અધૂરો મેળાપ
અધૂરો મેળાપ
સમદરના ખેલથી ઉભરતી રેત,
ધીમે હેત ભરી ઢળતી એકાંતમાં.
નયણાંની નાવમાં ચાલી લહેર,
આજ મળવા નીલમને નિતાંતમાં.
દ્વારે ટકોર ને દિલમાં ધબકાર,
મળે મેઘધનુ અવની દિગંતમાં.
ઘેરા તરંગ તરી જાગેલા સ્વપ્ન,
રહ્યા અચકાતા સ્પંદન એકાંતમાં.
કાળજાની કોરમાં હૈયુ છુપાવ્યું,
પણ ઓષ્ઠોની કળી હસી અંતમાં.
આંખોથી આંખની હલચલ સંકેતમાં,
ને ગુફતેગો અંતર એકાંતમાં.
વ્હેણને વિખેરતી પંકિત પરંપરા,
ને સૂનમૂન સિસકારા નિશાંતમાં.
પવન દીયે દોટ, તુટે રેતીનો મ્હેલ,
ઝૂરે દિવો કહીં ઓજલ એકાંતમાં.
——-