ચતુરા

Posted in કાવ્યો by saryu on December 10th, 2011

પત્નીની સમજ-અણસમજ

કોને    કહું   કે  એમને, સમજણ   કશી પડતી   નથી,
દુન્યવિ  આ  ગતરમતની,  ગતાગમ  પડતી નથી.

જાય ત્યાં ત્યાં  આપી આવે  નવ નવા  એ  ઉપરણાં,
શું  આપવું, ના  આપવું,  સૂઝ-સમજ  પડતી   નથી.

કો’ આવીયા   આંગણ    ઉભાને,  આવકારે   દોડતા,
પોતા-પરાયા  ભેદની, સમજણ  કશી પડતી  નથી.

માંગે, વગર   માંગે  એ  બસ,  આપે   સહુને  પ્રેમથી,
ભેગુ    કરીને   રાખવાની,   ગમ  કશી  પડતી  નથી.

ભલાઈ     ભોળપ   સાદગી,  કહે, “જેમ છે તે ઠીક છે,”
દેખાવ    સારો   કેમ   કરવો, ખર ખબર પડતી  નથી.

જગ    નવાજે   ‘એમને’  અતિ   માનથી  સન્માનથી,
કરે કેમ  આદર આટલો! મને એ  સમજ  પડતી નથી.

————–

સાત્વિક, ઉદાર અને ઉમદા સજ્જનના, પોતાને ચતુર સમજતાં, પત્ની.

| Comments off

છત્રીની છાંવમાં Under an Umbrella

Posted in કાવ્યો by saryu on December 3rd, 2011

છત્રીની છાંવમાં

ઝરઝરતી જીણીજીણી બુંદો વરસાદની,
કરતી કોશિશ રે ભીંજાવવા.
સુરજના તેજ સમા પીળા આ પાંદડા,
વેર્યા પગથીને ઉજાળવા.
જે મહીં મહીં હૈયામાં ભીની,
રહી કોરી એ છત્રીની છાંવમાં.

ઊડતી ઊડતી ઓરે આવે ને જાય,
જાણે ફરફરતી લટ પવન પાંખમાં.
કોમળ ને કમળ સમા હાથોના પાત્રમાં,
મુઠ્ઠીમાં બુંદો છુપાવતી.
છબછબીયા પાણીમાં ઘુમતી એ ઘેલી,
ને ખીલી ખીલી છત્રીની છાંવમાં.

સૂર્યતેજ સંતાયે  આભ છત્રછાંયામાં,
એમ  છુપી છત્રીની છાંવમાં.
સોનપરી   છત્રીની  છાંવમાં.

———-

Under an Umbrella

The gentle rain and the drip-drip drops,
The giddy gold leaves on a yellow backdrop.
My heart is wet, but I stay dry,
Amused under an umbrella.


They float and flip from the sky to the land,
Linger luckily on shimmering sand.
My carefree chase in the misty maze,
Enchanted under an umbrella.

I sail and slip through a prairie land,
Where butterflies flutter in fairyland.
The sweet relation of rain and shine,
Cheered under an umbrella.

The dance of drizzle in playful swirl,
I spread my hand to catch the pearl.
I open my eyes to gaze at the sky,
Dazzled under an umbrella.
——–

| Comments off

ધ્યાન અનુભવ

Posted in કાવ્યો by saryu on November 13th, 2011


sunrise from our deck.

ધ્યાન અનુભવ

ખૂલી   આંખના  અંધારે   ટમટમતો  ઝાંખો    દીવો,

ડૂબકી   મારી  દૂર  જઈ  પાછો   ફરતો   મરજીવો…


એક  ક્ષણે  એ  અણજાણ્યો, અતિથ  બનીને  આવ્યો,

મારે કાજે, અકળ  અનાદિ  આજે  પરિચય લાવ્યો…

 

ઑમ    મધુરા    ગાણામાં    એનો   યે  સૂર   પુરાયો,

મનની  ઊંડી વાવ  મંહી  જે  જઈ જઈને  ઘૂમરાયો…


ઝરમર  ઝીણી  ઝાકળ  રજમાં ચમકારો  વરતાયો,

પાછી  પાની  પગથી  મુકી    ક્ષિતિજમાં  ખોવાયો…


કાગા    નીંદરમાંથી     જાગી,   રૂંવે   રૂંવે   ચમકારો,

ક્ષણસ્પંદનનો પુનિત પરોણો પલક ઝલક ઝબકારો.

——-

થોડી પળોનો અનુભવ અને તેનુ મન મહેલમાં ગુંજન રહે એની રજુઆત. ઘણી સાધના પછી કોઈ ચમકારો થાય અને પછી એને સમજવા માટે વાગોળવો પડે. અનુભવને અતિથિનુ ભાવારોપણ કર્યુ છે.                                                                                                                                                                                                      ફોટો ઘરની અગાશી પરથી.

 

 

| Comments off

મારી રચના રાજકુમારી

Posted in કાવ્યો,વાર્તા by saryu on November 10th, 2011

રચના

એક બપોરે હું મારી વ્હાલી સખી રચનાને અહોભાવથી જોઈ રહી હતી. નવા જ તૈયાર થયેલા ચણિયા ચોળી, કેવા સિવાયા છે એ જોવા માટે, પહેરેલા. એના મમ્મી રૂમમાં દાખલ થતાં જ એમનાં બોલાયેલા શબ્દો, “અહો! મારી રચના રાજકુમારી.” નીકળેલા, એ આજે એમ જ યાદ આવી ગયા. મારી એ બાલ સખીના લગ્ન દૂરના શહેરમાં હતાં. રચના અને મારી ઘણી માંગણી છતાં મારા મમ્મી પાપાએ મને મોકલવાની ના પાડી.

હું મારા ઘેર અમારી મીઠી મિત્રતાના મનરવમાં ખોવાયેલી. રચના મોટા શહેરમાં ઉછરેલી. અમારે ગામ લગભગ દર વર્ષે એના નાનીને ઘેર વેકેશનમાં આવતી. એના મામા-મામી માસી વગેરેથી ભર્યા ઘરમાં મારા ભાઈ અને મારી જેવા ઘણા મિત્રોનો જમેલો ચાલુ હોય. રમત ગમત અને વાતોમાં ખુબ સ્નેહભર્યુ વર્તન અને નમ્રતા અમને બધાને મર્યાદામાં રાખતાં. મારા કરતાં ત્રણ વર્ષ મોટી તો પણ અમે ખાસ બેનપણીઓ બની ગયેલા. રચના હંમેશા કહેતી કે, “અભ્યાસ વગેરે સરસ રીતે કરીશ પણ મારુ ભવિષ્ય તો એક સરસ મજાનુ ઘર અને કુટુંબના સપના જુએ છે.”
જ્યારે એનુ લગ્ન નક્કી થયું ત્યારે રચનાએ કાગળમાં લખ્યુ હતું કે અજય એમની જ્ઞાતિનો જ છે. મીલીટરીમાં હોવાથી દેશની સરહદ પર છે પણ રચનાના મોટાભાઈ પણ મીલીટરીમાં હોવાથી બરાબર તપાસ કરીને પસંદગી કરી છે, “અને મારા તરફથી એટલુ જ કહું કે -મેરે મહબૂબમે ક્યા નહીં!” લગ્ન પછી પંદર દિવસમાં રચના એક દિવસ અમને મળવા આવેલી અને ખુશ હતી. નવો સંસાર શરૂ કરવાની અનેક વાતો કરતી રહી. અજય નહીં આવેલ તેથી હું ક્યારેય એને મળેલી નહીં. બે મહિના પછી એ સરહદ પર અજય સાથે રહેવા જવાની હતી. અમને થયું વાહ! ચલચિત્રની વાર્તા જેવું સરસ બધુ ગોઠવાઈ ગયું.

