જાહ્નવિ સ્મૃતિ
ભાગીરથી, જાહ્નવિ, એક પ્રેરણાદાયી પાત્ર, ૧૯૧૭-૧૯૯૩
મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. એમના હાથથી કાગળ પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવિયેત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.
એક વર્ષની ઊંમરે એમની માતાનો સ્વર્ગવાસ થયેલો. ચોથી ચોપડી મ્હાણ પુરી કરેલી એવુ એમના કાકીમા કહેતા. પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” જ્યારે સાસરે ગયા તો ત્યાની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.
પાંચ વરસના મનોમંથન અને ભાઈ, નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયુ કે મારુ ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યા. પોતાના સદગુણોને લીધે ઘણા ઉત્તમ લોકોના સંસર્ગમાં આવ્યા. પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યુ. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…” એમના પિતાશ્રીની બીજી અસંમતિઓમાં વધારો થયો, જ્યારે બાએ કહ્યુ કે, “હવે હું ખાદીના કપડા પહેરીશ.”
જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી અને અમારા બાપુજી ગામડે પ્રથમિક શાળામાં શિક્ષક હતા જેમની બદલી ભાવનગર કરાવવાના પ્રયત્નો ચાલુ હતા. બાની મનસિક અને સાંસ્કારિક પ્રગતિની ઝડપ સાથે જીવનસાથી કદમ મીલાવી ન શકતા અમુક અંતરનો અનુભવ અને એકલતાની લાગણી એ કવિ હ્રદયને સતત લાગતી. પણ જીવનના દરેક માઠાં અનુભવોને “મારે માટે એ જરૂરી હશે” સમજીને અંતરગત બનતા રહ્યા.
હંમેશા ગુરૂની શોધમાં વ્યાકુળ હતા. જ્યારે સંત વિમલાતાઈને મળ્યા એ સમયે એમની તપસ્યા પરિપક્વ થયેલી હતી. એક દિવસે વિમલાતાઈનુ પ્રવચન સાંભળી, બીજે દિવસે વહેલી સવારે એમના આવાસ પર પંહોચી ગયા. “અત્યારે નહીં મળે.” જવાબ સાંભળી, બીજે દિવસે ફરી ગયા. થવાકાળ હશે કે વિમલાતાઈ બહાર હતા. બાએ સીધા જ એમને ગુરૂ બનાવી દીધા અને પછી અનેક કષ્ઠો વેઠી આબુ જઈને રહ્યા. એમની માનસિક આતુરતા અને કરૂણતા મારી આંખ ભીની કરી દેતી. એમની સમર્પણની સત્યતા જોયા પછી પૂજ્ય વિમલાતાઈએ એમને કવિયેત્રી તરીકે એમના નાના સમુહમાં સ્વીકારેલા.
ગામડાની મા વગર ઉછરેલી છોકરી, જે સુંદર હોવાથી, “ડોળા ફોડામણી” કહેવાતી અને આને વખાણ સમજવા કે નહીં, એ આ છોકરીને ખબર નહોતી પડતી. પોતાના અંતર ઉજાસથી પોતાનુ ભવિષ્ય પોતે ઘડીને, ભણીને નોકરી કરીને એને સંતોષ નહોતો. એમને બીજા ઘણા કર્મો કરી ચેતના જીવંત રાખી જેનો આભાસ હજી વરતાય છે. સ્વજનોનો સાથ હોય કે અસહકાર, મનમાં ઊગે એને પ્રકાશમાં લાવવુ હોય એ વ્યક્તિત્વને ચાહવાવાળા અને વિરોધ કરવાવાળા સમુદાય સાથે સમતોલન કરતા રહેવું પડે. આજે બાને યાદ કરતા કલારસિકોની હાજરી મને એ દિવસોની યાદ આપે છે જ્યારે કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા બહેન બોલવા ઉભા થાય.
સરયૂ દિલીપ પરીખ
“જાહ્નવિ સ્મૃતિ” કવિયેત્રિ સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે.
ભાગીરથી મહેતાના પુસ્તકોઃ “અભિલાષા”. “સંજીવની”. “ભગવાન બુધ્ધ”. “સ્ત્રી સંત રત્નો”..સંત સ્ત્રીઓના જીવન ચરિત્ર.
“આત્મદીપ.” “સહજ સમાધિ ભલી.” પુ. વિમલાતાઈ ઠકારના,
તથા “આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદારના, પુસ્તકોનો અનુવાદ.