Archive for કાવ્યો

એકાકાર

Posted in કાવ્યો by saryu on September 17th, 2017

એકાકાર

કોઈ રેશમ રાગિણી બજાવી,
મારા દિલના દામનને ભરી દે.
શીતળ સ્પંદન ચહેરાને સજાવે,
એવું તું એક સ્મિત કરી દે.

નયન ઉજ્વલ ને રોશની ઝબૂકે,
ગાલ ખંજનમાં મોરલો ટહૂકે,
મારું વામકુક્ષ ફૂલ સુ ફરૂકે,
એવી તું કોઈ વાત કહી દે.

ચપળ ચંદ્રમા ચૂપકીથી ચાલે,
હેત સ્પર્શી લે અવનીને ગાલે,
એ લાલી આ હથેળીઓ સંવારે,
એવું તું કોઈ ગીત લખી દે.

છબી મારી લઈ આવી ઓવારે,
મને ખોવાને નવલ નિરાકારે,
બનું બિંદુ તવ સિંધુમાં સમાવે,
એવો તું કોઈ મર્મ કહી દે.

અલગ અસ્તિત્વ એકમાં મિલાવે
એવી તું દિવ્ય કૃપા કરી દે.
—–

 

કળી બની કાંતા

Posted in કાવ્યો by saryu on July 31st, 2017

કળી બની કાંતા

મારાં પારણાનું આનંદ ઝરણ,
ચમક આંખ જાણે ઊષા કિરણ,
એનાં પાયલની ઘૂઘરી રણજણ,
વારી જાઉં તેની ભોળી સમજણ.

કળી કોમળ કસુંબલ રંગ,
તેનું ઓજસ ખીલેલ અંગઅંગ.
કળી ક્યારે બની ગઈ કાંતા!
આજ શોચે અચંભિત માતા.

બની કો’ના હૈયાનું અમૂલ ફૂલ!
બની કોના ગુંજનમાં મશગૂલ!
પવન પાંખે આરૂઢ, ચલી દૂર,
મુકી પ્યારની મહેકતી કસ્તુર.

આ પ્રાંગણ કે હોયે પરદેશ,
સ્નેહ સોહે જ્યમ સુરખી દિનેશ
ઝીણી ઝાંઝરીનો મંજુલ અંદેશ,
દિલે ચાંપી લઉં યાદનો સંદેશ.
—–

નાની બાળકી યુવતિ બની, પોતાના પ્રેમ સાથે ચાલી જાય છે–તે સમયે માતાના ભાવ.

 

સોનેરી પાલખી

Posted in કાવ્યો by saryu on July 21st, 2017

 

 સોનેરી પાલખી

સોનેરી પાલખીમાં બેસી, સ્વર્ગની સફર કરી,
ઝાંખાં ઝરુખાની જાળી, આરતી નજર કરી.
લંબાવી હાથ  રૂડી ચાંદનીને લાવી નજદીક,
શુભ્ર નિર્મળ નક્ષત્રોનું તેજ, હરખે હસ્યા કરી.

મસ્ત ચારુશી ચાલ, પ્રસન્ન ભોળી  હિલચાલ,
ઘના વાદળ આવેને તોયે  સરતી  સુખપાલ.
એમ  સરસરાટ  જાયે, મુજ  જીવન  રફતાર,
ના  બંધન, ના ગાંઠ, સાજ  સંગત ઝપતાલ!

એક ધક્કો! ને જાગી, પલક જોઈ વળી  અંત,
દિલ ધ્રૂજે,  મન  થથરે, ક્ષણ  લાગે  અનંત.
ગતિ અવરોધી, આવી  ઊભી, ઝપકારે વીજ,
જાણે  પાંખો   થીજી  ગઈ, પટકાઈ  દિગંત….

આજ, નીલા  આકાશની  સુંદરતા યાદ  કરી,
સોનેરી પાલખી સજાવીશ, શ્વાસોમાં નાદ ભરી.
——–
સુખપાલ= પાલખી. નેમ=પવિત્ર
સરયૂ પરીખ
જીવનમાં સારા સમયનો આનંદ, જાગૃતિ સાથે, with awareness, અનુભવ્યો હોવાથી…

સરળ સરતાં જીવનમાં કોઈ ધક્કો લાગતાં, આઘાત અને નિરાશાની રૂકાવટ પછી પુનઃ ચેતનાનો સંચાર…

Flutter of Wings, a poetic novel

Posted in કાવ્યો by saryu on April 9th, 2017

 

 

