મંજુફઈ લેખિકાઃ સરયૂ પરીખ
અમારા કિશોર વયના છ–સાત પિત્રાઈઓમાં મંજુબેન કોઈના માસી, તો કોઈના ફોઈ હતાં. મારા પિતાના કાકાના દીકરી બહેન તેથી મારા એ મંજુફઈ. તેમનાં મોટીબેન મારા સગા મામી જેથી એમના બાળકોના એ મંજુમાસી હતાં. તેમનો સહવાસ મને બાળપણથી મળેલ કારણ કે મામાનું કુટુંબ ઘણા વર્ષો બહાર ગામ હોવાથી તેમના બંગલાના આગલા ભાગમાં મારા માતા–પિતા, ભાઈ અને મારા કરતાં સાત વર્ષ નાની બહેન, રહેતા હતા. અને એ જ બંગલાના પાછલા ભાગમાં મંજુફઈ અને તેની દીકરી, શાંતુ રહેતાં હતાં.
શ્યામ વાન, સજાવટ વગરનો ચહેરો અને સાદા સાડલામાં મને મંજુફઈ ગામઠી લાગતાં. મને સમજ આવી ત્યારથી સમજાયું કે મંજુફઈ વિધવા હતાં. મને ખ્યાલ નથી કે એમને વાંચતાં લખતાં આવડતું હતું કે નહીં. મારા બા સાથે મંજુફઈની સંકોચપૂર્વકની રીતભાત જોઈ મને નવાઈ લાગતી. મારા બા તેમની સાથે હંમેશા માનપૂર્વક વ્યવહાર કરતાં પણ બન્ને વચ્ચેનો માનસિક કક્ષાનો તફાવત દેખાઈ આવતો. એક દિવસ મંજુફઈને હેડમાસ્તરે એક કાગળ પર સહી કરાવવા અમારે ઘેર મોકલ્યાં હતાં ત્યારે મને ખબર પડી કે જે હાઈસ્કુલમાં મારા માતા શિક્ષક હતાં, ત્યાં ફોઈ પટાવાળા તરીકે નોકરી કરી પોતાનો અને શાંતુનો જીવનનિર્વાહ કરતાં હતાં.
મંજુફઈની શાંતુ મારા કરતા છ વર્ષે મોટી તેથી એ બહાર જતી હોય તો હું ઘણીવાર એની પાછળ પડતી. હું છએક વર્ષની હોઈશ અને એ દિવસે મંજુફઈ અમારા પૂર્વજના ગામ, કોટડા જતાં હતાં. શાંતુ બસસ્ટોપ સુધી જવાની હતી, તો હું પણ હારે થઈ.
“શ્રુતિ, હવે બસ ઊપડવાની તૈયારી છે. ચાલ આપણે ઘેર જવાનું છે.” શાંતુ બોલી. પણ મંજુફઈને બસમાં ચડતાં જોઈ મારું મન કાબુમા ન રહ્યું અને એમનો સાડલો પકડી હું બસમાં ચડી ગઈ.
“અરે! સવિ… રેવા દે. નીચે ઊતરી જા.” મંજુફઈ કહેતા રહ્યાં ને હું તો સીટ શોધીને બેસી ગઈ. મંજુફઈએ શાંતુને બારીએથી બૂમ પાડી કહ્યું, “ભાઈ–ભાભીને કે ‘જે કે ચિંતા નો કરે…” અને તેમની સાથે ખાડાખબડિયા રસ્તે જતી બસમાં અમારા ગામડે પંહોચી ગઈ. મારા મોટાકાકાના કુટુંબને ત્યાં મને સોંપીને મંજુફઈ પોતાના ભાઈને ઘેર ગયાં.
પહેલી વખત મને ગામડાની નવીનતા જોવા મળી. એ વખતે તો માટીની ભીંતોવાળા ઘર, આગળ મોટી ઓંસરી અને આંગણામાં બે ગાયોને નીરણ નાખવામાં હું અનેરો આનંદ અનુભવી રહી. કાકી કહેતાં રહ્યાં, “અરે, રહેવા દે…” પણ મેં તો તેમની દીકરી સાથે છાણા થાપીને દીવાલ પર ચાંપવાની મજાય લીધી. ઘણું ચાલીને સીમના કુવે પાણી ભરવા જવાનું. ખેતરને આરે કુવે કોશ ચાલે, બે બળદ આગળ પાછળ જાય અને પાણી બહાર ઠલવાતું જાય, રાત્રે અંધારામાં ફાનસ લઈ સાંકડી ગલીમાં થઈ મારા મોટાકાકાને ઘેરથી મંજુફઈના ભાઈને ઘેર જવાનું. અહા! બધું કેવું મજાનું લાગતું હતું! ત્રણ દિવસ પછી મારા બાપુ મારી ચીજો લઈને આવ્યા. મારા આગ્રહથી બે દિવસ વધુ રોકાઈને અમે ભાવનગર શહેર પાછા ફર્યા.
