એક પારેવું યાદ આવે
એક પારેવું યાદ આવે
એક ડાળીને ઝૂલે કેટલાય પંખીડા, ચૈતરમાં ચહેક્યા વનરાઈમાં.
વાદળના ફાલમાં દેખું સંતાતુ, મને એક જ પારેવું યાદ આવે.
ઘુઘવતા સાગરની લહેરો વચાળે, એક આવી મારા ઉરને પખાળે,
જોજનની જાળ લે મોજાની થાપ, મને એક જ લહરીયું યાદ આવે.
દફતર પાટીની સાથ દોડાદોડી ને વળી ભઈલાની ગરવી દમદાટી,
પોતીકા પ્યારથી પસરાવે હાથ, પીઠે ફરતો એ એક હાથ યાદ આવે.
સરખી સહિયરના સોણા સંગાથમાં, સંતાકૂકડીના શહેરમાં,
અર્ધા એ વેણમાં સમજી લે સાનમાં, એવી સખી એક યાદ આવે.
શ્રાવણીના મેળામાં ટીખળ ને ટોળમાં નયણાઓ સપના સંવારે,
મારા આ ગાલ જરી આજે લજાય મને એક એ ઈશારો યાદ આવે.
આવકાર આલિંગન ઘડીના મેળાપ, કળી હસતી ને રડતી વિદાયે,
વીતેલી વાતના ખુશનમ ખાલિપામાં એક અશ્રુબિંદુ યાદ આવે,
તારા ભરપૂર પેલી ગંગા આકાશ, એવી યાદો ભરપૂર ઝિંદગાની,
ખરતા તારા સમી, ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને ઉજાળે.
——–