ન મળી શકી ….

Posted in કાવ્યો by saryu on August 25th, 2016

 

ના મળી શકી

 તને  મળવાની ઝંખના જાગી  બેતાબ,
મારી  સઘળીએ પૂંજી લગાવી’તી દાવ,
તે દિન, વંટોળે ફંગોળી  ફેંકેલી   ઝાળ,
વ્હેણ ગહેરા  ગુંગળાય, વાત  શું  કરું?

 વર્ષંતી    ઝાપટમાં   થરથરતી  બીજ,
ઘેરા  ઘનઘોર  મહીં  કડકડતી  વીજ,
સંતાણો   સૂર્ય   તેની   દેખીને  ખીજ,
હવે  કુમળાં કિરણોની  હુંફ  શું   કરું?

મારે  જાવું’તું રે મારા સાજનની પાસ,
સાત પ્રહરો ઝૂઝી મારી જિદ્દીલી આસ.
થાકી  હારીને  ઓર  છોડ્યાં   નિરાસ,
હવે  ઊર્જા  ઊભરાય  તોય  શું   કરું?

હલતું  ના પર્ણ  આજ  શીતલ સમીર,
હવે ઝિલમિલ તિમિર, ને મંદમંદ નીર,
હતો  કેવો  એ મેર, તે’દિ  કુદરતનો  કેર,
હશે  વિધિના  આલેખ, ના મળી શકી . . .

                                                                                                                  ——

રસદર્શન “એક વેંત ઊંચી”

Posted in કાવ્યો by saryu on July 20th, 2016

કાવ્ય-ગીત “એક વેંત ઊંચી” સરયૂ પરીખની રચનાનું રસ દર્શન …શ્રી જુગલકિશોર વ્યાસ.

 2016-07-07       jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>:

જુઓ, મેં ગીતકાવ્યનો અન્વય કર્યો છે. અન્વયમાં કાવ્યના શબ્દો જેમના તેમ રાખીને ખુટતા શબ્દો મુકીને ગદ્યમાં વાક્યરચના કરવાની હોય છે.

આને કારણે કાવ્યમાંનો વીચાર સળંગસુત્ર છે કે નહીં તે સમજાય છે. બે પંક્તી વચ્ચે કે બે કડી વચ્ચે વીચારની કે ભાવની સળંગસુત્રતા જળવાય છે કે નહીં તેની પરીક્ષા થઈ જાય છે. ઘણી વાર એવું બને કે સર્જકને તો તેઓ ભાવમય હોવાથી ભાવ કે વીચારનો તાંતણો તુટતો દેખાય નહીં પરંતુ અન્વય કરવાથી બે પંક્તી, બે કડીઓ કે પછી સમગ્ર કાવ્યમાં અનુસંધાન રહ્યું છે કે કેમ તે ખ્યાલમાં આવી જાય છે.

તમે હવે નવેસરથી મેં મુકેલો અન્વય જોઈ જજો. મારા આ પ્રયત્નમાં ક્ષતી પણ જોવા મળે તો કહેજો. આ કામ એવું છે જે જો એનો ખ્યાલ મનમાં જો બેસી જાય તો બહુ લાભ થાય છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(આ) જગત(માં) જીવન (એક)  ઝંઝાળજાળ (છે)

(ને એવામાંય એમ છતાં પણ) (કોઈ પણ પ્રકારનું) અસુખ મારે  અંતરે અડકતું નથી.  
(હું ) એક વેંત  ઊંચી ઊડતી  રહું છું, (ને) રેતીની  સરત સેર સરતી (રહે છે); (કહો કે / જાણે કે,)
નીચે   સમયની  સેર (પણ)  સરી (રહી છે).

