Archive for February, 2012

આશાની કાણી કટોરી

Posted in કાવ્યો by saryu on February 23rd, 2012

આશાની કાણી કટોરી

મળતા   પહેલાનો  મદાર,  ધરે  આશાની  કાણી  કટોરી,
ખોળો    ભર્યો    રે  તોય   ખાલી,  આ  મનનો    ભીખારી.

આવ્યો અતિથિ  બની  બારણે, ઉત્સુક ને વિહ્વળ સંવાદી,
આઠના અભરખા ઉર અંતરે, ચાર મળ્યે રાળે  ફરિયાદી.

મારા તારાની  ખરી  ખેંચતાણ, મોહભરી  માયા  પટારી,
સુખ  દુઃખ   ઊભા  રે  મીટ   માંડી,  ચડી   આશા  અટારી.

પ્રાર્થના  પ્રદક્ષિણા  ઉતાવળે, બાધી દે માંગણીની  દોરી,
દેખા   દેખીના  દેખાવે, જો   જોઈ   જલે    નજરૂં   અદેખી.

આશા-અપેક્ષા  ઉત્પાત  કરે  નૃત્ય, મત્ત  મરજી   મદારી,
સંકલ્પ-સંતોષ   સત્ સંગી,      ધીર    ગંભીર    બિરાદરી.

અર્ધો    ખાલી  જેનો    કુંભ, એના  સૂનકારે   સૂકા રે  વન,
આનંદે છલ છલ અર્ધો  ભર્યો,  એના હો મબલખ  જીવન.

——–
આપણા અપેક્ષાના માયા માળામાં આપવામાં આવતી વસ્તુઓથી આનંદ-સંતોષ મળતા નથી, મળે તો ટકતા નથી.
અર્ધા ખાલી પણા પર ધ્યાન અટવાયેલું રહે છે.

| Comments off

સૂકાયેલા આંસુ

Posted in સ્વાનુભવ by saryu on February 5th, 2012

સૂકાયેલા આંસુ

નિરાશા ; કારણ-પરિણામ

આ નિરાશાના અંધારે ઓરડે,
એકલતા દર્દની દીવાલમાં,
હિબકા ભરૂને હસુ બાવલી,

પ્રભુએ આપેલી  મને એક પરી,
શોધુ હું ક્યમ ગલી અંધારી.
બોલાવું તો ય  દૂર ગઈ સરી.

કોને કોસુ ને કોને  પરહરૂં!
મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઈ સંગમાં ઊડી રહ્યું.

પડતી આથડતી  અવકાશમાં,
ખુલ્લી બારી ને મન મુંજાયું,
હું જ  ખુલા દ્વાર જઈ ભીડાવું.

એક જ તણખો  કે આ દિલ જલે,
અચેતન જડને ઢંઢોળે.
એક દે નિશાની મમજીવને,
હું અહીં છું, જીવંત છું!

——–

સૂકાયેલા આંસુ

નિરાશા-કારણ અને પરિણામ.

થોડા સમય પહેલા જ હ્યુસ્ટનની સ્ત્રીઓને મદદ કરતી સેવા સંસ્થામાં મને નિર્ણાયક સમિતિમાં સભ્ય બનાવી હતી. મારા વારા પ્રમાણે એ અઠવાડીએ કોલનો જવાબ મારે આપવાનો હતો. અમે શહેરમાં રહેતી ગૃહસંસારમાં પીડિત બહેનોને મદદ કરતા. તેથી એ દિવસે, દૂરના રાજ્યમાંથી ફોન આવતા નવાઈ લાગી.
એ બહેન કહે, “હું મારી ભાણેજને માટે આપની સંસ્થાની મદદ માંગી રહી છું. મને બીજી સંસ્થાઓમાંથી નકારાત્મક જવાબ મળી ગયો છે. તમારી છેલ્લી આશા છે. મારી ભાણેજના પતિ હ્યુસ્ટનમાં છે.”
એ પછી મેં એમની હકિકત સાંભળી.

“રીમા પાસે આ દેશમાં રહેવા માટેનુ જરૂરી ગ્રીન કાર્ડ છે. બે વર્ષથી દેશમાં છે પણ થોડા સમયમાં એના ફોઈની સાથે હ્યુસ્ટન આવશે. એના પતિ અને પાંચ વર્ષની દીકરી ત્યાં રહે છે.” આ સાથે ઘણા સવાલો ઉઠ્યા પણ મેં વિચાર્યુ કે રીમાને અહીં કોઈ નથી જે મદદ કરે તેથી, ‘શહેરમાં આવી મને જણાવે’ એમ કહી એ સમયે વાત પૂરી કરી.

