લગની
લગની
તું મને દેખે ના દેખે, ઓ ઈશ, ઊંચે આકાશે તુજને સજાઉં છું.
તારા ને મારા આ અણદેખ્યા દોરને વીટીં વીંટાળી હરખાઉં છું.
છોને તું નોતરાં આપે ના આપે, હું સુરભી આંગણિયે લહેરાઉં છું.
ચેતન સૂર સાજના, મંજુલ ઝંકારના, સ્પંદન ઝીલીને મલકાઉં છું.
શ્રાવણના ઝરમરિયા ઝારે ના ઝારે, હું ઝીણા ટીપાથી ભીંજાઉં છું.
હૈયાની હેલમાં, પ્રીત્યુના નીરમાં, હેતાળી છલછલ છલકાઉં છું.
પાછલી પરોઢમાં તું આવે ના આવે,ઑમ ટહૂકો કરીને જગાવું છું.
ઉર્જા આગોશમાં, દિલના દરબારમાં, તેજ તણા પુંજને ઝુલાવું છું.
અહં અસ્તિત્વની અજ્ઞાની આરસી પર લગનીની લાલી લગાવું છું.
ઝાકળ બનીને હું, અર્પણ સમર્પણ, સાદર આ મસ્તક નમાવું છું.
———–