 મારે   આંગણે (તો બધા જ) ઉજાસ સરખા (છે), મારી  પાંપણે (કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહરુપી) પડછાયા નથી;
(મેં તો) પહેલાં   આપીને  (પછી જ) લીધું   (છે) લીધાં વગર ચાલવાનું નથી, પણ તેની પાછળના ભાવ અગત્યનાં છે.(ને) દહર– બારણે સ્વાર્થ (તો) છોડીને (જ બેઠી છું). વટને  (તો મેં) ઊભી   વાટમાં (જ) વેર્યો છે ;

 

ઈશના અનેક   રૂપો   (આ) જીવનરાસમાં (જોવા મળ્યા છે) –
(મારા)એકે એક  શ્વાસ એના (જ)પ્રાસ તાલ માં (ચાલી રહ્યા છે.)

અભિમાન છોડી, નમ્રતાથી દરેકનો સહજ સ્વીકાર અને સરળ સંબંધ, કારણ દરેકમાં ઈશ્વરનું સ્વરૂપ જોયું તેમજ દરેક જીવનો પ્રાસ-તાલ તેની સાથે  મળેલો છે
ક્ષણ  ક્ષણનાં  સ્પંદનો  સુગંધ (થી ભર્યાં છે), થી તરબતર છે, શર પાણીની  બુંદેબુંદમાં નવલનવાં  સર્જનો (નો અનુભવ થઈ રહ્યો છે);
(હું) છો(ને)પહેરી  ઓઢી(ને) બનીઠનીને –  વૃંદમાં ફરતી (રહેતી હોઉં),
(પરંતુ) (મારી) મનોકુંજમાં (તો હું) એકલી   (જ) મલપતી (એવી આનંદમગ્ન) છું.

(૧૧મી પંક્તીનો અન્વય થઈ શકતો નથી

કારણ કે માફી માગી છે કે મળી છે તે સ્ષ્ટ થતું નથી. ને હળી શબ્દનો સંદર્ભ નથી મળતો)
––––––––––––––––––––––––––––––––––––––––––

હવે પછી આપણે આનું રસદર્શન કરીશું કારણ કે ગીતકાવ્ય મજાનું છે.___જુ.

શ્રી. જુભાઈના માર્ગદર્શન પછી…… મઠારેલ કાવ્ય. તમારા પ્રોત્સાહનથી મારો ઉત્સાહ – મલપતો મનોકુંજમાં.
..આનંદ સાથ આભાર.  સરયૂ

એક વેંત ઊંચી
અસુખ  અડકે  ના  મારે  અંતરે.
જીવન  ઝંઝાળજાળ  જગત રે
ઊડતી  રહું  એક વેંત  ઊંચી  કે,
નીચે   સમયની   સરત  સેર  રે

સરખા   ઉજાસ   મારે   આંગણે
નહીં  રે  પડછાયા  મારી  પાંપણે
પહેલાં   આપીને  લીધું   આપણે
છોડીને    સ્વાર્થ   દહર   બારણે

વટને   વેર્યું   રે   ઊભી   વાટમાં
સદ્ભાવે    હળીમળી    વાસમાં
ઈશના    અનેક   રૂપ    રાસમાં
એક એક  શ્વાસ  એના  પ્રાસમાં 

ક્ષણ  ક્ષણનાં  સ્પંદનો  સુગંધમાં
નવલ નવાં  સર્જન  શર  બુંદમાં
છોપહેરી  ઓઢી   રું  વૃંદમાં
એકલી   મલપતી    મનોકુંજમાં
——–
સરત=સ્મૃતિદહર=દિલ, શર=પાણી
અખંડ આનંદ” જૂન ૨૦૧૬
સરયૂ પરીખ

 

રસ દર્શનઃ
સરસ કામ થયું.   ….જોકે આ ગીતકાવ્યમાં થોડી ક્લીષ્ટતા પહેલેથી જ છે. કેટલીક કડીઓમાં ભાવકને તેનો મર્મ પહોંચવામાં સરળતા નહી રહેતી હોય એમ બને…..મને લાગે છે કે જે કાંઈ અધ્યાર રહી જાય, જે જગ્યાએ બે પંક્તી કે બે કડીઓ વચ્ચે અનુસંધાન પકડવાનું અખરું લાગે ત્યાં ક્લીષ્ટતા ઉભી થતી હશે……

મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…..રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે ……
આભાર સાથે, – જુ.

