ચતુરા
પત્નીની સમજ-અણસમજ
કોને કહું કે એમને, સમજણ કશી પડતી નથી,
દુન્યવિ આ ગતરમતની, ગતાગમ પડતી નથી.
જાય ત્યાં ત્યાં આપી આવે નવ નવા એ ઉપરણાં,
શું આપવું, ના આપવું, સૂઝ-સમજ પડતી નથી.
કો’ આવીયા આંગણ ઉભાને, આવકારે દોડતા,
પોતા-પરાયા ભેદની, સમજણ કશી પડતી નથી.
માંગે, વગર માંગે એ બસ, આપે સહુને પ્રેમથી,
ભેગુ કરીને રાખવાની, ગમ કશી પડતી નથી.
ભલાઈ ભોળપ સાદગી, કહે, “જેમ છે તે ઠીક છે,”
દેખાવ સારો કેમ કરવો, ખર ખબર પડતી નથી.
જગ નવાજે ‘એમને’ અતિ માનથી સન્માનથી,
કરે કેમ આદર આટલો! મને એ સમજ પડતી નથી.
————–
સાત્વિક, ઉદાર અને ઉમદા સજ્જનના, પોતાને ચતુર સમજતાં, પત્ની.