પ્રેરણા
પ્રેરણા
તું આવી, ને રૂહમાં સમાણી,
એક કમનીય કવિતા લખાણી.
મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી,
હું ઊઠું, તો કેમ ઊઠું?
નવા કાગળ કલમ મેં વસાવ્યાં,
એને મધુરા કવનથી સજાવ્યાં.
એ કોરા કાગળિયાની સ્યાહીને,
હું ભૂંસુ, તો કેમ ભૂંસુ?
મારા હૈયાના તારને હલાવી,
એમાં ગણગણતાં ગુંજન મિલાવી.
એ મનગમતાં ગોપિત ગાણાને,
હું વારું, તો કેમ વારું?
સમીર સ્પર્શ્યો ને ગુલમહોર મ્હોર્યો,
ઝુલો હાલ્યો ને પાલવડો લહેર્યો.
હવે જગને જઈ હું શું રે જણાવું,
હું બોલું, તો શું બોલું?
હું આગળ આગળ જાવું હાલી,
સાદ આવ્યોને ફરીને હું મ્હાલી.
સખા શબ્દોએ લાગણી પિછાણી,
હવે રૂઠું, તો કેમ રૂઠું?
——-
Inspiration-પ્રેરણા આવે અને કવિતા લખાઈ જાય, મનના મુશાયરામાં ખોવાઈ જવાય.પછી તેને રોકવાની કેમ અને કઈ રીતે તેની વિમાસણ. જેમકે પ્રેમમાં પડવું એ સહજ છે, તેના પર જોર નથી ચાલતું. તેમ સર્જન કાર્યને રોકવાનું જોર નથી ચાલતું. મીઠી રકજક ચાલે છે.
સર્જનનો આનંદ ફરી ફરીને સ્પર્શ કરી જાય છે.