ભીતર સફર
ભીતર સફર
મન સરોવર પર ખરતાં રે પાન પછી પાન,
તન તમરાના તાન સમા ગાન પછી ગાન.
તર સપાટી પર હલચલ, ના પલભર વિશ્રામ,
ક્લેશ કલબલ કોલાહલ, ના પલનો વિરામ.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..
છલક છોળની લહેર, રહે ખસતી પલપલ,
દડે પરપોટો થઈ, ચપળ અસ્થાયી જલ.
વિપુલ મોજાને બાથ ભરી, તરસુ વિફલ,
વ્યર્થ વ્યાકુળ, કાબુ કરવા અસ્થીર જલથલ.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..
સહજ સ્નેહ જ્ઞાન ભાવનાનો દોરો વણી,
દિલ દહેરે લપેટી ગહન સિંધુમાં સરી.
નીરવ નાદ, તપ્ત તેજ, તિમિર હેતે હરી,
વહે ચેતનામાં શાંત સુખ શર્વરી ફરી.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર….
ભલે એ જ પરિતાપ વ્યસ્ત વ્યાકુળ સંસાર,
અલ અનુભવ આશ્લેષ, થાય આનંદ સંચાર.
ચાલ મન મારા, મધ્યબિંદુ ભણી કર સફર,
હવે ચક્રના ચઢાવ ને ઉતારમાં હું દર અફર.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..