બે મહિનામાં રીમાની માસીએ મને જણાવ્યુ કે રીમા એના ફોઈ સાથે હ્યુસ્ટન આવી ગઈ છે. હું એને મળવા ગઈ ત્યારે રીમા જરા ધીમી લાગતી હતી અને એના ફોઇ જરા એના પર વધારે જવાબદારી લેવાનું દબાણ કરતા હતા. રીમાએ દેશમાં ફાર્મસીનો અભ્યાસ કરેલો છે એ જાણતા મારો વિશ્વાસ વધ્યો કે અહીંની પરિક્ષા પાસ કરી નોકરી શોધી શકશે. જોકે રીમા અને ફોઇ મારા ઉત્સાહમાં સાથ નહોતા પુરાવતા એથી મને મૂંઝવણ થઈ, જેનો સુજાવ આવતા મહિનાઓમાં મને મળ્યો.

રીમાના જીવનની કરૂણતા જાણવા મળી. એના ડોક્ટર પિતા વર્ષો પહેલા મૃત્યુ પામેલા. એકલી માના સહારે મોટી થયેલી. છએક વર્ષ પહેલા, એ ગ્રીનકાર્ડ લઈ ફોઈને ઘેર આવેલી અને સારા છોકરા સાથે લગ્ન થઈ ગયેલા. હ્યુસ્ટનમાં સાસુ-સસરા પણ સાથે રહેતા હતા. બે વર્ષમાં દીકરીને જન્મ આપ્યો. આ સમય દરમ્યાન, રીમાની અણઆવડત અને બેદરકારી ધીરે ધીરે વધતા જતા હતા. કુટુંબના માણસોને રીમા સામે ઘણી ફરિયાદો થતી હતી પણ એના મન મગજ પર ઉદાસિનતા છવાયેલી રહેતી જેની એને પોતાને પણ સમજ ન હતી. એ જાણે આસપાસ શું ચાલી રહ્યું હતું એ વિષે અભાન રહેતી.

રીમા બીજા કોઈની વાત કરતી હોય એમ ભાવરહિત બોલી, “મારી પરી ત્રણ વર્ષની હતી ત્યારે અમે બધાં દેશમાં મુલાકાત માટે ગયા. ત્યાં ગયા પછી મારા પતિ કહે કે મારે ત્યાં રોકાઈ જવું અને તબિયતનો ઈલાજ કરાવવો. મારા વિરોધ માટે મને ધક્કો મારીને એક બાજુ હડસેલી દીધેલી.  મારો પાસપોર્ટ વગેરે જરૂરી કાગળીયા લઈ ગયેલા જેથી હું અમેરિકામાં દાખલ ન થઈ શકુ, એ વાત બહુ મોડી મારા ધ્યાનમાં આવી.” આમ, એની બાળકી સાથે એનુ કુટુંબ હ્યુસ્ટન પાછુ ફર્યુ અને રીમા હવે બે વર્ષ પછી પરિસ્થિતિનો સામનો કરવા અહીં આવી ઉભી હતી. બીજે દિવસે રીમાનો પતિ, ફોઈના કહેવાથી મળવા આવ્યો અને દસ મિનિટમાં રીમાના હાથમાં એના વકીલનુ કાર્ડ પકડાવીને જતો રહ્યો.
ફોઈ રીમા માટે વકીલ રોકી થોડી વ્યવસ્થા કરી મારી સંભાળમાં મુકીને જતા રહ્યા.
અમારી સંસ્થાએ એને મદદ કરવાનુ સ્વીકાર્યુ. રીમાને ક્રુર રીતે તરછોડવામાં આવી હતી અને બાળકીને આંચકી લેવામાં આવી હતી. અમે એને સ્ત્રી આશ્રય સેવા સંસ્થામાં રહેવાની વ્યવસ્થા કરી આપી. શક્ય એટલી બધી મદદ શરૂ કરી દીધી. નોકરી શોધવામાં, એને અનેક ઓફીસોમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. પણ મને રીમા વિષે ફરિયાદો આવતી કે સમય પર તૈયાર નથી હોતી કે કહેલી જગ્યાએ હાજર નથી હોતી, વગેરે. નમ્ર અને ગરીબ રીમા પર દયા પણ આવતી અને રોષ પણ આવતો. અભ્યાસ કરવા માટે પુસ્તકો લાવી આપ્યા જે સમય સુધી ખોલેલા પણ નહીં. પરિક્ષા માટેની તારિખ નજીક આવતા એની પાછળ પડીને તૈયારી કરાવી પણ પાસ ન થઈ. હવે મને ખ્યાલ આવ્યો કે કંઈક ખૂટે છે. એક સેવા આપતા માનસ ડોક્ટર સાથે મુલાકાત ગોઠવી આપી. નિરાશા ઊંડી ઘર કરી ગયેલી જેના કારણે નિત્યકર્મ અને સામાન્ય જવાબદારી પણ બરાબર નહોતી નિભાવી શકતી. કોઈ ભુલે પડેલ રસ્તેથી કે નાની મુશ્કેલીઓ આવતા, મારા ફોનની ઘંટડી વાગતી રહેતી.

