ઊર્મિલ સંચાર
ઊર્મિલ સંચાર
આવી એક ચિઠ્ઠી, મેં મોતીએ વધાવી,
લીટીના લખાણે મેં આરસી મઢાવી.
જત કાગળ લઈ લખવાને બેઠી,
મારી યાદોને અક્ષરમાં ગોઠવી.
ભોળી અવનીને સાગરની રાહ,
લહેર આવે, આવે ને ફરી જાય.
પરી મહેલમાં એકલી હું બેઠી,
મારી યાદોને રેતીમાં ગોઠવી.
મારી ધડકનને પગરવની જાણ,
નહીં ઉથાપે એ મીઠેરી આણ.
કૂંણા કાળજામાં હઠ લઈને બેઠી,
મારી યાદોને નયણામાં ગોઠવી.
સૂના સરવરમાં ઊર્મિલ સંચાર,
કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
ખર્યા ફૂલોને લઈને હું બેઠી,
મારી યાદોને વેણીમાં ગોઠવી.
મારા કેશ તારા હાથની કુમાશ,
ઝીણી આછેરી ટીલડીની આશ.
શુભ સ્વસ્તિક ને કંકુ લઈ બેઠી,
મારી યાદોને આરતીમાં ગોઠવી.
——