મરજી
painting by Dilip Parikh
મરજી
મારી મરજી
આવે મદમાતી મારા સપનાની રાણી
માને કહેલું મારી લાગણીઓ જાણી
હાથ જ્યારે માંગુ તે ઉમંગે આપતી
સાથ જ્યારે ચાહું, સંગાથે ચાલતી
દીવાના તેજ સમી ઓરડો ઉજાળતી
હૈયુ મીલાવી મારી આરતી ઉતારતી
ફૂલોનો હીંચકો ને પાપણ પલકારતી
તીરછી નજરથી એ મુજને ઝૂલાવતી
ચોતરફ તારલા ને ઝરમરતી ચાંદની
મંજુલ મધુર વાત રૂમઝૂમતી રાતની
મેઘધનુષ રંગોના મનરથનો સારથી
હોંશે બિરાજે મારી મોહિની માનથી
કલ્પનાની કેડીએ મનમોજે મ્હાલું
કોઈ નહીં રકજક, મારું ધાર્યું કરાવું
મનગમતી વાર્તામાં, મનહરતી નારી
હકીકતની છોરીથી સાવ જ એ ન્યારી
———
તેણીની મરજી
મારી કલમ અને કલ્પનાની સ્યાહી
મારી મરજી પેઠે ચાલે કહાણી
વાંસળી વગાડી મને પ્રિયતમ બોલાવે
જો હું ના માનું મને અવનવ મનાવે
લલિત લતા ઝૂલે હળવે હિંચોળે
માધુરી માળા મારા કેશમાં પરોવે
મારી કલાને એ હરદમ વખાણે
થોડું કરું તોયે બહુ કર્યું માને
મુજને શું ગમશે તે વણબોલે જાણે
આપે અચંભો મને રુચતું લઈ આણે
મારા એક આંસુની કિંમત પિછાણે
મીઠું હસીને વળી માફી એ માગે
સપનાનો સાયબો મિતભાષી પ્યારો
હકિકતના છોરાથી સાવ જ એ ન્યારો
———-
આપણી કલ્પના પ્રમાણે વાર્તાના પાત્રો ઢાળી શકીએ, ભલે હકિકતમાં એ શક્ય ન બનતુ હોય. આમાં ફરિયાદ નથી પણ મૌલિકતાનો આનંદ છે.
 Posted in
Posted in 

 
					
Devika Dhruva said,
June 6, 2015 @ 7:48 pm
સપનાનો સાયબો મિતભાષી પ્યારો
હકિકતના છોરાથી સાવ જ એ ન્યારો…
True!!!