બોલ સખી!
બોલ સખી!
બાળપણાની સહિયર હરદમ હેત પ્રીતની હેલી
વિના કારણે આજે બેઠી સૂનમૂન કેમ સહેલી!
અચરજ મારા મનમાં ચાલે અણઉકલી કો’ વાત!
અંતર કરતાં, મન અંતરના, અંતરાય આતાપ
બે કળીઓ ખીલતી દિલ ખોલી સંવેદનશીલ ડાળે
હસે રડે અમ આંસુ સાથે સાથે નયન હિંડોળે
મારી યાદે માતા જ્યારે અતિશય વ્યાકુળ થાતી
તારે ચહેરે ત્યારે એના મનમાં શાતા વળતી
નાની મોટી ખટમીઠ્ઠી પળપૂંજી સિલક મધુરી
દર્દ ભરેલી ગંભીર ગોષ્ઠિ તુજ વિણ રહે અધૂરી
તુટી રહ્યો જો મૈત્રી દોરો , દોડી એને ઝાલૂં
કે’, હળવે હળવે સરવા દઇ આવર્તન ગણી વિસારું?
———-