પછી છએક મહિના સુધી રચનાના કાંઈ સમાચાર નહોતા તેથી હું કલ્પના કરતી રહેતી કે એ કેવી આનંદમાં હશે અને કેટલા ઉત્સાહથી એનો ઘર સંસાર ગુંજતો હશે! એવામાં એક દિવસ એના માસીના બેનપણી ઘેર આવ્યા અને કહે, “રચના તો એના મમ્મીને ઘેર પાછી આવતી રહી છે.”

મને આ સમાચાર તીરની જેમ વાગ્યા. હું માનવા કે કોઈને કહેવા તૈયાર ન હતી. મારી સખી, જે દર પંદર દિવસે લાંબો કાગળ લખતી, તે સાવ ચુપ થઈને દૂર દેશમાં ઝાણે ખોવાઈ ગઈ. એના ઉડતા સમાચારો આવતા.   લગભગ એક વર્ષ પછી કોઈ મિત્રના લગ્ન પ્રસંગે અમારા ગામ આવી ત્યારે મારે ઘેર ઓચિંતા આવીને ઊભી રહી. અમારી બન્નેની આંખો મળતા જ કસીને બાંધેલી હિંમતની પાળ તુટી પડી અને આંસુ ધસી આવ્યા. એ રાત્રે અગાશીના એકાંતમાં એણે બધી વાત વિસ્તારથી કહી.

રચના ધીમેથી બોલી, “મારા લગ્ન ધામધુમથી થઈ ગયા. શ્વશુર પક્ષમાં ખુબ ખુશીના માહોલમાં અતડા રહેતા અજયને મેં ‘ગંભીર સ્વભાવ’ હશે એમ માની લીધો. સુહાગ રાત ખાસ વિશિષ્ઠ ન હતી. મારા મનને “સંમતિ લગ્નમાં  પ્રેમલગ્નનો  ઉત્સાહ  ન  હોય  એ  સ્વાભાવિક  છે” એમ મનાવી લીધું.  “અજયને ફરી સરહદ પર એના રહેઠાણ પર પંહોચવાનુ હતું અને હું મમ્મીને ઘેર ત્રણ અઠવાડિયા માટે ગઈ હતી.  બધો જરૂરી સામાન લઈ અતિ ઉત્સાહથી મારૂ ઘર વસાવવા અજય પાંસે પહોંચી ગઈ. ઠંડો આવકાર અને નોકર ટોમીની સતત હાજરીથી મને જરા અચરજ થયું પણ મારા આદર્શ પત્ની બનવાના અરમાનોને અજય વિષે કશુ અજુગતુ દેખાતુ જ નહોતુ. પહેલા એક બે દિવસ તો હું પણ થાકેલી હતી તેથી તેની ઉર્મિરહિત વર્તણુક મને ખાસ ધ્યાનમાં ન આવી પણ ત્રીજી રાત્રે મેં સ્નેહથી પુછ્યું કે,’કેમ દૂર સુતો છે?’ તો સરખો જવાબ આપ્યા વગર પડખુ ફરીને ઉંઘી ગયો. રાતના અંધારામાં મારા આંસુ સુકાઈને નીરવ બની ગયા.

“એક વખત બપોરે હું બહારથી ખરીદી કરીને આવી ત્યારે ટોમીને અમારા શયનખંડમાંથી જલ્દીથી બહાર નીકળતા જોયો, પણ સવાલ પુછતા મને સંકોચ થયો. આમ મુંઝવણ અને ઉષ્માહીન ઘરમાં પંદરેક દિવસ ગયા હતાં. એ રાત્રે હું નવરાત્રીના પ્રથમ દિવસે બાજુમાં ગરબા અને માતાજીની આરતીમાં ગયેલી. મન બહુ ન લાગ્યુ તેથી વહેલી ઘેર આવી અજયને ચમકાવવા અમારા રૂમમાં જઈને ઊભી રહી પણ અજય અને ટોમીને એકબીજા સાથે વીંટળાયને સુતેલા જોઈ મારા પર જ વીજળી ત્રાટકી!

“ટોમી જટ ઉઠીને જતો રહ્યો પણ પછીની અજયની વર્તણુંકથી મને અત્યંત દુખ થયું.  કશા સંકોચ કે શરમ વગર એ બોલ્યો, “સારૂ, હવે તને આ બાબતની ખબર પડી ગઈ. હાં, ટોમી આપણા જીવનનો હિસ્સો બનીને રહેશે.” તરત તો હું કશુ બોલી ન શકી. બહારના રૂમમાં આખી રાત મારા ભવિષ્ય, મારા સ્વજનો અને સમાજ વિષે વિચાર કરતી આંસુ સારતી રહી. એ રાતની એકલતા હું ક્યારેય ભૂલી નહીં શકું.

“બીજે દિવસે સવારમાં અજય આવીને મારી સામે બેઠો.
મારો પહેલો પ્રશ્ન, ‘તમે મારી સાથે લગ્ન શામાટે કર્યા?’ મને મનમાં એટલી બળતરા થતી હતી કે એની સાથે નજર મેળવવાની શક્ય ન હતી. ‘તું પણ મને પસંદ છે. અને ઘરના લોકો એટલા લગ્ન કરાવવા માટે પાછળ પડેલા હતાં કે મારે ના પાડવાનુ કોઈ કારણ જ ધ્યાનમાં નહોતા લેતા. અંતે તારી સાથે બધુ સરળતાથી ગોઠવાઈ ગયું અને મને લાગ્યુ કે તું મને સ્વીકારીશ.’
‘તમે મારી જિંદગી બરબાદ કરી નાખી.’ એવા મારા નિશ્વાસ પર એ કહે, ‘તું જરા સહકાર આપશે તો બધુ ઠીક થઈ જશે.’

“એ માણસની બેદરકારી અને બેજવાબદારી ભરી વાતો સાંભળી હું અવાચક થઈ ગઈ.
એ ઘડીએ બધુ તોડી ફોડીને ભાગી જવાનુ મન થઈ ગયું પણ મમ્મી-પપ્પા અને ભાઈઓને કેટલો મોટો ધક્કો લાગશે એ વિચારે અટકી ગઈ. કદાચ આ માણસમાં પરિવર્તન લાવી શકું! પ્રયત્ન તો કરવો જ રહ્યો.

“ત્રીજી રાત્રે હું અમારી પથારીમાં સુવા ગઈ ત્યાં થોડી વારમાં ટોમી આવીને અજયની બીજી તરફ સુઈ ગયો. મારાથી આ સહન ન થતાં એ દિવસથી મેં એ રૂમમાં રાતના પગ મુકવાનુ બંધ કર્યુ.  દિવસે અનેક રીતે સમજાવવા અને તેને સમજવા મેં પ્રયત્ન કરી જોયો.
“એ અઠવાડીયાના અંતે મમ્મી આવ્યા. એ તો ઉમંગ સાથે એની રચનાને ઘેર થોડા દિવસ રહેવા આવ્યા હતાં. મારો ઉતરેલો ચહેરો અને નિસ્તેજ આંખો જોઈ સમજી ગયા કે ‘કાંઈક મુશ્કેલી છે.’ પણ આવી અજુગતી પરિસ્થિતિ હશે એની કલ્પના સુધ્ધા ન હતી. બે દિવસ પછી ગમેતેમ હિંમ્મત ભેગી કરી પહેલી વખત વિચારોને શબ્દોમાં ગોઠવી મમ્મીને વાત કરી. એમના મુખ પર નિરાશા, ગુસ્સો, અસહાયતાના ભાવો રડી રહ્યા. અજયના વર્તનમાં ઉપેક્ષા અને રૂક્ષતા જોઈ એની સાથે વાત કરવાનો કશો અર્થ માને ન દેખાયો. હવે શું?

