વસંતના ફૂલ
વસંતના ફૂલ
જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા.
અમેરિકાના રહેવાસના ત્રીજા દસકામાં, વ્યવસાયના કારણો અમને હ્યુસ્ટન, ટેક્સાસમાં લઈ આવ્યા હતા. નવી જગ્યામાં સામાજીક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા સાથે, પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવાના આશયથી, એમના ટ્રેઈનીંગ ક્લાસમાં ગયેલી. શનીવારે આખ દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે મેલીંગ નામની બહેન મળતાવડી લાગી અને મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. રોબીન ખુબ ગોરી, માંજરી આંખોવાળી અને મીઠા સ્મિતવાળી અમેરિકન હતી, જેણે અડતાલીશ વર્ષની ઉંમરે ટીચર બનવાનુ સ્વપ્ન પુરૂ કર્યુ હતુ અને નોકરીની રાહમાં હતી. મેલીંગ નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની કેનેડાની હતી પણ વર્ષોથી અમેરિકામાં એન્જીનીઅર પતિ અને બે દીકરીઓ સાથે વસતી હતી. માર્ગરેટ અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી.
મેં મારૂ શાકાહારી ભોજન શરૂ કરતાં જ એની સુગંધ અને મસાલા વિષે અને ભારતિય ખાણુ ભાવે, વગેરે વાતો થવા માંડી. મેં બટેટા વડા ચાખવા માટે આપ્યા. એ ટેબલ પર અમે જુના ઓળખીતા હોઈએ એવી સહજતાથી વાતોએ વળગ્યા. મેં એમજ હળવાશથી સૂચવ્યું કે આવતા અઠવાડિયે મારે ઘેર લંચ સમયે ભેગા થઈએ! અને મારા આશ્ચર્ય વચ્ચે એ લોકો તૈયાર થઈ ગયા અને અમે એક બીજાના ફોન નંબર વગેરે લઈ લીધા.
આમ સાવ અજાણ્યાની સાથે લંચ કેમ થશે એ બાબત ઉત્કંઠા હતી. દરેક જણ એક વસ્તુ બનાવીને લાવવાના હતા. મને શંકા હતી કે ઓછુ બોલતી જીની આવશે કે નહીં! પણ પહેલી એ જ આવી, ને પછી રોબીન, માર્ગરેટ અને મેલીંગ પણ સમયસર આવી ગયા. વાતોનો દોર બરાબર જામ્યો. માર્ગરેટના પતિ પણ એન્જીનીઅર હતા. માર્ગરેટ ફીજી પાસે ટાસ્મેનીઆ નામના ટાપુ પર ઊછરેલ. મેલીંગ પનામાની હતી અને એના અમેરિકન પતિ ચર્ચના પાદરી હતાં. અમે પાંચે કોલેજ સુધીનો અભ્યાસ કરેલા, સફળ કારકિર્દીવાળા પતિ સાથે અનેક સ્થળોએ રહેલા અને દરેક લગભગ ચાલીશ વર્ષના લગ્નજીવનમાં સુખી બહેનોનો, અણધારી જગ્યાએ, જાણે અનાયાસ મેળ પડી ગયો. છુટા પડતા પહેલા અમે પોતાની ડાયરી કાઢી, આવતા મહિને કોને ત્યાં મળશુ એ નક્કી કરી લીધુ.
પછી તો દર મહિને, મળવાનુ, સાથે સાહિત્ય, કલા અને ફીલોસોફીકલ ચર્ચાઓ તેમજ વ્યક્તિગત વાતો કરવાનો મહાવરો થઈ ગયો. અમે પહેલેથી શું બનાવી લાવવું એ નક્કી ન કરતા તો પણ બધુ વ્યવસ્થિત થઈ પડતુ. મોટો ફેરફાર એ થયો કે ભાગ્યે જ કોઈ અશાકાહારી વસ્તુ ટેબલ પર સામેલ થઈ હોય, જો કે મારા તરફથી કોઈ અણગમો કે આગ્રહ નહોતો. અમારા પાંચે જણાના પતિઓ સાથે સાંજના ખાણા માટે પણ ક્યારેક ભેગા થતાં. આમ વિવિધ સંસ્કારિતાને ચાખવાનો, એમના કુટુંબના સભ્યો સાથે ક્રિસમસ, ઈસ્ટર કે દિવાળી ઉજવવાનો અવસર મળતો.
