Archive for April, 2008

અપેક્ષા – ગુર્જરી ડાયજેસ્ટમાં ૪/૨૦૦૯માં પ્રકાશિત

Posted in વાર્તા by saryu on April 27th, 2008

અપેક્ષા                                                                     લે. સરયૂ પરીખ

‘આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?’
અવન્તિકાબહેન ક્યારનાં સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યાં હતાં.
ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને કલ્પના પણ ના આવે કે આ બહેન કેટલાં હસમુખા સ્વભાવનાં હશે!  બધાનુ કરી છુટે એવા – પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતાં જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં.
જ્યારે દીકરો વહુ ઘરડાંઘરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયાં હતાં. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠાં હતાં.  ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને  ધુંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ  અન્યમનસ્ક  ભાવથી  ક્ષુબ્ધ બની બેઠો  હતો.  મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું  હતું, ‘તમને યોગ્ય લાગે એમ કરો.  બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’  મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં…. ‘ એમાં મે શું ખોટુ કરેલું?  મારી સિત્તેર વર્ષની ઊંમરની પણ કોઈ માનમર્યાદા નથી રાખતાં.  ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરૂર નથી.
દીકરાને થાય કે હવે કોઈ ઑફિસમાં આવે તો સારું. સેક્રેટરી બેસવાનુ કહી ક્યારની ગઇ.  બહારથી તો મકાન સારું દેખાય છે. આગળના રૂમની સજાવટ પણ સારી છે. ઠંડક પણ છે. બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યુ એ સારું  કર્યું. મહેશની નજર મા તરફ વળી.  ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત.  ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત, પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો. અને જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય?’   દીકરાને  આશા હતી જરા અહીં ગોઠવાઈ જતાં બાનો આનંદી સ્વભાવ પાછો આવી જશે. આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાંઘરમાં લઇ જ આવ્યાં.
અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ.મેનન આવ્યા અને જરૂરી કગળો તૈયાર કરી આપ્યા. અવન્તિકાબહેનને ડાયાબિટીસ સિવાય કાંઇ બીજી તકલિફ નહોતી. અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી. મિસ.મેનને ફોન કરીને અંદરથી કોઇને આવવાનું કહ્યું. થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા. રૂમ પાસે પહોંચતાં જ હસતો અવાજ સંભળાયો,
‘હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?’   ‘અવન્તિકા’  એમણે ધીમથી જવાબ આપ્યો.
‘મજાનુ લાંબુ નામ છે. હું તમને મિસિસ.એન્ કહું તો વાંધો નથીને?’  ‘ભલે’  અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો
સરગમ એમનાં દીકરા-વહુને પણ પ્રેમથી મળેલી. પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગયેલી. સરગમ પ્રસન્નતાથી વાતચીત
કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું. મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.
‘ અરેરે! અહીં તો ભગવાનનુ મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પડ્યાં નહીં હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે!’
સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતું નહોતું.  ‘ મારા ઠાકોરજીને અહીં જરાય નહીં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય!’
‘જુઓ બા, આ રૂમ તમને ગમશે,’  મીનળ બોલી, ‘ આ ખાટલો ઠીક છે ને?  તમારી શાલ બેગમાં મૂકી છે.’
‘હાં, ઠીક છે.’  અવન્તિકાબહેન બોલ્યા. પણ મનમાં વિચારે કે,  ‘હવે મીઠાશ બતાવે છે. ગઈકાલે જે કકળાટ કર્યો હતો એ કાંઈ હું ભૂલી જવાની છું? મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી.
