ભરોસો
ભરોસો
સપ્તપદીના સાત પગથિયાં અનેક વચને જોડે,
આગળ પાછળ ચાલી ચાલી જીવન રાહને મોડે.
પ્રશ્ન પ્રભાવિત નયણાં મંજુલ વિરહ વ્યથામાં બોલે,
“ભલે દૂર જાઓ સાજન, પણ દિલમાં તો રહેશો ને?”
વર્ષોના વહેતા વહાણામાં ખર્યું પાન સૌ વિસરે,
થઈ પારેવા અહીંતહીં માળે, ભલે દૂર જઈ વિચરે,
ઘરડી આયુ, એકલતામાં સ્થગિત સમય ના નીસરે.
“બેટા! જ્યારે જરૂર પડે તઈં સાથે તો રહેશો ને?”
સાવ સુંવાળી આંગળીઓ આ પુખ્ત હાથને પકડે,
ક્યાં લઈ જાશો પૂછી પૂછી એ મહામાતને ઝકડે.
કોમળ ચહેરો ઉપર ઊઠીને ઓષ્ઠ પાંદડી ખોલે,
“નાની! જ્યાં ત્યાં જઈએ,મારી સાથે તો રહેશો ને?”
સંવેદનશીલ સવાલ પ્રિયના ત્રસ્ત તરંગ જગાડે,
સાથે રહેવું કે ના રહેવું, સંજોગો સંચારે.
“ઓજલ અશ્રુ ધારે તું રુદીયાની વાત લખી લે,
પ્રિય!પરત આવીશ દોડી, આ એક વચન વાંચી લે.”
——-
જુદા જુદા સંબંધોના વિરહ, અને ફરી મળવાના વચન વિશ્વાસની, પરીક્ષા.
Devika Dhruva said,
June 4, 2013 @ 1:12 am
‘સોનેટ’કાવ્યપ્રકારના માપદંડમાં ખુબ નજીક આવતુ સરસ ભાવ-કાવ્ય.
જરાક જ ફેરફાર થાય તો ઓર જામે.
છેલ્લી બે પંક્તિ અતિઉત્તમ.’ત્રસ્ત તરંગ’શબ્દ પણ ઘણું કહી જાય છે.ગમી ગયો.