અનંત
અનંત
મનોમંદિરમાં આતુર એકાંત,
દઈ દસ્તક તું જાણ કરી દે.
રીસે અંતર રૂંધાયેલા શ્વાસ,
એક પળમાં તું પ્રાણ ભરી દે.
અકળ પીડાને પંપાળી આજ,
કૂણી લાગણીથી સ્પર્શ કરી લે.
દૂર દેતાં અતિતને વિદાય,
મારા અશ્રુમાં આશ ભરી દે.
આ બાવરીને આવરીને આજ,
એક પ્રણમાં તું પ્રેમ કરી લે.
એક કસબીની કમનીય કળાથી,
મારા જીવનમાં રંગ ભરી દે.
વિશ્વ મારું ઘેરાયું આ બાંહમાં,
ઋજુ આલિંગન આહ ભરી દે.
હું ચાતક, મીટ માંડી આકાશ,
એક બુંદમાં અનંત ભરી દે.