રહેવાની જગ્યા જોવાઈ ગયા, દીકરો-વહુ  ‘ધ્યાન રાખજો’, કહીને જતાં રહ્યાં. અવન્તિકાબહેન એક્લાં રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં હતાં. આંખોમાંથી આંસુની ધારા એમનાં પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમનાં બાપુ કહેતાં, ‘બેનાને તો પાંપણે પાણી.’ એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને આમ રડતાં બાપુને યાદ કરશે! યાદોની હવા ક્યાંથી ક્યાં ખેંચી જાય છે!
બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યાં, ‘મને સરગમબહેને વાત કરી કે તમારૂં નામ અવન્તિકાબહેન છે. ચાલો, ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?’  ….  ‘હાં,ચાલો. ‘ એમને સારૂં લાગ્યુ કે રોજની જેમ એકલાં એકલાં ચા નહીં પીવી પડે. જમવાના રૂમમાં જુદાં જુદાં ટેબલો ગોઠવેલાં હતાં. એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા. થોડીવાર કોઇએ ધ્યાન આપ્યુ નહીં. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યાં.
અવન્તિકાબહેનને થયું, ‘આ ચા તો બહુ ગળી છે. મને પસંદ એવું કાંઇ અહીં નહીં મળે.’ ત્યાં બાજુવાળાં બહેન બોલ્યાં, ‘ એ સરગમબહેન!  અહીં આવો તો.’ સરગમ ઊભાં થઇને આવ્યાં અને સીધાં જ અવન્તિકાબહેન પાસે આવી ને બેઠાં.
‘ચા પીધી ને?’  અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી. ‘હું તમને આ બધાંની ઓળખાણ કરાવું.’  સરગમ હસીને બોલ્યાં,  “પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડીયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક રૂમમાં જ  છો.’  હવે લીલાબહેનનાં મુખ ઊપર હાસ્ય આવ્યું.
પેસ્તનજી કહે, ‘સોજ્જો તમો અહીં આયા. તમોને ગમશે.’  વલ્લભભાઈએ માંડ માથું હલાવ્યું.
વિનયભાઈએ પુછ્યું,  ‘ક્યાંના છો?’
અવન્તિકાબહેન, ‘ ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી, મારા ભાઈનું કુટુંબ જ છે.’  આટલું બોલતાં તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોઠ મજબૂતાઈથી બંધ કર્યા. સરગમ સામે જોઈને જાણે મદદ માંગી રહ્યાં. સરગમે ભાવથી એમના ખભા પર હાથ મૂક્યો. બધાંની સામે જોઈ બોલ્યાં, ‘ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.’  પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેનાં ટેકે ટેકે બહાર ગયા.
લીલાબહેન કહે,  ‘ચાર વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની જરૂર હોય તો કે’જો.’  અવન્તિકાબહેને હસીને આભાર માન્યો.
સામેના મોટાં હોલમાં સરગમ સાથે ગયાં જ્યાં નાનાંમોટાં રમી શકે એવી રમતો હતી.  કેટલાંય ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલાં ફરતાં હતાં. કેટલાંક પત્તા રમવાના ટેબલ પર બેઠાં હતાં. વિનયભાઈએ પૂછ્યું, ‘ અવન્તિકાબહેન્, બ્રીજ રમતાં આવડે છે?’  ‘હાં, થોડુંથોડું;  થોડાં દિવસ પછી પ્રયત્ન કરીશ.’  એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં પિંગ-પોંગના ટેબલ નજીક ખુરશીમાં બેસી ગયા. બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયાં એનો ખ્યાલ ન રહ્યો.  બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યા છે! નાનો તો દાદી વગર પાણી પણ ના પીએ. એટલે જ નાનાની માંદગીમાં અવન્તિકાબહેનને હાજર રહેવું પડેલું. યાદ આવ્યું. અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જઉં. કેવા આરતી કરતાં શીખી ગ્યા’તા! મીનળ અને મહેશ કીધા કરે, ‘આ બધી અંધશ્રધ્ધા છે.’ પણ સાંભળે કોણ?  ‘એમને શું ખબર પડે’  એમ પોતે વિચારે.
‘અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો? તમારી પાસે બેસું?’  સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યાં. ‘હાં
સરગમ સહાનુભૂતિપૂર્વક બોલેલાં,  ‘અવન્તિકાબહેન, તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહીં પડે પણ હિંમત નહીં હારતાં, ધીરે ધીરે ગમી જશે. અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.’  પણ અવન્તિકાબહેનના મનનો વિરોધ-વંટોળ કાંઈક બીજું જ સાંભળતો હતો. ‘મારૂં કામ હતું ત્યાં સુધી મને રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ માંડ ઘરમાં ધરમ-કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતાં. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. આટલાં કલાક લાંબા લાગે છે, તો વરસ કેમ જશે?’  મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું.