“મેં અજય સાથે વાત કરી કે અમારૂ લગ્નજીવન બચાવવા કોઈ પણ ઉપાય બતાવે  તો હું સહકાર આપવા તૈયાર છું. પણ, એ તો, ‘એનો ટોમી સાથેનો સંબધ સૌથી વધારે મહત્વનો છે એ સ્વીકારી આગળ વધવા તૈયાર હોંઉ તો જ વાત કરવાનો અર્થ છે,’
એમ જણાવી ચૂપ થઈ ગયો. હવે નિર્ણય મારે લેવાનો હતો. મમ્મી સાથે મારી માનસિક અવદશાની રાતદિવસ વિશ્લેશણ કરતા અંતે, ‘મારો એમાં કશો વાંક નથી’ એટલો આત્મવિશ્વાસ આવ્યો.
“કાંપતા અવાજે અજયને મેં જણાવ્યુ કે, ‘આપણા સંબંધનુ નિધન થઈ રહ્યુ છે અને તને હત્યારાના સ્વરૂપમાં જોઈ રહી છું. મને અને મારા સ્વજનોને વિના વાંકે આટલુ દુઃખ પંહોચડવા માટે  તારો વિશ્વેશ્વર ન્યાય કરશે.’

“મહિનાઓથી પ્રયત્ન કરૂં છું, પણ આ મારા દિલના અરીસા પર જાળા ઘેરાયેલા છે તે સાફ નથી થતાં. ફરી ક્યારે હસી શકીશ!
મારા માટે જ નહીં, ઘરના લોકો માટે પણ મારા ભવિષ્યનો દોર મારે જલ્દી હાથમાં લેવો પડશે.”

ત્યાર પછી થોડા સમયમાં જ રચનાએ ઘણી અઘરી પરિક્ષા પાસ કરી ઉંચી પદવી પ્રાપ્ત કરી, સફળ વ્યવસાયિક જીવન વ્યવસ્થિત રીતે શરૂ કર્યુ. આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓમાં પણ ઘણો ફાળો આપ્યો. સફર દરમ્યાન કેટલીક તક આવી અને ગઈ, પણ એના દિલને જીતનાર ફરી એના જીવનમાં કોઈ આવ્યો જ નહીં.  માતા-પિતાના ગયા પછી અને ભાઈઓ સાથેની પલક જલક મુલાકાત વચ્ચે એકલતાની સંવેદના ઘણી વખત થઈ આવતી.

છેલ્લે એક પ્રસંગ વિષે રચના કહેતી હતી. “નિવૃત્ત થયેલા મીલીટરીના સભ્યોને ભેટ આપવાના મેળવડામાં હું અતિથિ વિશેષ હતી. એમાં અજયનુ નામ બોલાતા મારૂ હ્રદય એક ધડકન ચૂકી ગયું. મંચ પર આવીને ભેટ લેતા મારી સામે નજર ન મિલાવી શક્યો. મેં જોયુ કે સાવ નબળો લાગતો હતો અને ધીમે ધીમે જઈ ટોમીની બાજુમાં બેઠો.
મારા મનમાં ચણચણાટી થઈ કે એની સાથે કોઈ છે, જ્યારે હું એકલી છું!”

અમારી રચના રાજકુમારી આજે યોગ્ય જીવનસાથી સાથે હોત તો બહોળા કુટુંબથી ઘેરાયેલી હોત.

————

મારી રચના રાજકુમારી

ત્રણ ભાઈની  એક જ  બ્‍હેની  ગરવી  ને  લાડકડી,
માની  મમતા બોલે, “મારી  રચના  રાજકુમારી.”

અમન ચમનમાં  ઉછરી કન્યા  હીર દોરને  ઝાલી,
દુધ  મળે  જો  માંગે પાણી,  દીકરી  સૌની  વ્હાલી.

ભણીગણીને    આશ  ઉંમરે  રાહ  જુએ  સાજનની,
અલકમલક્માં શોધ ચલાવી ઉમંગથી પરણાવી.

પ્રથમ રાત્રીના રંગીન સપના દાજ્યા પરણ્યા બોલે,
“મને ગમે આ નોકર બંદો,  પહેલો એ  પ્રેમી  છે.
મારી માની   ટીકટીક  કચકચ, કંટળ્યો’તો એવો ,
લગ્ન કરીને લાવ્યો તુજને, છોડવવાને  પીછો.”

ભોળી રચના ઘણી ઝઝૂમી ગૃહ ખંડન  અટકાવે,
એક એક પળ અગણિત ડંખો,સહી સહી સમજાવે.

અરે!  વિંખાયો  માળો   એનો   શરૂ શરૂના   રસ્તે.
અંતે  ચાલી  એક  અટુલી  લાંબા  જીવન   રસ્તે,

હોત અગર જો સોણો સાથી સહેજે  પ્રેમ પીરસતી,
ઘેરાયેલી  હોત   કુટુંબમાં આજે  પ્યાર   જતનથી.

————

Rachnaa, Our  Princess

One afternoon, I was looking at my best friend Rachnaa dressed in her new purple  dress. Her mother entered  the room and words easily expressed her sentiments.  She had said, “Oh! Our pretty princess.”

I was remembering  so many things about her today because she was getting married and my parents did not give me permission to attend her wedding in a far away city.  Every summer Rachnaa used to come to her grandmother’s house in our town. Their house was always crowded with family members and friends while Rachnaa and her three brothers were there.   Rachnaa, a sweet loving girl, was a reason for our group of friends to remain connected for all those years.

Rachnaa was three years older than me, but we were best friends and I somewhat worshipped her.  She used to say, “I will get the best education possible. But my dream is to have a nice family life, a sweet little home with children, but not too many!”  And she would giggle.

She had written all about her choice-marriage with a military man, named Ajay. Since Rachnaa’s older brother was in the military, he had found him for her. He was of the same cast and his family was in Mumbai.  She had said about her feelings toward him, “What can I say? He is The One.”

Fifteen days after her wedding, she came for a day trip to our town while her husband stayed with some of his relatives. Rachnaa was very excited about her new family and her plan to go and live with her husband on the border.

After that I did not hear from her, so I was happily imagining her being totally submerged in her new life. Everything seemed like a story written for a great movie. But after some time, I was crushed to hear from her aunt’s friend that Rachnaa had returned to her parents’ house in the last several months. I did not want to believe it or to repeat it to anyone with a wishful thought that this bad
news would go away.

It was almost one year since her marriage. One day Rachnaa came to my house unexpectedly.   We looked into each other’s eyes and started crying.  She had come to attend a wedding in my town. In the quiet of the night she told me about
her painful encounter.

Rachnaa said, “I was on cloud nine! My in-laws were pleased with me, but Ajay was mostly quiet around me.  I thought maybe he was a loner. The first night was nothing special. I thought, ‘Naturally! Ours is a choice marriage, not a love marriage.’