આ દરમ્યાન એની દીકરીને મળી શકે, તે ઉપરાંત એના પતિને રીનાનો સ્વિકાર કરવા માટે હું ફોનથી વાત કરતી. વિવેકપૂર્વક એણે મને કહી દીધું કે જે વાત થશે એ એના વકીલ દ્વારા થશે. હવે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે એ નક્કી હતું. રીમા માટે નોકરી શોધવાના પ્રયત્નમાં મને સફળતા મળી. એક ઓળખીતા દુકાન મેનેજર બહેને સંવેદના બતાવી રીમાને નોકરી આપી. એની પાસે કાર હતી નહીં તેથી મારા ઘર નજીક એનું રહેવાનું જરૂરી હતું. મારા લોકલ સમાચાર પત્રમાં જાહેરાત જોઈ મને માન્યામાં ન આવ્યુ, ‘કોઈ બહેનને મારા ઘરમાં એક રૂમ ભાડે આપવાનો છે.’ હું રીમાને લઈ તરત પહોંચી અને અમારી સંસ્થા આપી શકે એટલા ભાડામાં રીમાને રહેવાની જગ્યા મળી ગઈ. સવારમાં એને લેવા જતાં બરાબર તૈયાર થઈ હોય તેવા ઓછા દિવસો, ક્યારેક ઉઠતાં મોડુ થઈ જાય તો કોઈ વખત વસ્તુઓ શોધવામાં મોડુ થઈ જાય.
રીમા પાસે કાર ચલાવવાની પરવાનગી હતી. અમારા પાડોશમાં એક નાની કાર વેચવા માટે મુકાયેલી એ જોતા મેં તપાસ કરી અને રીમાની મુશ્કેલીની વાત સાંભળ્યા પછી એ ભલા લોકો સસ્તા ભાવમાં વેચવા તૈયાર થયા હતા. નિયમ પ્રમાણે, અમારી સમિતિના સભ્યો કાર લેવા માટે પૈસા આપવા તૈયાર નહોતા પણ ઘણી સમજાવટ પછી, રીમાએ શક્ય બને કે તરત હપ્તા ભરવા એવું નક્કી કરી, કાર ખરીદવાની સંમતિ મેળવી. આ પહેલા ક્યારેય બન્યુ ન હતુ અને શંકા છે કે ભવિષ્યમાં બનશે પણ નહીં. રીમા કાર તો બરાબર ચલાવતી પણ કોઈ વાર સવારે, “મારી ચાવી નથી મળતી.” કે રાતના અગ્યાર વાગે કામ ઉપરથી નીકળતા, “મારી ગાડી ચાલુ નથી થતી.” જેના જવાબમાં હું કહું કે, “ગાડી ક્યા ગીયરમાં છે એ મને કહે.” “ઓહ! હાં ડ્રાઈવમાં હતી.” કહેતા જરા હસવાનો એનો અવાજ સંભળાય.
એ મનથી આનંદમાં રહે એના પણ ઉપાય પણ હું વિચારતી રહેતી. વકીલની અરજીથી એ દિવસ આવ્યો જ્યારે રીમા એની દીકરીને મળવા જવાની હતી. એણે રમકડા તો લઈ રાખ્યા હતાં. એ દિવસે પોતે નવા વસ્ત્રો પહેરીને મારે ઘેર આવી ગઈ હતી. એના પતિએ એના ઘરથી નજીકના શોપિંગમોલમાં મળવા માટે બોલાવ્યા હતાં જે અમારા ઘરથી કલાક દૂરની જગ્યા હતી. સલામતીના વિચાર સાથે, મારા પતિ અમને કારમાં લઈ ગયા. બે વર્ષથી એણે પોતાની બાળકીને જોઈ નહોતી. પિતા પુત્રીને નજીક જોતા, રીમાના મુખ પર ભાવો બદલાતા હું જોઈ રહી. એ રડી પડશે એવું લાગ્યું. અમે સામાન્ય વાતચિત કરી એ ત્રણેને એક જગ્યાએ બેસવાનુ સૂચન કર્યુ. અમે દૂરથી જોઈ રહ્યા હતા કે એ પાંચ વર્ષની બાળકી એના પિતાથી જરા પણ દૂર ખસવા નહોતી માંગતી અને રીમાથી બને તેટલી દૂર બેસવા પ્રયત્ન કરતી હતી. રીમાને કેટલું માઠું લાગતુ હશે એ વિચારથી અમારૂ દિલ દ્રવતુ હતું. હુકમ પ્રમાણે કલાકનો મુલાકાતનો સમય આપવામાં આવેલો હતો. જેમતેમ સમજાવી પિતાએ મા-દીકરીને એકાંત આપ્યુ. પહેલા તો એ રડતી હતી પણ રીમાએ એને રમકડાં આપી ખુશ કરી અને થોડા સમય પછી એ બન્ને ચાલતા સાથે ગયા.