આમ મૂંઝવણમાં પહેલી રાત તો જેમતેમ પૂરી કરેલી. બીજે દિવસે સવારનાં નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂં કરી.
‘તમે અંહી ક્યારથી છો?’ અવન્તિકાબહેને પૂછ્યું.
‘પાંચ મહિનાથી છું. મને સ્ટ્રોક આવેલો પછી જમણાં કાને સંભળાતુ નથી. મને વાંચવાનો બહુ શોખ. કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરૂં છું.’  લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં.
‘તમે નાનાં હતાં ત્યારે શું નોકરી કરતાં હતાં?’  અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો શિક્ષક હશે.
‘મને સ્ટ્રોક આવેલો. મને વાંચવાનો બહુ શોખ.’  લીલાબહેન એમની ધૂનમાં બોલતાં હતાં. અવન્તિકાબહેનને ખ્યાલ આવ્યો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી. ત્યાર બાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું.
અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. બે ત્રણ સાડલા ઊપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ-સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી.  ‘ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળાવતાં બાળકોએ કેટલી લમણાંફોડ કરાવેલી!’  એમને યાદ આવી ગયું.
પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ પણ હોશિયારી તો વીસ વરસનાં હોય ને એવી – આમ અવન્તિકાબહેન ગૌરવ સાથે બધાંને કહેતાં. આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની એ જ માયાજાળમાં ગૂંચવાયેલા રહેલાં. મંદિર જવું, પૂજાપાઠ કરવાં, એને જ ધર્મ સમજતાં. રોજ ઊઠીને કોઈ વખાણ કરે તો ખુશ અને ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય. કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનુ પણ ખરૂં.  ‘મારૂં તો કોઈ સાંભળતુ જ નથી. હું તો કેટલી સારી છું!  કોઈ આશા નથી રાખતી. પણ જુઓ…. છે કોઈને મારી દરકાર!’
બારણાં પર ટકોરાં પડ્યા અને સરગમનો અવાજ આવ્યો,  ‘અંદર આવું?’
‘હાં, આવોને.’  અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો.  ‘આ જુઓ, મારા દીકરાઓ અને નાના સુનીલ અને સુમન.’ સરગમ ફોટાઓની સામે જોઈ રહી હતી. અવન્તિકાબહેને આગળ ચલાવ્યું.  ‘મેં જ આ બેયને મોટા કર્યા, સાંચુ કહું છુ. રાત-દિવસ બે બાળકોની સાચવણી કરી છે. મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવરાવ્યા. પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.’
‘શું ઠીક ન થયું?’ સરગમે પૂછ્યું.
” મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો. ‘અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો. ‘સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રધ્ધા. દવાની ગોળીઓમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા,ને હાથમાં ટીલાં કર્યા. સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે. મારા બાબા ગુરૂની રક્ષા છે. પણ ત્રીજે દા’ડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા. ડોક્ટરે પૂછ્યું,  ‘દવાની ગોળીઓ બરાબર આપો છો ને?’
મીનળ કહે, ‘બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે. તે સુમનને ખવડાવતાં જ હશે. હમણાં એમને બોલાવીને પૂછું.’
મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી. ડોક્ટર,મહેશ અને મીનળના ગુસ્સાભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે. ઇન્જેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા. હું મારા રૂમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રૂજી રહી હતી.મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો, ‘જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી.’
મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઊદાસ ચહેરે મારી પાસે બેઠો. કહે, ‘બા! અમે કહીએ છીએ કે આવી અંધશ્રધ્ધા છોડી દો પણ પથ્થર ઊપર પાણી. હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે. દિવસે દિવસે તમારૂં અહીં રહેવાનું અશક્ય બનતુ જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.’ મેં કહ્યુ, ‘તમને કશી સમજ નથી પડતી. બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે!  ગયા અઠવાડીયે મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી!’ ‘હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?’  ‘હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.’ મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?’
સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલ્યાં, ‘અવન્તિકાબહેન, તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રધ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.’
અવન્તિકાબહેન અકળાઈને બોલ્યાં, ‘મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યા એટલે છોકરઓ એમ માનવાં માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.’ સરગમ ઠંડકથી બોલ્યા, ‘કશો વાંધો નહીં. ચાલો હવે બને તેટલું એ ભૂલી જાવ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. ભૂતકાળનાં અનુભવોમાંથી કાંઈક શીખીને આપણી આજ સુધારવાની છે.’
આવા ઘણાં પ્રસંગો સરગમ સાથેનાં યાદ કરતાં અવન્તિકાબહેન ફરી પાછાં બોલ્યાં, ‘અરે! સરગમ કેમ હજી આવ્યા નહિ?’ આ ચાર મહિનાઓમાં એમનો એકે દિવસ સરગમ સાથે વાતો કર્યા વગર પૂરો નથી થયો. રોજની જેમ આજે પણ એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યાં હતાં. છોકરાઓનો કાગળ આવ્યો હતો એ સરગમને બતાવવાનો હતો. આટલા સમયના સહવાસમાં અવન્તિકાબહેનની વિચારોની જડતામાં થોડી થોડી કોમળતા ક્યારે દાખલ થઈ ગઈ એ એમને પોતાને પણ ખબર ન રહી.
નારાયણભઈ ઉતાવળા આવ્યા અને બોલ્યા, ‘આવન્તિકાબહેન! અશુભ સમાચાર છે. સરગમ આજે વહેલી સવારે હ્રદરોગના હુમલાથી મ્રુત્યુ પામ્યાં.’ અવન્તિકાબહેન પથારી પર બેસી પડ્યાં, ‘અરેરે! આવા અણધર્યા સમાચાર?  એના હસતાં ચહેરાને જોયા વગર મારા દિવસો કેમ જશે!’  મનુષ્ય સ્વભાવ, સ્વચિંતા પહેલી કરશે. અવન્તિકાબહેન, આંખનાં આંસુ લુછતાં, લીલાબહેન સાથે વાતોએ વળગ્યાં.  ‘સરગમબહેન કેટલાં ભલાં હતાં. જે પરિસ્થિતિમાં હતાં એમા સંતોષથી રહેતાં. કોઇ દિવસ પોતાના દીકરા-વહુનુ કે બીજાનું ખરાબ નહોતાં બોલ્યાં. બસ પ્રેમ આપવામાં જ મશગૂલ હતાં.’
…..આ પછી સરગમની યાદમાં અવન્તિકાબહેનના દિવસો પસાર થઈ રહ્યા છે. એમનાં સહજ રીતે કહેલાં વાક્યો ફરી ફરીને યાદ આવ્યા કરે છે. એમણે પહેલે દિવસે કહ્યું હતું એ પ્રમાણે, અવનન્તિકાબહેનને ધીરે ધીરે નિવ્રુત્તિનિવાસમાં ગમવા માંડ્યુ હતું. પોતે કકળાટ કરતા હતાં એનાં જેવુ કાંઈ ખરાબ લાગતું નહોતું.  ‘અંહી મને એકલી નાખી ગયાં’  એ ભાવને બદલે સરખી ઉંમરનાનો સહવાસ સારો લાગવા માંડ્યો. હવે તો અમુક રમતો અને ક્યારેક બ્રીજની પત્તાંની રમત પણ ઉત્સાહથી રમે છે.
સરગમબહેન કહેતાં કે પૌત્રોને ઉછેરવામાં મદદ કરો એ તો યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યાં કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે. એમણે આ બે પંક્તિઓ કહેલી,
‘કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી
કર્મ અકર્મ વિકર્મની સાથે,સુકર્મની રીતિ હું સમજી’
આ પંક્તિઓ અવન્તિકાબહેનને ગમી તો ગયેલી પણ એને સમજીને જીવનમાં ઉતારી શકાય એ એમણે સરગમના જીવનવ્યવહારમાં જોયું. હવે એમને સમજાય છે કે આ ભાવ સહિત, અરે! આમાંથી થોડી જાગૃતિ હોત તો પણ આનંદમંગળ રહયા હોત.
સુનીલ, સુમન અને મહેશનો છેલ્લો કાગળ આવેલો એ ફરી આજે અવન્તિકાબહેન હાથમાં લઈને બેઠાં. સરગમને વંચાવવાનો ભાવ થઈ આવ્યો. ફરી વખત વાંચતાં જાણે સરગમનુ તાદ્દશ ચિત્ર ખડું થયું.  એ અવસ્થામાં એની સાથે વાતે વળગ્યાં.  ‘જો સરગમ!  મેં બે અઠવાડિયાં પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો? મને હતું કે મારા વગર એ કોઈને નહીં ચાલે, પણ છોકરાઓ તો સ્કુલ પછી બાલવાડીમાં જાય છે અને બીજાં બળકો સાથે મજા કરે છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’  એ ભ્રમણા ભાંગી ગઈ. રોજ હજી નાહી ધોઈને ભગવાનને પગે લાગે છે, હોં.’  અવન્તિકાબહેન મનોમન સરગમને ગૌરવ-સહિત કહી રહ્યાં હતાં.
લીલાબહેનની સાથે આટલા મહિના રહ્યા તો પણ એમની શાંત પ્રકૃત્તિ અને સરળ સ્વભાવને કારણે અવન્તિકાબહેનને જરા પણ માનસિક ખેંચતાણ ન લાગી. પોતાની દયા ખાવાની વર્ષો જૂની આદતને ખાસ પ્રોત્સાહાન નહોતું મળ્યું. એમની દીકરી અનુ અવારનવાર મળવા આવતી ત્યારે અવન્તિકાબહેન સાથે મીઠાશથી વાતો કરતી. અનુ કહેતી, ‘મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃતિનિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતો, જેથી હું નોકરી પર હોંઉ કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.’  અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઇ ફરિયાદ, ન કોઇ હક્ક-માંગણી!
કબીરનો દોહરો એ જ કહેવા માંગે છે,
“સહજ મિલા સો દુધ બરાબર, માંગ લીયા સો પાની
ખીંચ લીયા સો ખૂન બરાબર, કહેત કબીરા જ્ઞાની”

