હવે ના અધૂરી
હવે ના અધૂરી
નીલ સરિતાના ખળખળતા નીર,
લોઢ ઊમટે ને ઓસરે અધીર.
ચાહું ભીંજાવું, રહી તોય કોરી,
જરી પગને ઝબોળી પાછી ફરી.
પહેલી પ્રીતનો ઝીણેરો ઉજાસ,
કિરણ કમનીય કામિની ઉલ્લાસ.
ઝૂકી ઝાકળ ઝીલીને હસી જરી,
કળી ખીલી ના ખીલી મુષિત રહી.
એની વાંસળીના સૂરના સવાલ,
મનન મંજુલ પણ મૂક રે જવાબ.
એની તાનમાં તણાઈ ક્યાંય દોડી,
જરા જઈને આઘેરી, પાછી ફરી.
સજલ વર્ષા વંટોળની વચાળ,
બની વીજળી, નહીં રોકી રોકાય,
દ્યુત ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,
આજ સંપૂરણ સુરખી રસ રોળ.
——
મુષિત=વંચિત, સુરખી=લાગણી