જ્યારે પાછા ફર્યા ત્યારે બાળકીના મુખ ઉપર હાસ્ય જોઈ અમને સારૂ લાગ્યુ. કારમાં મેં રીમાને એ વિષે આનંદ વ્યક્ત કર્યો ત્યારે એ કહે, “બધો વખત એ એના પિતાની જ વાતો કરતી હતી અને ઉદાસ હતી. એ પહેલી વખત હસી જ્યારે એણે એના પિતાને ફરી જોયો.” આ વાત કેટલી પીડાજનક હતી એ માંનુ દિલ જ સમજી શકે. પછી દરેક મુલાકાતમાં રીમાને એવો જ અનુભવ થતો રહ્યો.

પાંચ મહિનાઓ પસાર થઈ ગયા. રીમાની નોકરી પરથી પણ ફરિયાદો આવતી. પોતાના બીલ ભરવા વગેરે પણ એ જવાબદારીપૂર્વક નહોતી કરી શકતી. એના પતિને ફરી રીમા સાથે સંસાર માંડવો નહોતો. એનુ કારણ રીમાની માનસિક અવસ્થાનુ હતું, પણ જે રીતે એને તરછોડવામાં આવી એ અમાનવિય હતું. છૂટાછેડાના પરિણામમાં, બાળકી પિતા પાસે રહી અને રીમાને મળવાની પરવાનગી મળી. થોડા ડોલર મળ્યા જેમાથી નાની રકમ બાળકીના ખર્ચા તરિકે આપવાની રીમાને જવાબદારી અપાઈ. અહીં દરેકને લાગે કે ક્યાં ન્યાય છે! પણ, બુધ્ધીનુ પ્રભુત્વ દરેકના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. એના કોઈ મિત્ર નહોતા જે આવીને એની ક્ષમતાની સાબિતિ આપી શકે. જે તે નિર્ણય સ્વીકારવો રહ્યો.
હું એને કહેતી કે, “તારો આ પ્રયત્ન વ્યર્થ નહીં જાય. દીકરી સમજણી થશે ત્યારે એને સમજાશે કે એની માંએ એને પાછી મેળવવા પ્રયત્ન કર્યો હતો અને કુદરતના ન્યાય પ્રમાણે તને શોધતી આવશે.”

એને અમે તેના કુટુંબ સાથે જઈને રહેવાની સલાહ આપી. પોતાની કારમાં બધો સામાન ભરી, અમારા ડ્રાઈવ-વેમાં મુકી રીમા ફોઈને ઘેર ગઈ. કોઈ વસ્તુ ન ફેંકવાની આદતને લીધે મહિનાઓ પહેલા ભરેલી વસ્તુઓ એમ ને એમ પડેલી હતી. હવે કાર વેચવાની મારી જવાબદારીને લીધે, વસ્તુઓ ઠેકાણે પાડી કાર વેચી શકી. એણે ખાલી સો ડોલર અમારી સંસ્થાને હપ્તામાં ભરેલા. એની દયનિય દશાને ધ્યાનમાં લઈ કારના પૈસા પણ મેં એને આપ્યા. એ સાવ ભૂલી ગયેલી કે ખરીદવાના ડોલર અમારી સંસ્થાએ આપેલા. સમજણ પાડ્યા પછી એણે અમારી સંસ્થાનો, આટલી બધી રીતે મદદ કરવા માટે, આભાર માન્યો.
પછી,એક વખત દીકરીને મળવા આવી શકી હતી. આવવા-જવાના ખર્ચાની દ્રષ્ટિએ ફરીથી મુલાકાત શક્ય ન હતી.

એ દિવસે અમારા ઘેર લગ્નપ્રસંગની ધમાલ હતી એવામાં રીમાનો ફોન આવ્યો.
“દીદી! તમારી સલાહ પ્રમાણે દેશ પાછી જઈ રહી છું. મારી બાળકીને મળવાનુ શક્ય બનાવવા બદલ તમારો ખૂબ આભાર.” એના માટે પ્રાર્થના સિવાય હવે હું કશુ નહીં કરી શકુ, એવો કરૂણ ભાવ મન પર છવાયો.
મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે.

———-

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.