જીવન – મૃત્યુ
રૂઠતી પળોને સમેટતી હું શ્વાસમાં,
દુખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘુઘવતા સાગરમાં નાનીશી નાવમાં,
હળવા હલેસાથી હામ ધરી બેઠી છું.
ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં,
રજકણ બની અંક આકાશે ઊઠી છું.
અંજળના આંસુથી આંખોની આહમાં,
કરુણાનું કાજળ લગાવીને બેઠી છું.
ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને શણગારીને બેઠી છું.
સરી રહ્યો સથવારો મમતાના મેળામાં
આજે અજાણી, પરાઈ બની બેઠી છું.
જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પીંજર થઈ બેઠી છું.
————-