એ પછી ફરી એક વખત ગામડાની મુલાકાતથી મને સમજાયું કે મંજુફઈ કેવા વાતાવરણમાંથી શહેરમાં સુધરેલા સમાજમાં ગોઠવાવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. અને મારાં બા, જેમને મેં ભણેલાં–ગણેલાં, ખાદીના કપડા પહેરતા શિક્ષિકા તરિકે જોયાં, તે એક વખત ઘૂમટો તાણીને આવા ગામડામાં કઈ રીતે રહ્યાં હશે એનું તાદ્દશ તો નહીં પણ આછું ચિત્ર હું દોરી શકી.
એક જ બંગલામાં રહેતા હોવાથી મારો એક પગ ફોઈના ઘરમાં જ હોય. અને ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં તેઓ બપોરે ઘેર હોય કે ન હોય, અમે તો એમના ઓટલે રમતા હોઈએ. મંજુફઈ તૈયાર થઈ, ચંપલ પહેરી બહાર નીકળે અને મારી બેનપણી પૂછી લે કે, “માસી ક્યાં જાવ છો?”
“લે, ક્યાં–કારો કર્યો? મોડું થાય છે પણ બેહવું પડશે.” ચંપલ ઊતારી થોડીવાર બેસે.
“પણ કહો તો ખરા કે આ કપડું લઈને ક્યાં ચાલ્યાં?”
જરા નારાજગી સાથે જવાબ આપે, “ધૌપદીને ત્યાં.” મારી બેનપણી મારી સામે પ્રશ્નાર્થચિન્હ જેવું મોં કરી જોતા હું જવાબ આપું,
“દ્રૌપદી, પેલા શીવણકામ કરે છે એ બહેન.” અમે હાસ્ય છૂપાવતા પાંચિકા રમવા માંડીએ.
એ સારું કામ કરવા જતાં હોય અને છીંક ખાધી તો આવી બને.
“અટાણે છીંક ખાધી? કાઈં નહીં, બીજી છીંક ખાઈ લે એટલે અપશુકન નહીં થાય.” એમ સરળ ઉપાય બતાવી સારા પ્રસંગને અપશુકનથી બચાવી લેવાનો સંતોષ અનુભવે. બુધવારે બહારગામ ન જવાય અને જવું જ પડે તો આગલા દિવસે કોઈના ઘેર પસ્તાનું મુકી આવવાનું. એવી તો ઘણી માન્યાતાઓ એ શીખવાડતાં રહેતાં આવી વાતો મારી બાની પાસે દોહરાવું ત્યારે તે કહેતાં રહે કે, “આવી અંધશ્રધ્ધાની વાતો શું શીખી આવે છે? રજાઓમાં કાંઈક સારું શીખો.”
એકવાર ભાઈ અને તેના ભાઈબંધ, અમારા પાડોશીના છોકરાઓ સાથે મારામારી કરી પાછા ઘરમાં આવીને સંતાઈ ગયા. પાડોશી છોકરાઓના જોશીલા દાદી અમારે ઘેર હલ્લો લઈને આવ્યાં. વડીલોમાં મંજુફઈ હાજર હતાં તે ભાઈનું રક્ષણ કરવા આગળ ઊભાં રહ્યાં પણ ધક્કો વાગતા જરા પડી ગયા. મારા ભાઈ અને ભાઈબંધ પાછલી ગલીમાંથી છૂમંતર થઈ ગયા અને ત્યાર પછી અમારા ઘરમાંથી દુશ્મન ટોળું બડબડાટ કરતું જતું રહ્યું. પછી એ બનાવનું વર્ણન કરતાં મંજુફઈ કહેતાં, “અરે એવાં રાડ્યું પાડતા આવ્યા અને હું સામે ફરીને ઊભી રહી ગઈ પણ એ ડોશીએ મને પસાડી દીધી…”
મંજુફઈની અપભ્રંશીય ભાષાની મજા રોજબરોજ ચાલતી. જેમ કે, ‘પછાડી‘ ને ‘પસાડી‘ કહે. શ્રુતિનું સવિ તો ઠીક પણ સગાની છોકરીનું નામ “કૃતિકા” પડ્યું. તેને વાતવાતમાં ફોઈ “કુતરીકા“ બોલી દે ત્યારે અમે ખડખડાટ હસી પડતા.
શાંતુ મારા માટે ફેશનની આદર્શ. એ ટાપટીપ કરતી હોય તે હું જોયા કરું. એ દિવસે, ચૌદ વર્ષની શાંતુએ બજારમાં પોતે એકલી ખરીદી કરવા જાય તેવી જીદ કરી. મેં વચ્ચે મમરો મૂક્યો કે, “હું પણ સાથે જઈશ.” અંતે મંજુફઈ માન્યાં. હું શાંતુની સાથે બજાર જવા નીકળી. નોરતાના ઉમંગમા બંગડીઓ ખરીદી અને બીજે ચાંદલા ખરીદવા ગયા તેમા તેની દસ રુપિયાની નોટ વચ્ચે ક્યાંક પડી ગઈ. અરે, શાંતુના રઘવાટ સાથે અમે ચાર વખત એ રસ્તે ચક્કર માર્યા, પણ દસની નોટ ન મળી. અમે ઘેર આવી જાણ કરી . . . ને ધમાલ મચી ગઈ. મંજુફઈનો પિત્તો ગયો અને શાંતુને બે લપડાક લગાવી પણ પોતાનો બચાવ કરવાં શાંતુએ સામે હાથ ચલાવ્યા. આ જોયા પછી હું ભાગી.