વળાંક

Posted in કાવ્યો by saryu on June 1st, 2016

વળાંક

તુજ  દ્વારે  ટકોરા, આજ કરવું કબૂલ,
હું  લાવ્યો  છું  ફૂલ તેનું કરજે તું  મૂલ
ના બારણું  ઉઘાડ્યું,  તેં  લીધું  ના ફૂલ
હું પાછો ફર્યો,જાણે થઈ ગઈ કોઈ ભૂલ

વળતાં  વાટે  વરવી  વાતો  દોહરાવું
વચમાં     તૂટેલ   તડ    વેગે  લંબાવું
ઉત્કટ યત્નોથી  તને  મનથી  ભુલાવું
એક ના, અનેક  છે, કહીને  સમજાવું

કાળચક્ર  ચાલ  મને  ઉપર લઈ  જાયે
હસ્તી  મારી   ઉર્ધ્વ   આભે  સોહાયે
સંગિની  સાથ  રસમ  રીતિ  સંચવાયે
ભીની લહેરખી સમી યાદ અડી જાયે

તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે !
જીવન-સરિયામ હોત નોખાં  વળાંકે !

પ્રકાશ પુંજ

Posted in કાવ્યો by saryu on May 22nd, 2016

પ્રકાશ પુંજ

હે જી રે મારા પ્રેમના ઝરૂખાનો દીવો
રે રાજ રત  પાવન  પ્રકાશે  પ્રગટાવો

જાગે મારા આતમમાં પ્યારો પલકારો
વાગે રૂડાં અવસરનો ન્યારો  ઝણકારો
હે જી હું તો હરખે  રિઝાવું  એકતારો
ને રાજ રત  મનમાં  મંજુલ સૂર તારો

નાની  પગલી  ને  લાંબો   પગથારો
હું ના  એકલી,  છે  તારો   સથવારો
શૂલ  હોય  મને  ફૂલ  સો  અથવારો
રે  રાજ રત  તારો  અતૂટ  સહચારો

અંક    અંકુરમાં   પગરવ    સુહાણો
દીપ્ત  તેજપુંજ   ઝળહળ  અજાણ્યો
ઘેરા  ઘનમાં   સોનેરી   પ્રકટ  જાણ્યો
રે રાજ રત કાળજડે  કાનજી સમાણો
——

તને યાદ….

Posted in કાવ્યો by saryu on May 9th, 2016

તને યાદ…..
કોરી   ધરતી  હસીને  ભીંજાતી,
આ પોયણીની પ્યાસ ના બુજાતી.
રાત  રૂમઝૂમ મલ્હાર રાગ ગાતી,
કાં’ તને  મારી  યાદ  ન આવી?

ખેલ  ખેલંતા ખળખળતા પાણી,
તેમાં  આશાની આરત  સમાણી.
ખર્યું  પાન  તને  આપે  એંધાણી,
તોય તને  મારી  યાદ  ન  આવી

  વેણ  ઘૂઘરી  તેં  લોભિલી  વેરી,
મેં   ઝાંઝરી   પરોવીને   પહેરી.
તેની  વાગી  ઝણકાર  ફરી  ઘેરી,
હાં, તને  મારી  યાદ ન આવી!

