પૂર્ણવિરામ
પૂર્ણવિરામ
ધકધક ધડકે દિલ, ઉમટતી અક્ષરમાં અધીરતા,
ફરતા પાને અરે, અધૂરી વાર્તાની ઉત્સુકતા!
પાંખડીઓ વિખરાય, વળગતી મૃદુ મંદ લોલુપતા,
સંગ સમીર સુગંધ ખીલાવે કળીઓની માદકતા!
પ્રથમ પ્રેમના અણસારે જો હસી ઊઠી આર્જવતા,
અર્ધ ચંદ્ર સા અર્ધ કળાએ ઓષ્ઠોની કોમળતા!
કહું કે નાકહું! વળવળતી આ અકળાવે વ્યાકુળતા,
કંઠ કેડીએ અટવાયેલા શબ્દોની વિહ્વળતા!
ટપટપ ઝરતા આંસુ ઝાલર, સૂની રાહ નીરવતા,
આશ ઝરૂખે અર્ધ ખુલેલા નયનોમાં આતુરતા!
સર્જનના સરવાણી ફોરાં અગમનિગમ ધસમસતા,
મંઝિલ સરોવર વારી મળતા સ્થિર સ્થગિત તરલતા!
પૂર્ણ ચન્દ્ર ને પૂર્ણ કર્મનો પૂર્ણાનંદ ઝલકતા,
પૂર્ણ થતા પૂસ્તકની પૂંઠે કવિની સૂની રસિકતા!
———-
અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો ઊત્સાહ પછી,
પુસ્તક પુરૂ થતાં થોડો સમય અનુભવાયેલી રૂક્ષતા.