તક કે તકલીફ
તક કે તકલીફ
આજે મળ્યાની તક મળી, તકલીફ ના ગણો.
જત વાત છે વીત્યાની, વતેસર નહીં ગણો.
દાવત અમે દીધી’તી, આવીને ઊભા આપ,
સ્હેજે કરેલા પ્યારને, પર્યાય નહીં ગણો.
હૈયે ધરીને હામ લીધો હાથ હાથમાં,
ખબર હતી આ હેતને, સગપણ નહીં ગણો.
માનો તો ફરી આજ સજુ પ્રેમ પુષ્પમાળ,
ભૂલમાં ઝર્યાં કુસુમને, ઝખમ નહીં ગણો.
સર્યો એ હાથ મખમલી, આભાસ અન્યનો,
દિલની ભીનાશ ઝરઝરે, ઝરમર નહીં ગણો.
ચાલ્યા તમે વિદાર, અભિનવનાં રાગમાં,
પલકોના જલ ચિરાગને, જલન નહીં ગણો.
———
વિદાર=તોડીને વહેવું