Archive for March, 2008

બે પેઢીનુ અંતર / Generation Gap

Posted in કાવ્યો by saryu on March 16th, 2008

બે પેઢીનુ અંતર

“નાત  તેડાનું  નોતરું  આવે
               જાતાં  બીજે  ગામ
    નાનાં મોટાં સાબદા થઈને
            ચાલ્યાં જમવા કાજ
    બૈરા બૂઢાં  ગાડે   બેહે
               બીજા   હાલે  વાટ
    હસતાં રમતાં ગાતા જાતાં
           અંતર  ગાઉ બે ગાઉ”
  
     ” બાપુ એતો કેવું લાગે
            કોશ  ચાલીને   જાવ
        અમથાં ખાલી જમવા માટે
          નવરાઓનુ   કામ!”
 
    કાન માંડીને સૂણતી ત્યારે
            ચિત વિચિતર વાત
    સરળ સાદા ગ્રામજનોમાં
           સૌનો    હરખ  સાથ

      ગાઉ   ચાલુ   છું   એકલી ,
       સૂણું  બાપુ તણી   ઇબરત!
     “જન સમૂહની ખુશી વિના
       વાંઝણી   આ   કસરત”!

                                                                                                   ગાઉ=કોશ= ૨ માઇલ,  ઇબરત= ઠપકો

હળવુંફૂલ હૈયું

Posted in કાવ્યો by saryu on March 15th, 2008

 

P01

હળવુંફૂલ હૈયું

સ્નેહ સભર ઝરણું  ખળખળતું વહ્યું  જાય
  હળવુંફૂલ   હૈયું    હરખાતું   તર્યું    જાય

  સરળ મસ્ત મધુ હાસ્ય પળમાં  વિલાય
  સ્વાર્થ મોહ દ્વેષનો પથ્થર ત્યાં પડ્યો, હાય!

  અમી રસ  અટક્યો   ને   ફૂલડાં  કરમાય
   સંકુચિત   વાસનામાં    વૈભવ  શરમાય

   ગહન જ્ઞાન  નિદિધ્યાસ ગુરુકૃપા  થાય
   કપટ ક્લેશ પ્હાણ  પૂરા  જોશથી ફેંકાય

   અમોલ ત્યારે  સૃષ્ટિની  વૃષ્ટિ   વરતાય
   હળવુંફૂલ    હૈયું     માનવનું   મલકાય

                                                         નિદિધ્યાસ=સતત ચિંતન

 

 



Powered By Indic IME