“He went to his posting and I went to my mother’s for two weeks. Then I went to join him in our new home. I was all set to start my new life. I was prepared to take any challenge life would throw at me because I thought that my partner Ajay would be next to me. The first couple of days, I was busy making sure that the military residence was more of a warm, welcoming home. Ajay was quiet as before and Tommy, I thought, was a paid helper for our household, though I was puzzled by his constant presence in our home.

“The second night, I asked Ajay why he was sleeping so far away from me. He mumbled that he was tired or something and turned away from me. The tears in my eyes welled up and dried themselves in that cold night. I thought he would warm up to me soon. Every day, I went on convincing myself with many excuses for his indifference.

“One Saturday afternoon, I came home from the market. I saw Tommy hurriedly coming out of our bedroom. I was surprised but was hesitant to ask any questions.

“My days were dull and nights were long. One night, we were invited to go for Navaratri puja at a neighbor’s house.  Ajay insisted that I go alone. I went, but did not feel well, so I came home early and went quietly to our bedroom to surprise Ajay. But I got the shock of my life when I saw Ajay and Tommy sleeping together in our bed. Ajay was startled, ‘Oh! You are home!’And realizing the implications, he said, ‘Well now you know.’

“I ran out of the room. That night on the living room couch was the loneliest night of my life. The next morning he came and sat in front of me. I did not see any guilt on his face. I asked, ‘Why did you marry me?’ I tried my best to control my quivering voice.  Without much emotion, he said, ‘I liked you. My family was after me to get married and with you everything worked out so easily. I thought you would understand and cooperate.’

“I could not tolerate looking at him, so I got up and left.  My first thought was to break everything around me and leave. Then I thought about mamma-papa and my brothers.  How would they be able to bear the pain of my shattered married life?  At least I should put in some effort to salvage the situation.

“I had been there for two weeks but it seemed like ages. All of a sudden I found myself inefficient, insecure, and helpless. I felt that I was a total failure and at fault about the situation. When I was calm enough after a couple of nights, I went to lie down next to him. I requested Ajay to change his way of life and let go of Tommy. But he said, ‘If you just cooperate, things can work out.’ We were in the middle of our conversation when Tommy came in and lay down on his other side. Ajay welcomed him. I was burning with the insult. After that night, I never set foot in our bedroom at night.

“My mummy came to visit her happily married daughter as we had planned. She saw my withered face and assumed that something was wrong.  But she couldn’t have remotely dreamt about my life’s reality. I told mummy when I was somewhat sure that I would be able to talk without breaking down into sobs.  It was very difficult to put into words. My mother’s face was ashen. Slowly I regained my confidence and realized that I was an innocent victim. I had to make a decision.

“As a last effort, I sat down with Ajay to find out whether he wanted to save our marriage or not. He said, ‘Now you know that Tommy is very important in my life, and only when you accept that is there any point in talking.’  Again I was so hurt and angry that the tears started rolling. I told him, ‘The way you have hurt me and my family, I hope that you get punished for this cruelty.’  I left his home – our home – and never looked back, but a piece of my heart I lost forever.  I had my family’s support but how was I to fill this empty corner in my soul?”

In a race against time, Rachnaa passed one of the highest civil service exams and became a top officer in the Internal Revenue Service. She always remained the best daughter, a loving sister and a loyal friend.  But after a long journey through life, she summed up her mental state in this story:

“There was an award ceremony for the military service retirees. I was the chief guest. There, Ajay’s name was announced. My heart skipped a beat. He received his award but could not look up at me. I saw him slowly going down to sit next to Tommy.
I felt a pinch – he is with someone and I am alone.”

—————–


| Comments off

મૂક-બધિર—તીએન

Posted in વાર્તા by saryu on October 15th, 2011

મૂક-બધિર—તીએન

એક ટૂંકી સફર પછી, હું ભારતથી હ્યુસ્ટન, ટેક્સાસમાં, ઘેર પાછી ફરી  હતી. ફોન  પરના  સંદેશાઓમાં,  મિસ. પેનીનો  સંદેશો રસમય લાગ્યો. હું એક પુખ્ત વયના, પરદેશીઓને, અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાયેલી હતી અને મિસ.પેની એના વ્યવસ્થાપક હતા. સંદેશામાં કહ્યું, “સરયૂ, એક મજાની બાળાને મળી શકશો? આશા છે કે એને અંગેજી શીખવવાનો સમય તમે ફાળવી શકો. બાળાનુ નામ છે, તીએન.”

તીએન અને તેના પિતા અમારી ઓફીસમાં મળવા આવ્યા. હસતી મજાની જાપાનની ગુડીયા જેવી તીએનને મળતા મને ખ્યાલ જ ન આવ્યો કે એ બોલતી નહોતી. એના પિતાએ પરિચય આપતા કહ્યું, “તીએન બચપણથી મૂંગી અને બહેરી છે.એને કાનમાં થોડા સમયથી, કોક્લિઅર ઇમ્પ્લાન્ટ, સાંભળી શકે તેવુ સાધન મુકાવ્યુ છે.” આટલા વર્ષોમાં પહેલી વખત કોઈ મૂક-બધિર વ્યક્તિને નજીકથી જાણવાનો પ્રસંગ આવેલો. મને થયું, ‘બસ, સાંભળી શકશે એટલે બોલતા પણ તરત શીખી જશે.’ મારી એ ધારણા સાવ ખોટી પડશે એ કલ્પના નહોતી.

પહેલે દિવસે મેં એને તેના ભવિષ્યના સપનાઓ અને ધ્યેય વિષે થોડું લખી લાવવા કહેલુ. બે પાના ભરીને લખાણ જેમા એનો ઉત્સાહ છલક્તો હતો. એને તો નર્સ કે ડોક્ટર, or graphic designer, આલેખન ચિત્રકાર બનવુ હતુ. ભાષાના વ્યાકરણ પરનુ પ્રભુત્વ નહોતુ પણ પોતાના વિચારો લખીને બરાબર જણાવ્યા હતાં. અમારી વાતચીત કાગળ પેનના માધ્યમથી ચાલુ થઈ. એ થોડા શબ્દો બોલવા પ્રયત્ન કરતી પણ મને ન સમજાતાં લખી બતાવતી હતી. એકાદ વર્ષથી એના માતા-પિતા અને એના કરતાં નાના એક  બહેન અને એક ભાઈ  સાથે મલેશિયાથી અહીં  ટેકસાસ, યુસએમાં    રહેવા આવેલ હતી. એના પિતાના કહેવા પ્રમાણે, હાઈસ્કુલ પુરી કરી પણ અંગ્રેજી બહુ સારૂ ન હોવાથી કોલેજમાં દાખલો મળવાની મુશ્કેલી હતી. મળવાનો સમય પુરો થતાં મને હસીને ભેટી.

તીએનની જરૂરિયાત જોઈ સંસ્થાના વ્યવસ્થાપક પાસે મેં પ્રસ્તાવ મુક્યો કે, “તીએન માટે speech therapist, ભાષા વિશેષજ્ઞ મળી શકે?” વ્યવસ્થાપક ઉત્સાહથી બોલ્યા, “હાં, આપણા સેવા શિક્ષકના સમૂહમાં એક નિવૃત્ત થયેલ ભાષા વિશેષજ્ઞ, મીસ.લીન છે.” અમને થયું કે, વાહ! હવે તો તીએનને અભ્યાસમાં બન્ને રીતે વેગ મળશે!

