અનુતાપ
અનુતાપ ને ઉપાલંભ
સપ્તપદીની વેદી ઝળહળ તું ત્યાં ફેરા ફરતો,
નવજીવનની વચન ઉક્તિઓ કો’ની સાથે કરતો.
સાક્ષી થઈને, અહીંયા બેસી, આપુ મૂંગા વચનો,
શબ્દહીન પડઘા હૈયાના, કેમ નથી સાંભળતો?
હજીય ગુંજે દ્વાર ટકોરા, પ્રીત તણા ભણકારા,
હાથ હથેળી દિલ લાવેલો, સ્વપ્નાના અણસારા.
અરમાનોના અમી છાંટણાં, ક્ષુબ્ધ બની મેં ઠેલ્યાં,
જતો જોઈ ના રોક્યો પ્રેમે, અધરો મેં ના ખોલ્યા.
સાત સાત પગલાંઓ સાથે દૂર દૂર તું જાયે,
ભરી સભામાં આજે મારી રુહમાં ગહન સમાયે.
અડછડતી તુજ નજર ફરીને ક્ષણભર તો રોકાયે,
પસ્તાવાના ખંજન પર અંગત ગંઠન બંધાયે.
મંગલમય આ મહેરામણમાં એકલવાયું લાગે,
હીબકા ભરતું મનડું મારું, તારી સંગત માંગે.
———
એક વખત દિલ હથેળીમાં લઈને આવેલા પ્રેમીને પાછો વાળેલો.
તેના લગ્નમાં શાક્ષી બની પસ્તાવો કરતી પ્રેમિકા.
અનુતાપ=પસ્તાવો ઉપાલંભ=ફરિયાદ