈ રહી છે. તમે જરા સમજાવજોને.” એક દિવસ તીએને ચોકબોર્ડ પર લખ્યુ, ‘જીસસ, દાનવનો નાશ કરનાર.’
ક્લાસ પૂરો થતાં એ કહે કે, “આ લખાણ રહેવા દઈશ જેથી લોકો શીખી શકે.” મેં નીચે લખ્યુ, ‘ક્રીષ્નાની ભક્તિ કરો.’ મેં એને લખીને પૂછ્યું કે, “તું હવે ક્રીષ્નાની ભક્તિ કરીશ?” એ તો મુંજાઈ ગઈ.
મેં એને બને તેટલી સરળ રીતે, ધર્મ અને કર્મ વચ્ચેનુ સમતોલન સમજાવ્યુ અને એ પ્રેમપૂર્વક ધ્યાનથી સમજતી રહી. પછી ઉઠીને મને ભેટીને ઘેર જવા નીકળી.
એ મારી સાથે ફોન પર સંદેશો કહી શકતી. ખાસ વ્યવસ્થાને કારણે, એ ટાઈપ કરી ઓપરેટરને સંદેશો લખે અને એ મને  વાંચી સંભળાવે. પછી હું જવાબ કહું તે ઓપરેટર એને ટાઈપ કરી પહોચાડે. આને રીલે-ફોન કહેવાય છે.

સૌથી મોટી વાત એ બની કે તીએને કારડ્રાઈવ કરવાનો પરવાનો મેળવ્યો. એના મા-પિતાની સગવડતામાં, અને સાથે સાથે ચિંતામાં પણ, વધારો થયો. હવે એને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે આવતી તેથી નક્કી સમય નહોતો રહ્યો. આશ્ચર્યની વાત એ હતી કે મેં એને એક વખત ઈમેઈલમાં અમારા ઘેર આવવાનો રસ્તો બતાવેલ, પણ એ દિવસે પહેલી વખત અંધારા થયા પછી, અમારે ઘેર આવીને ઘંટડી વગાડી!  પછી તો જ્યારે પણ ઓચિંતા ઘરની ઘંટડી વાગે ત્યારે મારા પતિ દિલીપ કહેતા, “આ તારી તીએન આવી.” એને છેલ્લી ઘડી સુધી વિષયોની તૈયારી કરવાની હોય તેથી કેટલીક વખત હું થાકુ ત્યારે ઘેર જવાનુ કહું તો હસીને ભેટીને ઘેર જતી રહે, પણ પછી લગભગ આખી રાત જાગીને કામ પુરૂ કરતી.

એ સમયે તીએન કોલેજના ચોથા વર્ષમાં હતી. મિત્રો સાથે બહાર બહુ સમય પસાર કરતી અને રાતના મોડેથી કારમાં એકલી ઘેર આવતી. એના માતા-પિતા અને મેં ઘણી વખત ચેતવણી આપી હતી છતાંય પરિક્ષાઓના દિવસોમાં એના પિતાનો મારા પર ફોન આવ્યો અને કહે, “ગઈકાલે તીએન ઘેર નથી આવી.”
મને ચિંતા થઈ ગઈ. છેક સાંજે તપાસ કરતા ખબર પડી કે ભણતા મોડુ થઈ ગયુ તેથી મિત્રને ઘેર ઉંઘી ગયેલી. અકળાવનાર વાત એ હતી કે એને અસલામતીની ગંભીરતા સમજાતી નહોતી.

દર વર્ષની રીત પ્રમાણે સેવા સંસ્થામાં સેવા આપનાર શિક્ષકોને સન્માન આપવા માટે વાર્ષિક ઉજવણી એક સરસ જગ્યાએ કરવાની હતી. હું એ સેવા સંસ્થામાં દસ વર્ષથી મદદ આપી રહી હતી.એમા એક જ સફળ વિદ્યાર્થીને આમંત્રિત કરવાની પ્રથા હતી. એ વર્ષે તીએનને આમંત્રિત કરવામાં આવી જેથી એની ખુશીનો પાર ન હતો.  આગલા દિવસોમાં મને આવીને લખાણ બતાવી ગઈ જેને મે મઠારી આપ્યુ. હજી એનુ ઇંન્ગ્લીશ બહુ સરસ નહોતુ.