અઠવાડિઆમાં બે વખત, બે કલાક જેવો સમય અભ્યાસ માટે નક્કી કર્યો. એ મારી પાસે શીખી રહી હતી અને મને પણ ઘણુ નવુ શીખવા મળી રહ્યું હતું. બોલી ન શકાય અને સાંભળી ન શકાય એ વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી હોય એ વિષય પર પહેલા મને ભાગ્યે જ વિચાર આવ્યો હશે. તીએનનો પરિચય વધતાં હું જોઈ શકી કે એને પોતાની ખામીઓનુ બંધન એટલુ નહોતુ જેટલુ અમને પૂર્ણાંગવાળા સમજદાર વડિલોને હતું. એ અનેક વખત અમને આશ્ચર્યમાં મુકી દેતી. ભાષા વિશેષજ્ઞ સાથે ઘણા ક્લાસ કર્યા પણ બોલવામાં ખાસ સફળતા ન મળી

કોલેજમાં દાખલ થતાં પહેલાની પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતાં. પરિણામમાં ગણિતમાં સારા ગુણ આવ્યા પણ ઇંન્ગ્લીશમાં ઓછા હતાં. મ્હાણ community collegeમાં પ્રવેશ મળ્યો. એ તીએન અને એના કુટુંબ માટે સફળતાનુ પહેલું પગથીયું હતું. તીએન અમાપ ઉત્સાહથી મહેનત કરવા લાગી હતી. મને મૂંઝવણ થતી કે એ ક્લાસમાં કેવી રીતે સાંભળશે, સમજશે અને બધા સાથે ભળશે!

અમેરિકામાં બહેરા વિદ્યાર્થી માટે ખાસ સગવડતા કરી આપવાના નિયમ પ્રમાણે, ક્લાસમાં તીએનની બાજુમાં નક્કી કરેલ વ્યક્તિ બેસી કોમ્પ્યુટર પર અધ્યાપકનુ વ્યાખ્યાન ટાઈપ કરે. તીએનને વિષય તૈયાર કરવામાં ખુબ તકલિફ પડતી અને બધા કરતાં પાછળ પડી જતી. હવે ઈંન્ગ્લીશ સાથે સાથે બીજા વિષયો માટે પણ એને મારી મદદની જરૂર પડવા લાગી. હું અમારી સંસ્થામાં અને કોલેજની લાયબ્રેરીમાં પણ ભણાવવા જતી. નવા મિત્રોની પણ મદદ મળતી હતી.
વિસેક વર્ષની કન્યાને બીજા પણ ઘણા સામાજીક અને ધાર્મિક સવાલો ઉઠે.
એક દિવસ તીએન સાથે થયેલી ચર્ચા ખાસ યાદ આવે છે. અમે હેલન કેલર, જે મુંગા, બહેરા અને અંધ હોવા છતાંય જીવનમાં ઘણુ કરી ગયા. તીએનને મે કહ્યું કે, “તેઓ ગ્રેહામ બેલના સમકાલીન હતા.”
એણે નિર્દોષ ભાવથી લખીને પુછ્યું, “તો હેલન કેલર અને મી.બેલે લગ્ન કેમ ન કરી લીધા? એ લોકોના વારસદાર કેટલા બુધ્ધીમાન થાત ને!”  એનુ મગજ ક્યાં કામ કરે છે એ વિચારથી મને હસવું આવી ગયુ.

તીએનના મા મને એક દિવસ કહે, “અમે બૌધ ધર્મ પાળીએ છીએ. તીએન જરા વધારે પડતી ક્રીચ્યન અને ચર્ચ પાછળ ઘેલી થઈ રહી છે. તમે જરા સમજાવજોને.” એક દિવસ તીએને ચોકબોર્ડ પર લખ્યુ, ‘જીસસ, દાનવનો નાશ કરનાર.’
ક્લાસ પૂરો થતાં એ કહે કે, “આ લખાણ રહેવા દઈશ જેથી લોકો શીખી શકે.” મેં નીચે લખ્યુ, ‘ક્રીષ્નાની ભક્તિ કરો.’ મેં એને લખીને પૂછ્યું કે, “તું હવે ક્રીષ્નાની ભક્તિ કરીશ?” એ તો મુંજાઈ ગઈ.
મેં એને બને તેટલી સરળ રીતે, ધર્મ અને કર્મ વચ્ચેનુ સમતોલન સમજાવ્યુ અને એ પ્રેમપૂર્વક ધ્યાનથી સમજતી રહી. પછી ઉઠીને મને ભેટીને ઘેર જવા નીકળી.
એ મારી સાથે ફોન પર સંદેશો કહી શકતી. ખાસ વ્યવસ્થાને કારણે, એ ટાઈપ કરી ઓપરેટરને સંદેશો લખે અને એ મને  વાંચી સંભળાવે. પછી હું જવાબ કહું તે ઓપરેટર એને ટાઈપ કરી પહોચાડે. આને રીલે-ફોન કહેવાય છે.

સૌથી મોટી વાત એ બની કે તીએને કારડ્રાઈવ કરવાનો પરવાનો મેળવ્યો. એના મા-પિતાની સગવડતામાં, અને સાથે સાથે ચિંતામાં પણ, વધારો થયો. હવે એને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે આવતી તેથી નક્કી સમય નહોતો રહ્યો. આશ્ચર્યની વાત એ હતી કે મેં એને એક વખત ઈમેઈલમાં અમારા ઘેર આવવાનો રસ્તો બતાવેલ, પણ એ દિવસે પહેલી વખત અંધારા થયા પછી, અમારે ઘેર આવીને ઘંટડી વગાડી!  પછી તો જ્યારે પણ ઓચિંતા ઘરની ઘંટડી વાગે ત્યારે મારા પતિ દિલીપ કહેતા, “આ તારી તીએન આવી.” એને છેલ્લી ઘડી સુધી વિષયોની તૈયારી કરવાની હોય તેથી કેટલીક વખત હું થાકુ ત્યારે ઘેર જવાનુ કહું તો હસીને ભેટીને ઘેર જતી રહે, પણ પછી લગભગ આખી રાત જાગીને કામ પુરૂ કરતી.

એ સમયે તીએન કોલેજના ચોથા વર્ષમાં હતી. મિત્રો સાથે બહાર બહુ સમય પસાર કરતી અને રાતના મોડેથી કારમાં એકલી ઘેર આવતી. એના માતા-પિતા અને મેં ઘણી વખત ચેતવણી આપી હતી છતાંય પરિક્ષાઓના દિવસોમાં એના પિતાનો મારા પર ફોન આવ્યો અને કહે, “ગઈકાલે તીએન ઘેર નથી આવી.”
મને ચિંતા થઈ ગઈ. છેક સાંજે તપાસ કરતા ખબર પડી કે ભણતા મોડુ થઈ ગયુ તેથી મિત્રને ઘેર ઉંઘી ગયેલી. અકળાવનાર વાત એ હતી કે એને અસલામતીની ગંભીરતા સમજાતી નહોતી.

દર વર્ષની રીત પ્રમાણે સેવા સંસ્થામાં સેવા આપનાર શિક્ષકોને સન્માન આપવા માટે વાર્ષિક ઉજવણી એક સરસ જગ્યાએ કરવાની હતી. હું એ સેવા સંસ્થામાં દસ વર્ષથી મદદ આપી રહી હતી.એમા એક જ સફળ વિદ્યાર્થીને આમંત્રિત કરવાની પ્રથા હતી. એ વર્ષે તીએનને આમંત્રિત કરવામાં આવી જેથી એની ખુશીનો પાર ન હતો.  આગલા દિવસોમાં મને આવીને લખાણ બતાવી ગઈ જેને મે મઠારી આપ્યુ. હજી એનુ ઇંન્ગ્લીશ બહુ સરસ નહોતુ.

