આશાની કાણી કટોરી
આશાની કાણી કટોરી
મળતા પહેલાનો મદાર, ધરે આશાની કાણી કટોરી,
ખોળો ભર્યો રે તોય ખાલી, આ મનનો ભીખારી.
આવ્યો અતિથિ બની બારણે, ઉત્સુક ને વિહ્વળ સંવાદી,
આઠના અભરખા ઉર અંતરે, ચાર મળ્યે રાળે ફરિયાદી.
મારા તારાની ખરી ખેંચતાણ, મોહભરી માયા પટારી,
સુખ દુઃખ ઊભા રે મીટ માંડી, ચડી આશા અટારી.
પ્રાર્થના પ્રદક્ષિણા ઉતાવળે, બાધી દે માંગણીની દોરી,
દેખા દેખીના દેખાવે, જો જોઈ જલે નજરૂં અદેખી.
આશા-અપેક્ષા ઉત્પાત કરે નૃત્ય, મત્ત મરજી મદારી,
સંકલ્પ-સંતોષ સત્ સંગી, ધીર ગંભીર બિરાદરી.
અર્ધો ખાલી જેનો કુંભ, એના સૂનકારે સૂકા રે વન,
આનંદે છલ છલ અર્ધો ભર્યો, એના હો મબલખ જીવન.
——–
આપણા અપેક્ષાના માયા માળામાં આપવામાં આવતી વસ્તુઓથી આનંદ-સંતોષ મળતા નથી, મળે તો ટકતા નથી.
અર્ધા ખાલી પણા પર ધ્યાન અટવાયેલું રહે છે.