બે ચાર દિવસ પછી શાંતુની બેનપણી સાથે અમે બોર વીણતાં હતાં. મને શું સૂજ્યું કે હું બોલી. “શાંતુ ખરીદી કરવા ગઈ ‘તી અને એના દસ રુપિયા ખોવાઈ ગ્યા. પછી તો ઘેર આવીને જે…”
“બસ, શુતીડી. હું કહું ને કે તારે ઘેર જે…?” શાંતુનો આક્રોશ જોઈ મારી બોલતી બંધ થઈ ગઈ. એ દિવસથી કોઈની ખાનગી વાત બહાર ઉગલવાની ચેષ્ટા નથી કરી.
આસપાસની ઘણી બહેનો મંજુફઈના ઓટલે આવીને કલાકો વાતો કરતી, પણ તેમાં મારા બા ભાગ્યેજ થોડીવાર વાત કરવા આવતા. બાકી તો એ કોઈ પુસ્તક લઈને વાંચતા હોય. લાગતું કે મંજુફઈ સાથે ખાસ કોઈ સમાન વિષય હતો નહીં.
મામાના કુટુંબને પોતાના બંગલામાં રહેવા આવવાની શક્યતાની વાતો આવી રહી હતી. અમારું ઘર બંધાઈ રહ્યું હતું. એ દરમ્યાન અમારા અંતરના ઊંડાણને હચમચાવી નાખતો બનાવ બન્યો. અમે ત્રણ ભાંડરડાંમાંથી સૌથી નાની, પાંચ વર્ષની બહેનનું એક દિવસની માંદગીમાં અવસાન થયું. મંજુફઈ બહેનની માંદગીના દિવસે, બહેનની પથારીની આસપાસ અને તેનાં અવસાન બાદ મારાં બાની પાસે જ હતાં. પછીના દિવસોમાં ઘરની ગહેરી ઉદાસી અને ખાસ કરીને સાંજના સમયે આરતી જાણે વેદના– ઘંટારવ વગાડતી હોય તેવું લાગતું. મંજુફઈ રોજ આવીને પહેલાં પથારી પાસે જઈ તાવમાં શાંત પડી રહેલ ભાઈના ખબર પૂછતાં ને પછી પગથીયા પર બેસતાં અને બા સાથે થોડી વાતો કરવા પ્રયત્ન કરતાં. માની સૂજેલી આંખો સામે જોઈને નજર વાળી ક્યાંક દૂર અવકાશમાં જોતાં બેસી રહેતાં.
ત્રણ-ચાર દિવસ થઈ ગયા. ખરખરો કરનાર આવતા બંધ થઈ ગયા પણ બાની આંખમાંથી ખરતાં આંસુ બંધ નહોતાં થતાં. મંજુફઈ રોજની જેમ આવીને બેઠાં. બહેનની વાત બાએ શરૂ કરી પણ આંસુના વહેણમાં વાત અટવાઈ ગઈ. હું રડમસ ચહેરે નજીકમાં રમતી એમની વાતો સાંભળી રહી હતી.
“ભાભી, બસ હવે, આંસુ લૂછો.” મજુફઈએ ગળગળા પણ મક્કમ અવાજે બાને કહ્યું, “તમારું દિલ પથ્થરનું કરી નાંખો.” જાણે બાને ધક્કો મારીને અમ ભાઈ–બહેન પ્રતિ જાગૃત કરી દીધાં.
મંજુફઈએ કહ્યું તે પ્રમાણે, બાએ પોતાના ફૂલેલાં પોપચા પરથી આંસુ લૂછ્યાં અને મારી સામે જોઈ પ્રયત્નપૂર્વક આછું સ્મિત કર્યું. એ દિવસ પછી, મારા દેખતા બાને ક્યારેક જ રડતાં જોયાં.
એક અભણ ફોઈની સમજણ અને સલાહ પોતાના અનુભવમાંથી ઉદ્ભવી હશે! મારાં ભણેલા–ગણેલા બાને, ઘેલા લાગતા મંજુફઈએ સચોટ માર્ગદર્શન આપ્યું. આવી સંવેદના અને સમજવાળા અમારા મંજુફઈને અભણ કે અજ્ઞાની માનતી અમારી બાલિશતા ભોંઠી પડી ગઈ.
_________
સરયૂ પરીખ
saryuparikh@yahoo.com www.saryu.wordpress.com