સ્પર્શ
સ્પર્શ
સખીરી! સાત રંગના સ્પર્શ….
જીવજીવના અદ્ભૂત સંસર્ગે મન મધુરપ નિષ્કર્ષ,
એમા અગણિત ભાવ ભૂવન ને જન ચેતન સંકર્ષ.
રે સહિયર! સાત રંગના સ્પર્શ.
નજર નજરના મિલન વિરહમાં સુખદુઃખના સંઘર્ષ,
ઓષ્ઠોના આહ્લાદક સ્પર્શે વિશ્વ વહે અકર્ષ.
રે સહિયર! સાત રંગના સ્પર્શ.
શબ્દ સૂરો કર્ણોમાં ગુંજે, સ્પંદન ક્રુર કે સહર્ષ,
આંગળીઓ છે મનની ભાષા, ટેરવડે સંસ્પર્શ.
રે સહિયર! સાત રંગના સ્પર્શ.
સ્પર્શ ચરણ અવગણના દીસે, ચરણ સ્પર્શ સુ દ્રશ્ય,
આત્માથી આત્માની લગની, એક રંગ અદ્રશ્ય.
રે સહિયર! સાત રંગના સ્પર્શ.
પવન લહર આલિંગન કુમળો જગતપિતાનો સ્પર્શ,
મૃત જમીનમાં ચેતન જાગે નવ અંકુર ઉત્કર્ષ.
રે સહિયર! સાત રંગના સ્પર્શ.
———
સંકર્ષ=ખેંચાણ. અકર્ષ=દિલપસંદ.