સલૂણી સાંજ
સલૂણી સાંજ
ક્ષિતિજ રેખાની કોરે બારણાં દેખાય છે આજે,
સખી! સાજન મળે એ ધારણાં દેખાય છે આજે.
તરસતા તૂર્ણને સિંચ્યાં નશીલા ઓસથી લાજે,
સુગંધી યાદ પુષ્પો ત્યારનાં દેખાય છે આજે.
હ્રદયના સૂર પ્રીતમ પ્રેમ અધ્યાહારમાં સાજે,
થયા સંધાન, તૂટ્યા તારના દેખાય છે આજે.
પતંગી આશને દોરી મળી’તી સૈરને કાજે,
ધરાના રંગ ઝાંખા ક્યારના દેખાય છે આજે.
સમી સંધ્યાય શોધે તારલાના તેજને રાજે,
નવા નક્ષત્ર ઉત્સુક ન્યાળતાં દેખાય છે આજે.
સલૂણી સાંજ દે દસ્તક, ને વિનવે રાતને નાજે,
અઢેલા દ્વાર, દીવા પ્યારના દેખાય છે આજે.
——–
સલૂણી=રંગીલી. તૂર્ણ=કમળ ઓસ=ઝાકળ