સમયની બલિહારી
સમયની બલિહારી
ખર્યું ફૂલ ‘ગઈ’ કાલ, બંધ કળી ‘આવ’કાલ,
પૂર્ણ ખીલ્યા ખરા ‘આજ’ની તુંસુરખી નિહાળ.
મળ્યો દેહ નવ નકોર, લેને તું હસ્ત દોર,
વહ્યો પ્રેમ ઝરો જાય, ભીંજવ હૈયાની કોર.
વચન વાત, તન વિહાર,અદ્રશ મનના વિચાર,
મનુષ્ય જાય મૂકી છાપ, આપ કર્મના ચિતાર.
ભ્રમર ભમે ફૂલ ફૂલ, ફળે ગુપ્ત ગહન અંશ,
જીવન અલ્પ બને કલ્પ, અંજળ લંબાવે વંશ.
કાળચક્ર ગતિમાન, ફરે ચરખા સમાન,
અર આગિયાના તેજ સમું આળું અભિમાન.
ઉર અંધારા માંય સ્વપ્નસાર જીવન જાય,
જાગ, જાગૃત જ્વલંત સમય ધ્યાનમાં જિવાય.
——-