કાર્યક્રમને દિવસે એ એના મા-પિતા સાથે આવેલી. બરાબર જમી અને બધાને પ્રેમથી મળી. અમારો બોલવાનો વારો આવ્યો ત્યારે પરિચય આપતા મેં કહ્યુઃ “આજથી પાંચેક વર્ષો પહેલા, જ્યારે મીસ.પેનીનો ફોન આવ્યો કે મારે એક મજાની કન્યાને ઈંન્ગ્લીશ શીખવવાનુ છે, મને કલ્પના ન હતી કે અમારી મુસાફરી આટલી આનંદ અને આશ્ચર્યથી ભિંજાયેલી
નિવડશે. તીએન મારી પાસેથી અને હું એની પાસેથી ઘણુ શીખી. એની અને એના કુટુંબની હિંમત અને ધગશ એને આજે કોલેજની સ્નાતક બનાવવામાં સફળ થઈ છે. એ હકિકત છે કે અમારી મદદ ઘણી મળી પણ મદદ આપનાર સામે મદદ
લેનારને હું એટલુ જ સન્માન આપુ છુ. એણે અમારી મદદને વેગ અને તેજ આપ્યા. હવે તીએનને જે કહેવું છે તે હું વાંચીશ અને તીએન સાંકેતિક ભાષામાં સમજાવશે.”

મારૂ વક્તવ્ય પુરૂ થતાં તાલીઓ સાથે દરેકના ચહેરા પર પ્રેમભર્યુ  હાસ્ય હતુ. તીએનને માટે તો એ જોઈને, મેં શું કહ્યુ હશે, એની કલ્પના કરવાની જ રહી.

મેં વાંચવાનુ શરૂ કર્યુ. “મારૂ નામ તીએન. લગભગ પાંચ વર્ષથી મીસ.સરયૂ મને મારા ધ્યેય પર પહોચવામાં મદદરૂપ થઈ રહ્યા છે. મને ખબર નથી કે એમનો સહારો ન હોત તો હું કયા વર્ગમાં ભણતી હોત! આજે મને આ સેવા સંસ્થા, મારા મા-પિતા, મીસ.લીન અને મિસ.સરયૂનો આભાર વ્યક્ત કરવાની તક આપવા બદલ તમારા સૌનો ધન્યવાદ. મને આ વર્ષોમાં ઇંન્ગ્લીશ ઉપરાંત બીજુ ઘણુ શીખવા મળ્યુ છે. મને ખબર છે કે હું સાંભળી કે બોલી શકવાની નથી પણ જીવનમાં પ્રગતિ કરવામાં એને રૂકાવટ નહીં બનવા દઉં અને એ તમારી પાસેથી હું શીખી. આભાર.”

એ સાથે તાલીઓ અને અનેક ભીની આંખો હસી રહી.

ઉપસંહારઃ  તીએન હ્યુસ્ટન કોલેજ પુરી કરી એના ઘરથી ચાર કલાક દૂર હોસ્ટેલમાં રહી ગ્રાફિક ડીઝાઇનમાં આગળ ભણવા ગઈ. શરૂઆતમાં એના માતા-પિતાને બહુ ચિંતા થઈ પણ એ આત્મવિશ્વાસથી સ્થીર રહી. લાંબા સમય પછી, એક દિવસ ઓચિંતા આવીને સાથે આવેલ સરસ અમેરિકન યુવક, જીમનો પરિચય કરાવ્યો. બન્ને પ્રેમમાં હતા અને જીમ થોડા મહિનાઓમાં જ સાંકેતિક ભાષા શીખી ગયો હતો. તીએન હજી પણ પૂર જોશમાં સપનાઓ ગુંથતી હતી અને હું અહોભાવથી જોતી રહી.


| Comments off

જાણી ન જાય

Posted in કાવ્યો by saryu on August 24th, 2011

જાણી ન જાય

મને સૌ જાણે પણ કોઈ  મને  જાણી  ન જાય,
વરદ વાણીના વખાણ, ભાવ જાણી  ન જાય,

જૂઠાની     જાનમાં    નાચગાન         થાય,
પછવાડે     લેણ દેણ    માવતર     મૂંઝાય.
રૂપાળુ       અંગરખું        મોભે       હરખાય,

ફાટેલી     ફેંટ     રખે     બ્હાર    ન   કળાય.

ઘોડે      અસવાર    એના    તાણેલા    તાસ
કાયર   છે   કંથ    કોઈ  ઓળખી   ન    જાય.
ચમક  દમક    ચૂંદડીઓ    મોંઘી     દેખાય,
મોઘમ   એ  વાત,  મૂલ્ય    જાણી  ન   જાય.

ત્યાગ     ને   વૈરાગ્યના    પૂસ્તક    વેચાય,
ભગવા   એ    ભેખમાં      સ્વામિ      પૂજાય.
કાંચન    કામિની     જ્યાં    મધરાતે   જાય,
દીવો     બુજાય     કોઈ      જાણી    ન   જાય.

સુંદર   આ  આંગણ  ને   ચોખ્ખી   પરસાળ,
પાછળની    પોલને      પિછાણી    ન   જાય.
વટ્ટની    વાતુ    ને   વળી    શોભા    દમામ,
મ્હાંયલો   મૂંઝાય    કોઈ  પામી   ન    જાય.
——–

પુસ્તક-“નીતરતી સાંજ Essence of Eve”

Posted in Uncategorized by saryu on August 21st, 2011

Nitarati sanj-PDF       <click on પુસ્તક “નીતરતી સાંજ Essence of Eve”
It gives me a great pleasure to inform you all that Saryu’s book “Nitrati Sanj –Essence of Eve” has been published. The whole book can be viewed online and the link is :    www.saryu.wordpress.com

Vimochan-final વિમોચનઃ ભાવનગરમાં ૯/૨૫/૨૦૧૧

 

પરાવર્તન

Posted in કાવ્યો by saryu on August 1st, 2011

પરાવર્તન

એક    કિશોરી    કરતી     ભૂલ
ખૂંચતી   રહે  જનમભર   શૂલ

મા  એને   મંદિર લઈ   જાતા
બાપુ    મહત્   મુખી  કહેવાતા
સહજ હતા  સુખ ને સગવડતા
મોજ   શોખ   એને   પરવડતા

અધ્યાપનમાં આગળ ભણતા
મુલાકાત  થઈ   હરતા  ફરતા
યૌવન  જોમ  હ્રદયમાં  છલકે
સપના   ખુલી  આંખમાં  હલકે

ભોળુ  મન    લલચાવે    વાતો
હિંદુ  મુસ્લીમ   વીસરી   જાતો
ઉંમર    ભેદ   ને    જૂઠી     શર્તો
લેતી   માત્રિ   વિરોધી   રસ્તો

નવો   દેશ ને પતિ પાવરધો
પિંજરમાં   એના   વિતે  વર્ષો
બાળ  શિશુસહ ઉદાસ   આંખો
છૂટવાને     ફડફડતી    પાંખો

મ્હાણ  પકડતી હાથ અજાણ્યા
આત્મજ્ઞાન    શ્રધ્ધાને  જાણ્યા
સપ્તપદીના સાતવર્ષમાં
બન્યા હતાં જે  સાવ અજાણ્યા

