રંગ બદલતી
રંગ બદલતી
એના ચંપયી બદનની મહેક,
હઠ હુલામણા નામની લહેક,
તૃષ્ણ આંખ તેને જોતી રહી ને
એ લજામણી બનીને મલકી રહી.
એને જોઈ કરે કોયલ કુહુક,
કરે ઘાયલ નજરથી અચૂક,
અકળ અટવાતી જાયે રે ગૂંચ,
પવન હેલે હિલોળે હેરી રહી.
ગગન ઘેરાયે ઘેરો ઘુઘવાટ,
પ્રશ્ન પૂછે નયન તોરણ તલસાટ,
ચમક ચહેરા પર રોકે મલકાટ,
વણબોલે બોલ ઊર્મિ સરી રહી.
શ્વેત, ફૂલ ગુલાબી પછી રાતી,
જેવી ખીલી રંગીલી મધુમાલતી;
એવી મારી પ્રિયત્તમા પ્યારી,
વિવિધ રંગોથી જીવન નિખારતી.
——