જે સાવ અશક્ય લાગતી હતી એવી, જીની અને મારી વચ્ચેની મિત્રતા સમય સાથે દ્રઢ બનતી ગઈ. એમના પતિ છપ્પન વર્ષે નિવૃત્ત થઈ ગયા પણ એનો આનંદ મળે એ પહેલા તો એમને પ્રોસ્ટેટ કેન્સરનુ નિદાન થયું. આ એટલી આઘાતજનક વાત જીની મારી સાથે કરી જીવનમાં આવેલ ઉથલપાથલમાં સમતોલન રાખવા પ્રયત્ન કરતી. અમારી પાંચેની હાજરીમાં એ સમાચાર કહેવાની હિંમત આવતા બે વર્ષ નીકળી ગયા હતા. જીની પાસેથી હું ગુંથતા અને સારૂ શીવણકામ શીખી. પાંચે જણાનુ ભેગા થવાનુ અનિયમિત થતું ગયું પણ હું અને જીની મહિને એકાદ વખત કોઈ પણ આગળથી યોજના બનાવ્યા વગર થોડા કલાકો બહાર નીકળી પડતા. પતિની માંદગીને કારણે, જીની માટે થોડા કલાકો ઘરની બહાર નીકળી જવાનુ જરૂરી બની ગયું હતું.
રોબીનના પિતા ભારતમાં થોડો સમય રહેલા. એમના શીખેલા શબ્દો, “જલ્દી જલ્દી કે, ક્યા દામ હૈ?” એવા પ્રયોગો રસ પૂર્વક કરી એ પોતાના અનુભવો અમારી સાથે વાગોળતા. રોબીન અને એમના પતિને ધાર્મિક અને સેવા કાર્યો સાથે કરવામાં ઘણી મીઠી સંવાદિતા હતી. રોબીન એના ચર્ચમાં બહેનોના ગ્રુપની પ્રમુખ હતી. દર વર્ષે અમે પાંચે બેનપણીઓ એના સમારંભમાં આગળના ટેબલ પર, મુખ્ય મહેમાન સાથે માનથી ગોઠવાતા. એક દિવસ ખાસ યાદ છે…એ સમયે હું વિવિધ કારણોને લઈ ચિંતિત રહેતી. એમા એક વક્તાએ કહ્યું કે, “હું હંમેશા ઈશુની સામે જઈને અમારા ભવિષ્યની “શું યોજના છે?” એવો સવાલ કરતી. પણ મનમાં જાગૃતિ થતાં મેં ભગવાનની પાછળ ચાલી એની યોજના સ્વીકારવાની શરૂ કરી.” આ સામાન્ય વાતની મારા દિલ પર સચોટ અસર થયેલી અને ત્યાર પછી ચિંતા વગર, પ્રમાણિક યત્ન કરવાનો અને જે મળે તેનો સહજ સ્વીકાર કરવાનો, એ મારો જીવનમંત્ર બન્યો.
મેલીંગની જેવી મીઠી જ્હિવા હતી એવું જ વિશાળ દિલ હતું. અમારા દસેક વર્ષના સહવાસમાં મેં એને ક્યારેય કોઈ વ્યક્તિ વિષે અણગમો બતાવતા નથી સાંભળી. એમના પતિ જે ચર્ચમાં પાદરી હતા તે જ ચર્ચમાં મેલીંગ મોટી સંખ્યામાં મોટી ઉંમરના બહેનો અને ભાઈઓને અંગ્રેજી ભણાવવાનું સેવા કાર્ય કરતી. પોતાના માત-પિતા અને કુટુંબને અનન્ય સન્માન અને સ્નેહથી સિંચતી જોવી એ લ્હાવો હતો. એના યુવાન પુત્રને રમતા થયેલ ઈજા વખતે અમે બધા એની સાથે પ્રાર્થનામાં જોડાયા અને મહિનાઓ સુધી એના મનોબળનો આધાર બની રહ્યા. હજી સુધી મારા જન્મદિવસે હું સામેથી એની શુભેચ્છા મેળવવા ફોન કરૂં છું.
માર્ગરેટ તાસ્મેનિઆથી દુનિયાના આ બીજે છેડે આવીને વસી હતી પણ એનું દિલ તો એની પ્યારી જન્મભૂમિમાં જ રહેતુ. એના પતિ ઘણીં સારી નોકરી કરતા હતા તેથી એમના મોટા બંગલામાં ઘણી વખત બપોરના જમણ માટે અને કેટલીક સાંજ અમારા પતિ સાથે ઘણી વૈભવશાળી બની રહેતી. માર્ગરેટ એના ચર્ચમાં પ્રાર્થના મંડળમાં નિયમિત ગાતી અને ઘેર કલાત્મક ભરતકામ કરતી.
