બુચના ફૂલ
બુચના ફૂલ
વહેલી પરોઢ, કોઈ જાણિતી મ્હેક,
મારી યાદની પરાગને જગાડતી;
વર્ષોની પાર, ઝૂમી ઓચિંતી આજ,
અહો! માના આંગણની સુવાસથી!
પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડી,
ધોળા રે ફૂલ પીળી ડાંડલી,
આઘા અતિતમાં અવરી એક છોકરી
કે જોઉં મને વેણી પરોવતી!
ઉષાની ઓઢણીની આછેરી હલચલથી,
ફૂલોની થાપ થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી,
ભીંજી પળભરમાં પમરાટથી!
પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી,
મહેકાવે યાદને સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ,
સ્પર્શે સરયૂને કુમાશથી!
————-