મોહ  દીવાની વાટ ધીમી  કીધી,
તડપ   હૈયે  દબાવી   મેં   દીધી.
વ્યર્થ  વાયદાની વાતો  શું  કે’વી,
જો, તને જ મારી યાદ ન આવી!
——

પ્રણયના મોતી

Posted in કાવ્યો by saryu on March 28th, 2016

પ્રણયના મોતી

સ્વરોના મોતી સરે પ્રણયમાં
ને હું સૂર બની ને  સાંધુ
તુજ સ્મિત રમે રમણમાં
ને હું  નૂર બનીને બાંધુ

તું ઝીણો ઝરમર વરસે
ને હું પાન બનીને ઝીલું
તું પવન બનીને લહેરે
ને હું કમળ બનીને ખીલું

તું કિરણ બનીને આવે
ને હું સુરખીમાં રંગાવું
તું ઘટમાં વાદળ ઊમટે
ને હું વીજ બનીને નાચું

તું શ્વાસ બનીને આવે
ને હું ધડકન થઈને જાગું
તું વિશ્વાસ બનીને આવે
ને હું સખી  બનીને ચાહું

તું  પ્રીત  લઈને આવે
ને હું ગુંજન ગાણું ગાવું
મુજમાં તું, ને તુજમાં હું
બસ ઓતપ્રોત થઈ જાવું
——

મને લઈ જાવા દો

Posted in કાવ્યો by saryu on March 24th, 2016

મને સાથે લઈ જાવા દો

ભંડારો   ઊંડા  ખોદાવી  ઠાંસી  ઠાંસી  ભર્યા  કર્યું,
કરી મંત્રણા  લાભ  લાલચે,  સંતાડીને  હર્યા   કર્યું.

 મને થાય  કે આવો માણસ હતો કદીયે નાનો બાળ?
નિર્મમ નિર્મળ હતી કદીયે એની આંખે અશ્રુ ધાર?

કપટી  લંપટ અંધાપો  જે નથી  દેખતો પરનું  દુઃખ.
અનુભવ તેણે  કર્યો હશે શું  દિલસોજી દેવાનું સુખ?

  કરી લે, ભરી લે, સોદા કરી લે, લૂંટીને કો મુખનું નૂર
કટાક્ષ  કરતી  કુદરત દેખે, ભુલી ગયો  મૈયત દસ્તૂર

જાવાનું  છે નક્કી,  ના  લઈ જાશે  જોડે  પૈસો  એક
વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક

  ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો.
ત્રીશ ટકા હું આપીશ તમને, મને સ્વર્ગમાં રહેવા દો.”

——

મનમાન્યું

Posted in કાવ્યો by saryu on February 24th, 2016

મનમાન્યું

સૂણ રે મારી સહિયર આજે ખરું થયું
બટક્બોલી પૌત્રીએ મને ખરું કહ્યું…..

સ્પર્શી મારા ચહેરાને તેની નાજુક કર કળીઓ
છ વર્ષની મીઠી પૂછતી, “કેમ તને કરચલીઓ?”

જવાબ શોધું,  કેમ કરીને  કઈ રીતે  સમજાવું!
શબ્દો શોધી કોશિશ કરતી અવઢવમાં મૂંઝાવું

એ બોલી કે વાંધો નહીં બા, પુસ્તક હું લઈ આવું
પુસ્તકમાં તો સીધું સાદું કારણ હતું જણાવ્યું

હસતાં મેં તો સત્ય જીવનનું યત્ન કરી સમજાવ્યું
“દોરાશે તુજને પણ બેટી! સમય તણી રેખાયું”

“નારે દાદી, મુજને એવું  કદી કશું  ન થવાનું”
પ્રફુલ્લતાથી દોડી ગઈ એ પ્રતિક પતંગિયાનું…..

યાદ કરી લે સૈયર! તું પણ વિશ્વાસે કહેતી’તી,
“નારે હું તો કદી કોઈ’દી પચાસનીય થવાની.”

બાલિશતાના ભોળપણાનું એ જ હતું મનમાન્યું
હતો તને પણ એ જ ભાવ, તોય અંકાણી કરચલીયું!
—-

Wrinkles

Our six-year-old Sweetie, you know, is quite witty
My friend, what she said surprised me completely
“My dear Granny, why do you have wrinkles?”

I was puzzled and perplexed, so waited for a while!
She got up from my side with a perky, sweet smile,
“I will go get my book and I know where to look.”