Flutter of Wings, a poetic novel: Novel Fiction
https://www.amazon.com/Flutter-Wings-poetic-novel-Fiction/dp/1544939256/ref=sr_1_2?s=books&ie=UTF8&qid=1491443348&sr=1-2&keywords=flutter+of+wings

www.Amazon.com      paper-book and ebook – Kindle available.

comment.
Saryuben, 
 On “Flutter of wings” 
 Congratulations on getting your novel published! Precious few have had the courage to write on the challenges of environmental compliance of Hindu, Muslim and Houston. You have stayed in Houston and fully understood the homogeneous mixture of the society. And so, much of your subject was your own hard-won experience in the matter. Nevertheless, you must have done a wheelbarrow-full of research. I admire you. I guess this means we will be seeing more of you in the print media from now on. I say more power to you!
 All good wishes and regards,
Nitin Vyas

રંગ બદલતી

Posted in કાવ્યો by saryu on October 20th, 2016

img_7907

રંગ બદલતી

એના ચંપયી બદનની મહેક,
હઠ હુલામણા નામની લહેક,
તૃષ્ણ આંખ તેને જોતી રહી ને
એ લજામણી બનીને મલકી રહી.

એને જોઈ કરે કોયલ કુહુક,
કરે ઘાયલ નજરથી અચૂક,
અકળ અટવાતી જાયે રે ગૂંચ,
પવન હેલે હિલોળે હેરી રહી.

ગગન ઘેરાયે ઘેરો ઘુઘવાટ,
પ્રશ્ન પૂછે નયન તોરણ તલસાટ,
ચમક  ચહેરા પર રોકે  મલકાટ,
વણબોલે બોલ ઊર્મિ સરી રહી.

 શ્વેત, ફૂલ ગુલાબી પછી રાતી,
જેવી ખીલી રંગીલી મધુમાલતી;
એવી મારી પ્રિયત્તમા પ્યારી,
વિવિધ રંગોથી જીવન નિખારતી.

——

ન મળી શકી ….

Posted in કાવ્યો by saryu on August 25th, 2016

 

ના મળી શકી

 તને  મળવાની ઝંખના જાગી  બેતાબ,
મારી  સઘળીએ પૂંજી લગાવી’તી દાવ,
તે દિન, વંટોળે ફંગોળી  ફેંકેલી   ઝાળ,
વ્હેણ ગહેરા  ગુંગળાય, વાત  શું  કરું?

 વર્ષંતી    ઝાપટમાં   થરથરતી  બીજ,
ઘેરા  ઘનઘોર  મહીં  કડકડતી  વીજ,
સંતાણો   સૂર્ય   તેની   દેખીને  ખીજ,
હવે  કુમળાં કિરણોની  હુંફ  શું   કરું?

મારે  જાવું’તું રે મારા સાજનની પાસ,
સાત પ્રહરો ઝૂઝી મારી જિદ્દીલી આસ.
થાકી  હારીને  ઓર  છોડ્યાં   નિરાસ,
હવે  ઊર્જા  ઊભરાય  તોય  શું   કરું?

હલતું  ના પર્ણ  આજ  શીતલ સમીર,
હવે ઝિલમિલ તિમિર, ને મંદમંદ નીર,
હતો  કેવો  એ મેર, તે’દિ  કુદરતનો  કેર,
હશે  વિધિના  આલેખ, ના મળી શકી . . .

                                                                                                                  ——

રસદર્શન “એક વેંત ઊંચી”

Posted in કાવ્યો by saryu on July 20th, 2016

કાવ્ય-ગીત “એક વેંત ઊંચી” સરયૂ પરીખની રચનાનું રસ દર્શન …શ્રી જુગલકિશોર વ્યાસ.

 2016-07-07       jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>:

જુઓ, મેં ગીતકાવ્યનો અન્વય કર્યો છે. અન્વયમાં કાવ્યના શબ્દો જેમના તેમ રાખીને ખુટતા શબ્દો મુકીને ગદ્યમાં વાક્યરચના કરવાની હોય છે.

આને કારણે કાવ્યમાંનો વીચાર સળંગસુત્ર છે કે નહીં તે સમજાય છે. બે પંક્તી વચ્ચે કે બે કડી વચ્ચે વીચારની કે ભાવની સળંગસુત્રતા જળવાય છે કે નહીં તેની પરીક્ષા થઈ જાય છે. ઘણી વાર એવું બને કે સર્જકને તો તેઓ ભાવમય હોવાથી ભાવ કે વીચારનો તાંતણો તુટતો દેખાય નહીં પરંતુ અન્વય કરવાથી બે પંક્તી, બે કડીઓ કે પછી સમગ્ર કાવ્યમાં અનુસંધાન રહ્યું છે કે કેમ તે ખ્યાલમાં આવી જાય છે.

