નિર્મળતા
નિર્મળતા
ઝંખનાના તેજમાં જાગેલું પંખીડું,
મમતાના માળામાં ક્યારે સપડાયું!
આશા પતંગાની આસપાસ ઉડતું,
ચંચળ ચતુર એવું ચિત્ત ભોળવાયું.
સાત્વિક આનંદ ને ઉલ્લાસે આવર્યું,
આંખોની આરતીની રોશનીમાં ઊજર્યું,
અસીમ અગોચર ને અંતર વિહારમાં
કિરણોની કોરપર ભોળું હિલોળ્યું
ભૂલથી એ વાદળના સાળુમાં ખોવાયું,
ઘેરા ઘુમરાવામાં અંધારે લોભાયું
લાલચના પાણીમાં ભાવે ભીંજાયું
પછી,ખારા સમંદરના પટમાં પટકાયું
જ્યારે એને સાંભર્યું કે ક્યાંથી એ આવ્યું’તું
ચાંચ મહીં ચાંચ અમી અન્ન કેવું ભાવ્યું’તું
નિઃસીમ આકાશે ફરી મુક્તિથી ઊડવાને
આતમ કમાન, મનો તીર, લક્ષ સંધાયું
——
નિર્મળ મન, સંસારના ગહેરા રંગોમાં હોંશેથી અટવાય, ભટકે.
અને ફરી જ્યારે એ નિર્મળ-બાળકમનને પ્રસ્થાપિત કરી શકે,
ત્યારે અંતરઆત્મા સાથે જોડાઇ મુક્તિનો અનુભવ કરી શકે.
devikadhruva said,
December 10, 2015 @ 1:23 am
Very good,Saryuben…