મડાગાંઠ   જે    પડી     ગયેલી
ખુલી   તોય  ગૂંચવાઇ   પડેલી
ખેંચતાણ     ને      જોરા  જોરી
વચમાં   બાળક  પરવશ  દોરી

સુલજાવીને      વિકટ     વૃત્તને
લઈને     ચાલી      બાળપૂત્રને
જાગ્રત  છે  એ  આજ  પછીથી
નહિ   આચરવું  જૂઠ    મતિથી

અંતર    અગ્નિ     હૂંફ    આશમાં
ઉજ્વલ   ભાવિ  નવા સાથમાં
આસપતંગની    સૈર   સપટમાં
સ્થીર   ચરણ   ને  દોર હાથમાં

———-
બાળક લઈને જતા રહેલા ક્રુર પતિ પાસેથી, નવા અમેરિકન પતિની મદદથી કુનેહપૂર્વક, કાયદાસાથે ભારતથી બાળકને પાછો લઈ આવતી માતા.

| Comments off

સ્પર્શ

Posted in કાવ્યો by saryu on July 21st, 2011


સ્પર્શ

સખીરી! સાત રંગના સ્પર્શ….

જીવજીવના  અદ્‍ભૂત  સંસર્ગે  મન  મધુરપ  નિષ્કર્ષ,
એમા  અગણિત  ભાવ  ભૂવન  ને  જન  ચેતન  સંકર્ષ.
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

નજર નજરના મિલન વિરહમાં સુખદુઃખના સંઘર્ષ,
ઓષ્ઠોના   આહ્‍લાદક    સ્પર્શે    વિશ્વ   વહે    અકર્ષ.
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

શબ્દ   સૂરો   કર્ણોમાં  ગુંજે,  સ્પંદન   ક્રુર  કે  સહર્ષ,
આંગળીઓ   છે   મનની   ભાષા,  ટેરવડે   સંસ્પર્શ.
રે સહિયર! સાત રંગના સ્પર્શ.

સ્પર્શ ચરણ અવગણના દીસે, ચરણ સ્પર્શ સુ દ્રશ્ય,
આત્માથી    આત્માની   લગની, એક   રંગ  અદ્રશ્ય.
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

પવન લહર આલિંગન કુમળો  જગતપિતાનો સ્પર્શ,
મૃત   જમીનમાં   ચેતન    જાગે   નવ  અંકુર   ઉત્કર્ષ.
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

———

સંકર્ષ=ખેંચાણ. અકર્ષ=દિલપસંદ.

| Comments off

અમ્મી વિના નહીં…../ Not Without Ammi…..

Posted in વાર્તા by saryu on July 7th, 2011

અમ્મી વિના નહીં…..

“અમ્મી! પાંચ અઠવાડીયા પછી મારૂં આરંગેત્રમ છે. મમ્મી-ડેડીએ એક મોટી જગ્યા એક સાંજ માટે નક્કી કરી છે. ખુબ તૈયારીઓ કરવાની છે. બધ્ધી વાત પાછી આવીને કહીશ. ઠીક!” કહેતી દાદીને રોજની માફક બચી કરીને મેહા લગભગ  ઊડતી બહાર દોડી ગઈ. પાછળ પુલકિત હાસ્ય સાથે દાદી એને જતી જોતા રહ્યાં.

મેહા અને એના ભાઈને ઉછેરવામાં દાદીનો ઘણો ફાળો હતો. પણ એ તો વર્ષો પહેલાની વાત છે, જ્યારે દાદી ચટ્ટ લઈને ઊભા થતાં અને પટ્ટ લઈને કામ આટોપતા.
આજકાલ તો, “મેહા બરાબર જમી કે નહીં?”  “એની તબિયત તો બરાબર છે ને, ઉદાસ કેમ બેઠી છે?” “હજી બહારથી પાછી કેમ નથી આવી?” આવા સવાલોના જવાબ હંમેશા મળે જ એવું નહોતુ બનતુ, પણ એ સવાલો તો દાદીના સ્વભાવ સાથે વણાયેલા હતાં. કિશોરી મેહાને બીજા ઘણા અગત્યના વિષયો પર ધ્યાન આપવાનુ હોય એ પણ એટલું જ સ્વાભાવિક હતું.

મેહા છ વર્ષની હતી ત્યારે દાદીને કહે, “અમ્મી! આજે મમ્મી મને નૃત્યના વર્ગમાં લઈ જશે. પણ મને તો નૃત્ય કરતા આવડે છે, સાચુ કહુ છુ ને?”

દાદી હસીને કહે, “મારી ડોલીને નૃત્ય કરતાં આવડે છે પણ એમાં પહેલો નંબર લેવા માટે સરસ શીખવું પડે ને?” ત્યારે એ ગંભીર વિચાર સાથે બોલી, “હાં, જવું પડશે.”

જ્યારે પણ સંગીત, ચિત્ર કે નૃત્યની વાત આવે ત્યારે દાદીનો ખીલી ઉઠતો ચહેરો જોતી મેહાને ખબર હતી કે એમને કેટલી ગહન અભિરુચી છે. દાદી સાથે રસમય વાર્તાલાપ કરવો હોય ત્યારે મેહા આ વિષયો છેડતી રહેતી.

દસ વર્ષની મેહા, તેનો ભાઈ અને એના મમ્મી-ડેડી નવા બંગલામાં રહેવા ગયા. દાદા-દાદીને ઘણો આગ્રહ કર્યો પણ દાદી તૈયાર ન જ થયા. કહે, “અહીં નજીકમાં જ છીએ ને! મને આ ઘરમાં જ ગમે.”

નવા ઘરમાં દસેક દિવસ થયેલા. દાદી વિચાર કરતા હતા કે મેહા નીશાળેથી આવી ગઈ હશે. ઘરમાં એકલી હશે. બરાબર નાસ્તો કર્યો હશે કે નહીં! ત્યાં જ ફોનની ઘંટડી વાગી.

મેહા રડતા અવાજે બોલી, “અમ્મી, ચાર પાંચ પુરુષ જેવી દેખાતી સાડી પહેરેલી બાયડીઓ બારણુ ઠોકે છે અને કહે છે કે ‘બક્ષિશ આપો અમે તમને નવા ઘરમાં આવકાર આપવાઆયા છીએ.’ કહીને હસે છે. મને તો બહુ બીક લાગે છે.”

દાદી કહે, “બેટા! ગભરાવાની જરૂર નથી. કહી દે કે કાલે આવજો. હું હમણા તારી પાસે આવું છું.” એ દિવસ પછી ખાસ કોઈ આગ્રહ વગર દાદી નવા ઘરમાં રહેવા આવતા રહ્યા.

મેહાની  દરેક પ્રવૃત્તિઓમાં દાદી રસિક સાક્ષી બની રહેતા. એની સફળતામાં ખીલેલા હાસ્ય સાથે બાહોંમાં ઘેરી લેતા તો નિષ્ફળતાના દુખમાં દાદીનો પાલવ અને મેહાની આંખો મળી જતાં. કિશોર અવસ્થા અનેક વિટંબણાઓ લઈને આવે છે.  નહીં બાળક અને નહીં પુખ્ત, નહીં રાત કે નહીં સવાર, એવા સમયમાં બાળક પોતાનૂ વ્યક્તિત્વ શોધતા પોતે જ ખોવાઈ જાય. આસપાસના મુરબ્બીઓની વાતો નિરર્થક લાગવા માંડે છે. આ કુદરતી વિકાસના પગથીયા ચડતા એ સ્વતંત્રતા મેળવવા માટે ખટ્ટ્મીઠ્ઠો બળવો કરતા રહે છે. આમ જ વ્યક્તિત્વ પૂર્ણ કળાએ ખીલે છે અને વડિલોએ એને માટે અવકાશ અને અનુકૂળતા આપવી જ રહી.