મને સાહિત્યમાં રસ તેથી હું એનો રસાસ્વાદ કરાવતી રહેતી. અમે ભગવત ગીતા, ઓશો અને બીજા હિંદુ ગ્રંથો સાથે બાઈબલ અને કુરાન વિષે પણ રસપૂર્વક ચર્ચા કરતાં. મારા સ્વભાવ અનુસાર બધાને સ્નેહતંતુથી બાંધી રાખવાની જવાબદારી મેં સહજ રીતે અપનાવી લીધેલી.
એ વર્ષે મારી બીજી વસંત ૠતુ ટેક્સાસમાં હતી. કુદરતના ખોળે રંગીન ફૂલો છવાયેલા હતા. એની પુરબહાર મૌલિકતા મ્હાણવા અમે એક દિવસ વહેલી સવારે નીકળી ગયા. જીનીમાં
ક્યાં અને કઈ રીતે જવાની આગવી સમજને કારણે મોટે ભાગે એ જ કાર ચલાવતી. બ્લુ બોનેટ્સ મધ્યમા અને ચારે તરફ સફેદ, લાલ અને પીળા રંગના સાથીયા જોઈને દિલ તરબતર થઈ ગયું. બપોરના સમયે જમણ માટે એક ઘરમાં દાખલ થયાં. રસોઈબેઠકમાં લાંબા બાંકડાઓ ગોઠવેલા હતાં, જ્યાં ટેક્સાસના કહેવાય છે એવા બે કાવબોય બેઠેલા. એમની પાસે અમે પાંચે સામસામા ગોઠવાયા. એ અજાણ્યા ભાઈઓ સાથે મેલીંગ અને રોબીન મીઠાશથી વાતો કરવા લાગ્યા. અમે પાંચે સેવાભાવથી કામ કરતી સંસ્થામાં જોડાયેલા હતા અને એ રીતે મિત્રો બન્યા છીએ, એ વાત પણ નીકળી. જૂની ઓળખાણ હોય એમ વાતો ચાલી. જમવાનુ આવ્યુ અને પછી ચેરીપાઈ પણ મંગાવવાની વાત અમે કરી રહ્યા હતા.
બન્ને ભાઈઓનુ જમણ પુરુ થતા પ્રેમપૂર્વક ટેક્સન સ્ટાઈલથી આવજો કરીને બહાર બીલ આપવા ઉભેલા જોયા અને પછી દૂરથી સલામ કરી જતા રહ્યા.
થોડી વારમાં વેઈટ્રેસ બહેન આવીને પુછે કે, “ગળ્યામાં કઈ પાઈ તમારે લેવાની છે?”
અમને નવાઈ લાગી, “તમને કેવી રીતે ખબર કે અમારે પાઈ જોઈએ?”
“પેલા બે સજ્જનો તમારૂ, પાઈ સહિત, પુરૂ બીલ ભરીને ગયા છે.”
વાહ! અમને ટેક્સન મહેમાનગતીનો અવનવો અનુભવ થયો. અમારા ધન્યવાદની પણ અપેક્ષા રાખ્યા વગર એ બન્ને ચાલ્યા ગયા.
સદભાવનાની સુવાસ જાણ્યે અજાણ્યે દિલથી દિલને સ્પર્શી પ્રસરતી રહેતી આમ અનેક પ્રસંગે અનુભવી છે. અમેરિકા આવી ત્યારે કોઈક લોકો એવું કહેતા કે તમને આ પરદેશીઓ સાથે મિત્રાચારી થાય પણ મિત્રતા નહીં. મારા અનુભવમાં એવું વિધાન પાયા વગરનું સાબિત થયું છે. અમુક મિત્રો સાથે છેલ્લા પાંત્રિસેક વર્ષોથી ગહેરી દોસ્તી રહી છે. એક વાત યાદ આવે છે કે એક આગંતુક ગામના મુખિયાને પુછે છે, “આ ગામમાં કેવા લોકો છે?” મુખી પુછે, “ભાઈ, તું આવ્યો એ ગામમાં કેવા લોકો હતાં?”
વસંતના ફૂલોના વિવિધ રંગો આ ધરતીને, અને મિત્રતાની સંવાદિતામાં હસતાં ચહેરાઓ જીવનને, વૈભવશાળી બનાવે છે.
——————-