કાર્યક્રમને દિવસે એ એના મા-પિતા સાથે આવેલી. બરાબર જમી અને બધાને પ્રેમથી મળી. અમારો બોલવાનો વારો આવ્યો ત્યારે પરિચય આપતા મેં કહ્યુઃ “આજથી પાંચેક વર્ષો પહેલા, જ્યારે મીસ.પેનીનો ફોન આવ્યો કે મારે એક મજાની કન્યાને ઈંન્ગ્લીશ શીખવવાનુ છે, મને કલ્પના ન હતી કે અમારી મુસાફરી આટલી આનંદ અને આશ્ચર્યથી ભિંજાયેલી
નિવડશે. તીએન મારી પાસેથી અને હું એની પાસેથી ઘણુ શીખી. એની અને એના કુટુંબની હિંમત અને ધગશ એને આજે કોલેજની સ્નાતક બનાવવામાં સફળ થઈ છે. એ હકિકત છે કે અમારી મદદ ઘણી મળી પણ મદદ આપનાર સામે મદદ
લેનારને હું એટલુ જ સન્માન આપુ છુ. એણે અમારી મદદને વેગ અને તેજ આપ્યા. હવે તીએનને જે કહેવું છે તે હું વાંચીશ અને તીએન સાંકેતિક ભાષામાં સમજાવશે.”

મારૂ વક્તવ્ય પુરૂ થતાં તાલીઓ સાથે દરેકના ચહેરા પર પ્રેમભર્યુ  હાસ્ય હતુ. તીએનને માટે તો એ જોઈને, મેં શું કહ્યુ હશે, એની કલ્પના કરવાની જ રહી.

મેં વાંચવાનુ શરૂ કર્યુ. “મારૂ નામ તીએન. લગભગ પાંચ વર્ષથી મીસ.સરયૂ મને મારા ધ્યેય પર પહોચવામાં મદદરૂપ થઈ રહ્યા છે. મને ખબર નથી કે એમનો સહારો ન હોત તો હું કયા વર્ગમાં ભણતી હોત! આજે મને આ સેવા સંસ્થા, મારા મા-પિતા, મીસ.લીન અને મિસ.સરયૂનો આભાર વ્યક્ત કરવાની તક આપવા બદલ તમારા સૌનો ધન્યવાદ. મને આ વર્ષોમાં ઇંન્ગ્લીશ ઉપરાંત બીજુ ઘણુ શીખવા મળ્યુ છે. મને ખબર છે કે હું સાંભળી કે બોલી શકવાની નથી પણ જીવનમાં પ્રગતિ કરવામાં એને રૂકાવટ નહીં બનવા દઉં અને એ તમારી પાસેથી હું શીખી. આભાર.”

એ સાથે તાલીઓ અને અનેક ભીની આંખો હસી રહી.

ઉપસંહારઃ  તીએન હ્યુસ્ટન કોલેજ પુરી કરી એના ઘરથી ચાર કલાક દૂર હોસ્ટેલમાં રહી ગ્રાફિક ડીઝાઇનમાં આગળ ભણવા ગઈ. શરૂઆતમાં એના માતા-પિતાને બહુ ચિંતા થઈ પણ એ આત્મવિશ્વાસથી સ્થીર રહી. લાંબા સમય પછી, એક દિવસ ઓચિંતા આવીને સાથે આવેલ સરસ અમેરિકન યુવક, જીમનો પરિચય કરાવ્યો. બન્ને પ્રેમમાં હતા અને જીમ થોડા મહિનાઓમાં જ સાંકેતિક ભાષા શીખી ગયો હતો. તીએન હજી પણ પૂર જોશમાં સપનાઓ ગુંથતી હતી અને હું અહોભાવથી જોતી રહી.


| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.