તમે હવે નવેસરથી મેં મુકેલો અન્વય જોઈ જજો. મારા આ પ્રયત્નમાં ક્ષતી પણ જોવા મળે તો કહેજો. આ કામ એવું છે જે જો એનો ખ્યાલ મનમાં જો બેસી જાય તો બહુ લાભ થાય છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(આ) જગત(માં) જીવન (એક)  ઝંઝાળજાળ (છે)

(ને એવામાંય એમ છતાં પણ) (કોઈ પણ પ્રકારનું) અસુખ મારે  અંતરે અડકતું નથી.  
(હું ) એક વેંત  ઊંચી ઊડતી  રહું છું, (ને) રેતીની  સરત સેર સરતી (રહે છે); (કહો કે / જાણે કે,)
નીચે   સમયની  સેર (પણ)  સરી (રહી છે).

 મારે   આંગણે (તો બધા જ) ઉજાસ સરખા (છે), મારી  પાંપણે (કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહરુપી) પડછાયા નથી;
(મેં તો) પહેલાં   આપીને  (પછી જ) લીધું   (છે) લીધાં વગર ચાલવાનું નથી, પણ તેની પાછળના ભાવ અગત્યનાં છે.(ને) દહર– બારણે સ્વાર્થ (તો) છોડીને (જ બેઠી છું). વટને  (તો મેં) ઊભી   વાટમાં (જ) વેર્યો છે ;

 

ઈશના અનેક   રૂપો   (આ) જીવનરાસમાં (જોવા મળ્યા છે) –
(મારા)એકે એક  શ્વાસ એના (જ)પ્રાસ તાલ માં (ચાલી રહ્યા છે.)

અભિમાન છોડી, નમ્રતાથી દરેકનો સહજ સ્વીકાર અને સરળ સંબંધ, કારણ દરેકમાં ઈશ્વરનું સ્વરૂપ જોયું તેમજ દરેક જીવનો પ્રાસ-તાલ તેની સાથે  મળેલો છે
ક્ષણ  ક્ષણનાં  સ્પંદનો  સુગંધ (થી ભર્યાં છે), થી તરબતર છે, શર પાણીની  બુંદેબુંદમાં નવલનવાં  સર્જનો (નો અનુભવ થઈ રહ્યો છે);
(હું) છો(ને)પહેરી  ઓઢી(ને) બનીઠનીને –  વૃંદમાં ફરતી (રહેતી હોઉં),
(પરંતુ) (મારી) મનોકુંજમાં (તો હું) એકલી   (જ) મલપતી (એવી આનંદમગ્ન) છું.

(૧૧મી પંક્તીનો અન્વય થઈ શકતો નથી

કારણ કે માફી માગી છે કે મળી છે તે સ્ષ્ટ થતું નથી. ને હળી શબ્દનો સંદર્ભ નથી મળતો)
––––––––––––––––––––––––––––––––––––––––––

હવે પછી આપણે આનું રસદર્શન કરીશું કારણ કે ગીતકાવ્ય મજાનું છે.___જુ.

શ્રી. જુભાઈના માર્ગદર્શન પછી…… મઠારેલ કાવ્ય. તમારા પ્રોત્સાહનથી મારો ઉત્સાહ – મલપતો મનોકુંજમાં.
..આનંદ સાથ આભાર.  સરયૂ

એક વેંત ઊંચી
અસુખ  અડકે  ના  મારે  અંતરે.
જીવન  ઝંઝાળજાળ  જગત રે
ઊડતી  રહું  એક વેંત  ઊંચી  કે,
નીચે   સમયની   સરત  સેર  રે

સરખા   ઉજાસ   મારે   આંગણે
નહીં  રે  પડછાયા  મારી  પાંપણે
પહેલાં   આપીને  લીધું   આપણે
છોડીને    સ્વાર્થ   દહર   બારણે

વટને   વેર્યું   રે   ઊભી   વાટમાં
સદ્ભાવે    હળીમળી    વાસમાં
ઈશના    અનેક   રૂપ    રાસમાં
એક એક  શ્વાસ  એના  પ્રાસમાં 