The little book explained, but I gave her more details;
“The time lines do roll, as everyone grows old.
Darling! You may also get, that’s how Nature is set.”

She giggled and alleged, “Oh Grams, no, you’re so naïve.
The wrinkles are for the old, and I will never get so old!”
And she ran away to sing like a birdie with her wings.

Tell me, o’ my friend; I think she is confused
“Surely I can understand, because many moons before,
remember? Twirling curly hair, you smugly used to say,
‘I will never get the grays, and fifty? Too far away’”

A child creates illusions and draws unique conclusions
It’s a joy to hold her hand and walk on innocent land
——

પુનઃ સાકાર

Posted in કાવ્યો by saryu on January 31st, 2016

પુનઃ સાકાર

દાદા દાદી  વાત  કરે  મીઠી   યાદો  મમળાવે,
સાંજ ઢળ્યે તું નદી કિનારે  કેવી મળવા આવે!

ફૂલ  લઈ હું  રાહ  દેખતો  ઉત્સુકતાથી  તારી
તું  આવે તો સંધ્યા ખીલતી ના આવે કરમાતી

વીસરીને  વર્ષોની  રેખા  પુનર્મિલન હાં કરીએ
મધુર મધુર યાદોને વ્હાલી ફરીથી નંદન કરીએ

દાદા  ફક્કડ  પહેરણ પહેરી  ઊભા નદી કિનારે
ફૂલ  સંભાળે,  થાકે,  બેસે,  ઊઠે  રાહ   નિહાળે

દાદી ના દેખાયા અંતે  ધુંઆપૂંઆ થઈ આવ્યાં,
“કેમ ન આવી?” રોષ  કરીને દાદીને  તપડાવ્યાં

અચકાતી, શરમાતી  ધીમે  ધીમે  બોલી દાદી,
“કેમ  કરીને આવું?  મારી  માએ  ના કહી દીધી.”

                      ——-   સરયૂ પરીખ

Anger

Posted in કાવ્યો by saryu on January 16th, 2016

Anger

When ashes of anger smother the flame,
and the mind fumes within,
Imprudence covers all your senses
and conscience gets crushed with pain.

The beautiful world looks weird
And faith and trust are unknown
Self-pity rules emotions
to create unworthy commotions.

Anger is good if you are aware
and it does not control your senses
When your senses are holding the reins of anger
and the wisdom rides beside.
The fire of anger illumines the path of others
and spreads the peace within.

                         ———  Saryu Parikh

   Bhagavat Gita’s teaching.    Good anger=પુણ્યપ્રકોપ

પુણ્યપ્રકોપ

ક્રોધાગ્નિની ક્લાંતરાખ સમતલ બુધ્ધિને  ઢાંકે
કૃધ્ધ કર્મથી  અન્યજ  તેમજ  અંતરને  પ્રજાળે
પ્રકોપ પાગલ  રાજ કરે  ને સમજણને  પોઢાડે
પરજાયા  ને  અંગતને પણ,  ઉગ્ર આંચ  રંજાડે.

સુંદરત્તમ આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે
શ્રધ્ધા નિષ્ટા  મુખ  ફેરવી અબુધ  થઈને  નાસે
લાગણીઓ  કકળતી બેસે  આત્મદયાની  આડે
ક્રોધાન્વિત  મનઆંધી  કાળા  કર્મો  કરવા  પ્રેરે

ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે
વૃત્તિઓ  લે   રોષને  વશમાં   આવેશોને નાથે
પુણ્યપ્રકોપે  ઉજ્વલ  જ્વાલા  ઉર્જાને  જગાડે
પ્રજ્ઞાચક્ષુ   ખોલી    મારગ  અનેક્ના   ઉજાળે

અંગારા ના હસ્તક લઈએ જ્યોત કામમાં લઈએ
જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ

 ——–
ક્લાંત=બેચેન

comment by P.K.Davda…બહેન, કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે. ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે, મોહમાંથી ઈચ્છા. ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે.”


« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help