અવન્તિકાનબહેનને થાય કે પોતે દીકરાવહુ અને ભાઈને કેવાં ટોંણા મારતાં, ‘તમને પહેલા જેવો પ્રેમ નથી, મને તો યાદ પણ નથી કરતાં’ – કહીને રડવા બેસતાં. ઉંમર સાથે પરિસ્થિતિ બદલાતાં સ્નેહનાં સ્વરુપો બદલાયાં કરે જેનો સદ્‌ગુણી સ્વીકાર કરી આગળ વધતા રહે. સરગમ અને લીલાબહેનના સહવાસથી એ તો ચોખ્ખુ દેખાયું કે પ્રેમ આપીએ એથી બમણો પાછો મળે.
સમય સમયનું કામ કરતો ચાલતો રહે છે. દિવાળી સમયે બધાં મળવા આવેલા અને અવન્તિકાબહેનને બહાર જમવા લઈ ગયેલાં. સુનીલ-સુમનને ખબર કે બાને પિઝા બહુ ભાવે છે તેથી ખેંચીને લઈ ગયેલા. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. અવન્તિકાબહેન પોતાને સમજાવવા પ્રયત્ન કરે કે, ‘આમ તો સારી છે. મહેશ અને બાળકોને કેટલા સારી રીતે સંભાળે છે!’  પણ હજી એમનું મન એને માફ કરવા તૈયાર નહોતું. મીનળે પૂછેલું, ‘બા, તમને અંહી ગમે તો છે ને?’  ‘ ખાલી વિવેક કરવા પૂછ્યું હશે…’  પોતાનો અહ‌મ્‌ એ પ્રમાણે મીનળની લાગણીની કિંમત કરતા રોકતો હતો.
બધાં મૂકીને ગયા પછી લીલાબહેન કહે, ‘ બન્ને ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.’ એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જૂદી દ્રષ્ટિથી જોવા લાગ્યાં. એમને થયું કે ઘરમા આવી સારી વ્યક્તિ અને પોતે બહારનાનાં વખાણ કરતાં થાકતાં નહોતાં.  ‘લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધુ મારી રીતે શિખવાડ્યું હતું. હું જે રીતે કરતી હતી એમ જ રસોઈ વગેરે બધું કરવાનું. એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.’  અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. પોતાના વડસાસુ આવું જ બોલતાં અને પોતે નાની વહુ તરીકે આવા વર્તનને જુલમ માનતાં. એમનાં પોતાના સાસુ ભલાં હતાં તેથી લાંબુ સહન નહોતું કરવું પડ્યું. વડસાસુ તો થોડાં જ વર્ષોમાં સ્વર્ગે સિધાવ્યાં હતાં
આ સાથે સરગમ સાથેની વાતચીત થયેલી એ પણ યાદ આવી. અવન્તિકાબહેન કહેતાં હતાં, ‘મને ફૂલ-સજાવટનો બહુ શોખ. ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય. એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા. મને જરાય ન ગમી. એની ખોડખાંપણ રોજ દેખાડ્યાં કરું. ત્યારપછી મારી હાજરી વગર કશી વસ્તુ ખરીદે જ નહીં ને!’
સરગમે એ વખતે કહેલું, ‘ મિસિસ.એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાનું મન નહીં થતું હોય? મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કાંઈ ઉમંગ નહીં હોય?’  અવન્તિકાબહેને પોતાનો બચાવ જરૂર કરેલો, ‘પણ મારી પસંદગી એટલી સરસ કે બધાં વખાણ કરે.’ ફોટા ક્યાં લગાડવા, હીંચકો ક્યાં બાંધવો એ બધાનો હું વિચાર કરી મહેશ પાસે એ પ્રમાણે જ કરાવું. મહેશ ઘણીવાર સાભળે નહીં તો મારા કચવાટ પછી મીનળ જ કહે કે, ‘બા કહે એમ કરો.’  હવે એમને ખ્યાલ આવે છે કે, ‘બા કહે એમ કરો જેથી શાન્તિ થાય.’ અવન્તિકાબહેનને સમજાયું કે હું મારી મર્યાદા ન સમજું તો કોઈકે તો પોતાનો આગ્રહ નિર્મૂળ કરવો જ રહ્યો.
જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાંસેથી કોઈ પણ આશા રાખવાની જ નહોતી. પ્રસંગે અને દિવાળીએ આવીને મળી જાય એટલે બસ પત્યું. યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયાં હતાં! એક પૌત્રી છે જે દાદીને ખાસ અગત્ય આપતી નહીં. હવે તો હાઈસ્કુલના છેલ્લા વર્ષમાં ભણતી હશે.
બહારથી જનકભાઈનો મોટો અવાજ સંભળાયો. અવન્તિકાબહેને બહાર જઈને જોયું તો એ બાપદીકરો બહારના બારણાં પાસે ઊભા ઊભા ચર્ચા કરતા હતા. જનકભાઈ મોટેથી કહે, ‘ એવા કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, સાદાઈથી કરો. મેં કેટલી મહેનતથી બધું ભેગું કર્યુ છે, ઈ તમારે ઊડાડવા માટે નથી.’ દીકરો શરમાઈને એમને ધીમેથી બોલવા કહેતો હતો પણ જનકભાઈ સાંભળે તો ને!  અંતે ધડ કરતું બારણું બંધ કરીને બહાર નીકળી ગયો. જનકભાઈ ધૂંવાંપૂંવા થતાં પાછા ફર્યા.  ‘સાવ બૈરી કહે એમ કર્યા કરે છે.’ એમ બબડતા અંદર ગયા.
આ દ્રશ્ય જોઈને અવન્તિકાબહેન વિચાર કરતાં પાછાં ફર્યાં. મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે કાંઈક બોલવાનુ હોય જ – આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા, વગેરે. બોલવાનુ હોય જ. મીનળ ખાસ કરીને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવતી તોય મનનો દ્વેષ વાણી ઉપર સવાર થઈને બહાર આવતો. મનમાં એમ પણ થતું કે એ કમાય છે એટલે કેવી છૂટથી પૈસા ખર્ચે છે જયારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કાંઈક ખરીદી શકાતું હતું. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ, મીનળ તરફ દ્વેષભાવ લાવતો, એ આજે સમજાય છે.
હવે નિવૃત્તિનિવાસમાં આવ્યે અગિયાર મહિના થવા આવ્યા ત્યારે અવન્તિકાબહેનનુ મન હળવું થયું અને મીનળને કાગળ લખવાની ઇચ્છા થઈ. સરગમ કહેતાં એમ, ‘જાગ્યા ત્યારથી સવાર.’
એમણે લખ્યુ કે, ‘ પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની સુહ્ર્દયી સરગમ સાથે વાતો કરતાં જાણ થયેલી. એ તો ક્યારનાં અમને છોડીને જતાં રહ્યાં છે પણ એના મીઠાં ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! મારો ભગવાન મારાં તેમજ સર્વેના હ્રદયમાં બેઠો છે એ કેમ ભૂલાય? આપણોં પહેલો નિયમ કે હિંસા ન કરવી, એમાં સ્વાર્થી આગ્રહોથી બીજાની લાગણી ન દુભાવવી એ પણ આવી જાય. હું બહાર દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની   લક્ષ્મી  છે એ વાતની આજે કબૂલાત કરું છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. મારા જયશ્રીક્રૃષ્ણ.