ક્ષણ  ક્ષણનાં  સ્પંદનો  સુગંધમાં
નવલ નવાં  સર્જન  શર  બુંદમાં
છોપહેરી  ઓઢી   રું  વૃંદમાં
એકલી   મલપતી    મનોકુંજમાં
——–
સરત=સ્મૃતિદહર=દિલ, શર=પાણી
અખંડ આનંદ” જૂન ૨૦૧૬
સરયૂ પરીખ

 

રસ દર્શનઃ
સરસ કામ થયું.   ….જોકે આ ગીતકાવ્યમાં થોડી ક્લીષ્ટતા પહેલેથી જ છે. કેટલીક કડીઓમાં ભાવકને તેનો મર્મ પહોંચવામાં સરળતા નહી રહેતી હોય એમ બને…..મને લાગે છે કે જે કાંઈ અધ્યાર રહી જાય, જે જગ્યાએ બે પંક્તી કે બે કડીઓ વચ્ચે અનુસંધાન પકડવાનું અખરું લાગે ત્યાં ક્લીષ્ટતા ઉભી થતી હશે……

મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…..રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે ……
આભાર સાથે, – જુ.

વળાંક

Posted in કાવ્યો by saryu on June 1st, 2016

વળાંક

તુજ  દ્વારે  ટકોરા, આજ કરવું કબૂલ,
હું  લાવ્યો  છું  ફૂલ તેનું કરજે તું  મૂલ
ના બારણું  ઉઘાડ્યું,  તેં  લીધું  ના ફૂલ
હું પાછો ફર્યો,જાણે થઈ ગઈ કોઈ ભૂલ

વળતાં  વાટે  વરવી  વાતો  દોહરાવું
વચમાં     તૂટેલ   તડ    વેગે  લંબાવું
ઉત્કટ યત્નોથી  તને  મનથી  ભુલાવું
એક ના, અનેક  છે, કહીને  સમજાવું

કાળચક્ર  ચાલ  મને  ઉપર લઈ  જાયે
હસ્તી  મારી   ઉર્ધ્વ   આભે  સોહાયે
સંગિની  સાથ  રસમ  રીતિ  સંચવાયે
ભીની લહેરખી સમી યાદ અડી જાયે

તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે !
જીવન-સરિયામ હોત નોખાં  વળાંકે !

પ્રકાશ પુંજ

Posted in કાવ્યો by saryu on May 22nd, 2016

પ્રકાશ પુંજ

હે જી રે મારા પ્રેમના ઝરૂખાનો દીવો
રે રાજ રત  પાવન  પ્રકાશે  પ્રગટાવો

જાગે મારા આતમમાં પ્યારો પલકારો
વાગે રૂડાં અવસરનો ન્યારો  ઝણકારો
હે જી હું તો હરખે  રિઝાવું  એકતારો
ને રાજ રત  મનમાં  મંજુલ સૂર તારો

નાની  પગલી  ને  લાંબો   પગથારો
હું ના  એકલી,  છે  તારો   સથવારો
શૂલ  હોય  મને  ફૂલ  સો  અથવારો
રે  રાજ રત  તારો  અતૂટ  સહચારો

અંક    અંકુરમાં   પગરવ    સુહાણો
દીપ્ત  તેજપુંજ   ઝળહળ  અજાણ્યો
ઘેરા  ઘનમાં   સોનેરી   પ્રકટ  જાણ્યો
રે રાજ રત કાળજડે  કાનજી સમાણો
——

તને યાદ….

Posted in કાવ્યો by saryu on May 9th, 2016

તને યાદ…..
કોરી   ધરતી  હસીને  ભીંજાતી,
આ પોયણીની પ્યાસ ના બુજાતી.
રાત  રૂમઝૂમ મલ્હાર રાગ ગાતી,
કાં’ તને  મારી  યાદ  ન આવી?

ખેલ  ખેલંતા ખળખળતા પાણી,
તેમાં  આશાની આરત  સમાણી.
ખર્યું  પાન  તને  આપે  એંધાણી,
તોય તને  મારી  યાદ  ન  આવી

  વેણ  ઘૂઘરી  તેં  લોભિલી  વેરી,
મેં   ઝાંઝરી   પરોવીને   પહેરી.
તેની  વાગી  ઝણકાર  ફરી  ઘેરી,
હાં, તને  મારી  યાદ ન આવી!

મોહ  દીવાની વાટ ધીમી  કીધી,
તડપ   હૈયે  દબાવી   મેં   દીધી.
વ્યર્થ  વાયદાની વાતો  શું  કે’વી,
જો, તને જ મારી યાદ ન આવી!
——


« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help