અતિ અવળા
પ્રતિકૂળ
અંગત ઉરનાં ઉપવનમાં કો શુષ્ક ગોખરૂ આવે
ફૂલ ગુચ્છમાં શૂલ કંટક થઈ સંતાપે સતાવે
અઘરાં ને અળગાને બાંધી પ્રેમ સૂતરથી રક્ષા
અતિ અવળાને આપી પ્રભુજી લેતા જબરી પરીક્ષા
આજ લગી દિલ એકએકને સરળ સ્વભાવે ચાહે
ગણિત ગૂંચને મુકે વિધાત્રી ખાસ આપણી રાહે
અપમાનોના તીર અહંમની આરપાર સોંસરવા
નર્યા નીતરતાં આંસુ ઝરતાં સ્નેહ ઝરણ ઓસરતા
પાત્ર પાત્રનો પરિચય સાચો કરાવતાં નિર્માતા
અનુભવ આરે ઉત્તીર્ણ થઈને પામી સાંત્વન શાતા
રીસ અબોલા દિવાલ તડથી મંદ સમીર વિહરતા
કાંટા ધીરે ફૂલ સુવાસે તીર તીક્ષ્ણતા ભૂલતાં
—————-