વળતો ઉમંગભર્યો જવાબ આવ્યો. ‘બા, હવે વરસ થવા આવ્યું. અમે તમને આવતા અઠવાડીયે લેવા આવશું.’  આવવાના દિવસે અવન્તિકાબહેન ઉત્સાહથી, એમની સુઘડ ઢબથી નવો સાડલો પહેરી, રાહ જોતાં હરતાંફરતાં હતાં.
સુનીલ અને સુમન દોડતા આવી દાદીને વળગી પડ્યા. પાછળ મહેશ અને મીનળ પણ હસતા ચહેરે આવ્યાં. થોડી વારમાં મહેશ અને બાળકો પેસ્તનજીની સાથે બગીચો જોવા ગયાં. મીનળ બોલી, ‘બા! અમે તમને લેવા આવ્યાં છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.’
અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયાં.  ‘બેટા, ભૂલચૂક તો બધાંની થાય, પણ એને સમજીને સુધારી શકીએ તો આપણી શાન્તિ કાયમ રહે.’  મીનળને સાસુની સમજભરી વાણી સાંભળી આશ્ચર્ય અને આનંદ થયા.
મહેશ પાછો આવીને કહે, ‘ચાલો બેગ લઈ આવુ.
અવન્તિકાબહેન કહે, ‘બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં નિવૃત્તિનિવાસમાં ગોઠી ગયું છે. પ્રસંગે મુબઈ આવતી-જતી રહીશ પણ હમણા તો મારે અંહી રહેવું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરાવહુનુ ઘર સદાય આવકાર આપશે. હું ગમે ત્યાં રહું, બસ આ સ્નેહનો તાંતણો જોડાયેલો રહે.’
મહેશ-મીનળ અને બાળકોએ આગ્રહ કર્યો પણ અવન્તિકાબહેન હસીને પોતાના નિર્ણય પર મક્કમ રહ્યાં. બધાંને  ‘ફરી મળશું’  કહીને વિદાય કર્યાં. ચહેરા ઉપર સ્મિત સાથે નિવૃત્તિનિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં જતાં ગાતાં હતાં.
‘પ્રભુ મારી આશા નહિવત કરજે
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે’
તો જાણે સરગમ સાથે સૂર પુરાવતી સંભળાઈ
‘સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી
જરી તરી  નહીં   કોઈ  અપેક્ષા  ‘સરયૂ’ સંસારીની’

——————————–

JOY

Posted in કાવ્યો by saryu on April 16th, 2008

JOY

Kethan                                        Ava

JOY

The sparkling joy in baby’s eyes
The jovial smile bound to mesmerize

The convivial grin under twinkly stars
Celebrates seven sweet months so far

The rejoicing beam dazzles and darts
Marvelous mischief steals our hearts

The giggles and laughter catchy and gold
Pure and bright reflection of soul
———————-

The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.Saryu/Bena

બાલ-હાસ્ય

ઝબૂકે  નયનોમાં  આનંદ   નયનતારા
બાળકની   આંખૉમાં   સ્નેહના  ફુવારા

મસ્તીખૉર   મૂસ્કાને  મુગ્ધ   મારૂં  મન
ચમકંતા    ચક્ષુ    તળે   ખીલે    ચમન

મધુમીઠાં  કલરવથી મોહી  લીધા દિલ
ખિલખિલાટ   હાસ્યે    હસાવે   ખુશદિલ

સાત  માસ  આયુ-ફૂલ  ખીલ્યું   નિશ્ચિંત
શુદ્ધ શુભ  આત્માનુ   સ્મિત   પ્રતિબિંબ

—————–


સુફીયા અંજલીType in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.