દાદી થોડા વર્ષો અમેરિકા રહેવા ગયા હતાં. પાછા મેહા સાથે રહેવાનુ શરૂ થયું ત્યારે મેહા આત્મવિશ્વાસુ અને હોંશીયાર સુંદર વિદ્યાર્થિની બની ગઈ હતી. દાદી સાથે મીઠો સંબધ પણ અનેકવિધ પ્રવૃત્તિઓમાં ક્વચિત વાતો કરવા બેસવાનો સમય મળે. દાદી એને આવતા જતા જોતા રહે અને મનમાં વિચારે કે સમય સમયની બલિહારી! “હવે એને મારા પર બહુ પ્રેમ નથી.”

એવામાં દાદી પડી જતા પગના હાડકામાં તડ પડતા પથારિવશ થઈ ગયા. એકાદ મહિનો પસાર થઈ ગયેલો અને થોડું સારૂ થયું હતું. ત્યારે રોજની જેમ બહાર જતાં પહેલા દાદી પાસે આવીને બેઠી અને આરંગેત્રમની વાત કરીને ગઈ.

દાદી પથારીમાંથી કે ક્યારેક પૈડા ખુરશીમાં બેઠા બેઠા તડામાર થતી તૈયારીઓ જોતા રહેતા. ખુબ સરસ કપડા ઘરેણાની પસંદગી કરેલી. એ દિવસ માટે લગભગ અઢીસો માણસોને આમંત્રિત કરેલા. દાદી વિચારે, “મારાથી નહીં જવાય. એટલા માણસો હશે એમાં વચ્ચે મારૂ શું કામ?”

કાર્યક્રમને બે દિવસની વાર હતી. જમ્યા પછી બધા બેઠા હતા ત્યારે મેહા બોલી, “અમ્મી! તું કઈ સાડી પહેરીશ?”
દાદી સંકોચ સાથે બોલ્યા,”ક્યાં? હું તો ઘેર જ ઠીક છું.”  ઘરના લોકો આગ્રહ કરતા રહ્યા પણ  પૈડા ગાડી સભાગ્રહમાં લઈ જવાની કેટલી તકલિફ પડે એની એમને ચિંતા હતી. “ના ના મારી ત્યાંશું જરૂર છે? મેહાના મિત્રો અને બીજા વડીલો છે જ ને?”

મેહા બધાને શાંત કરતાં બોલી, “ભલે, નહીં આવો, પણ હું અમ્મી વિના નૃત્ય કરીશ જ નહીં ને!” એક આશ્ચર્ય અને આનંદનુ મોજું દાદીના દિલ પર ફરી વળ્યુ. ભીની આંખોથી એમણે હા કહી દીધી.

કાર્યક્રમમાં પહેલી હરોળમાં દાદીની ખુરશી ગોઠવાઈ. આરંગેત્રમનો મનોહર કાર્યક્રમ પુરો થતાં તાળીઓનો ગડગડાટ અને વાતાવરણમાં ગુંજતાં સ્પંદનો ઝીલતી મેહા મંચ પરથી નીચે દોડી આવી દાદીને વળગી પડી.

સમય અને સ્વભાવના ઉતાર ચડાવમાં ભલે ક્યારેક શુષ્કતા આવે પણ એ સ્નેહવર્ષાથી ભીજાયેલુ હ્રદય અંતે તો પુલકિત થઈને સાથે હસી ઊઠે.

——————————

Not Without Ammi….

“Ammi! After five weeks I have my final dance recital, “Aarangetram.”  My mummy and daddy have booked a big auditorium. I am so excited. I will tell you all about it, but I have to run now.” Meha kissed her grandmother, as every day she did, and ran out flying through the door. The grandmother’s eyes followed her with a big smile on her face.

The granny had been around when Meha and her brother were growing up. But that was several years ago when granny was quick on her feet. Nowadays, she was observing from her bed and wondering at times, “Why Meha has not come home yet?” or “Why is Meha is so quiet?” “Did she eat?” She may not necessarily get replies to her questions, but it was her second nature, and not to answer was the second nature of a very busy teenager. But Meha would never forget to stop in Ammi’s room before leaving the house.

When Meha was six years old, she told her grandmother, “Ammi, my mom will take me to a dance class. But you know that I know how to dance – why do I have to go?” Ammi smiled and said, “Yes, my Dolly knows how to dance, but to be the best, you have to learn more, right?” With a sweet but serious face, Meha said, “OK, I will have to go.”

Meha had seen that whenever there was any talk about music, painting, or dance, her grandmother’s face would light up. So to involve Ammi in interesting conversation, Meha used to start up with those subjects.

An almost-eleven-year-old Meha, her brother and her parents moved into their new house not too far from their grandparents’ home. Granny declined the invitation to move in with them, saying, “I am used to this place.”

It had been only a few days since their move. One late afternoon, granny was thinking, “Meha must be home from school and alone. I hope she eats some good snacks.” The phone rang and Meha was at the other end, panicked. She said, “Ammi, a few weirdly dressed women are banging on the door and are asking for gift money as we have moved into this new home. They are loud and laughing amongst themselves.”
Ammi said, “Dear! Don’t be afraid. Keep the door closed and just tell them to come some other day. I am coming right over there.”  After that scary incidence for young Meha, without much convincing, the grandparents moved in with them.

Granny was a loving witness to all of Meha’s artistic and scholastic achievements. In her success she would run into granny’s open arms and in her failure Meha would wipe her tears with Ammi’s sari-pallu. But a teenager’s life gets entangled in many complications. At times they get lost while trying to find their own identity. The wisdom or advice of elders seems boring. These are natural steps of the growing process, and wisdom has to give room for that independence to flow freely.

Grandmother had to go and spend a few years in America. When she returned to live with Meha, she had matured into a confident, beautiful young girl. She was involved in several exciting activities. Still, she had sweet relations with her grandmother but had very little time or need for granny. Grandmother used to think, “Everything turns with time. She does not love me as much.”  Time flew and the world went around while granny kept on watching.

Unfortunately, grandmother fell and was bed-ridden for a long time. When Meha was talking about her recital, granny was in her wheelchair. Ammi was observing the preparations from her bed or from her wheelchair.  Just the right dresses and jewelry were chosen, and almost two hundred people were invited to attend the dance program. Ammi was thinking, “I cannot go, it will look odd to go in the wheelchair. I am not needed.”

Only two days were left before the function. The whole family was sitting together after dinner. All of a sudden, Meha asked, “Ammi! Which silk sari are you going to wear?” Granny was startled, “Where? Oh, no no, I will stay home, that will be alright. There will be Meha’s friends and other elders of the family. It will be fine.” The family members started to try to convince her to attend the dance.

Meha had a determined look on her face. She said, “OK, if you don’t want to come, I will not dance. Not without Ammi.”
Granny’s eyes filled up with tears. That one kind sentence touched her heart. Her moist eyes and smile gave consent to her little granddaughter.

Ammi’s wheelchair was set in the front row. The dance recital was well-received. Meha graciously accepted the adoration. She looked at her smiling and clapping granny and ran down from the stage to hug her to share her joy.
Age and time can create distance between generations but the bridge of love remains unbroken.
—————-


« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.