ધ્યાન અનુભવ
ધ્યાન અનુભવ
ખૂલી આંખના અંધારે ટમટમતો ઝાંખો દીવો,
ડૂબકી મારી દૂર જઈ પાછો ફરતો મરજીવો…
એક ક્ષણે એ અણજાણ્યો, અતિથ બનીને આવ્યો,
મારે કાજે, અકળ અનાદિ આજે પરિચય લાવ્યો…
ઑમ મધુરા ગાણામાં એનો યે સૂર પુરાયો,
મનની ઊંડી વાવ મંહી જે જઈ જઈને ઘૂમરાયો…
ઝરમર ઝીણી ઝાકળ રજમાં ચમકારો વરતાયો,
પાછી પાની પગથી મુકી ક્ષિતિજમાં ખોવાયો…
કાગા નીંદરમાંથી જાગી, રૂંવે રૂંવે ચમકારો,
ક્ષણસ્પંદનનો પુનિત પરોણો પલક ઝલક ઝબકારો.
——-
થોડી પળોનો અનુભવ અને તેનુ મન મહેલમાં ગુંજન રહે એની રજુઆત. ઘણી સાધના પછી કોઈ ચમકારો થાય અને પછી એને સમજવા માટે વાગોળવો પડે. અનુભવને અતિથિનુ ભાવારોપણ કર્યુ છે. ફોટો ઘરની અગાશી પરથી.